આપણો દેશ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે દિવસેને દિવસે પ્રગતિ કરી રહ્યો છે. આજે ભારત વિજ્ઞાન ક્ષેત્રે અન્ય દેશોને પડકાર આપવા માટે સક્ષમ છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ચંદ્રયાન 3. 14 જુલાઈ 2023 એટલે ચંદ્રયાન લોન્ચ ડે.આ દિવસ અંતર્ગત આજે ગજેરા વિદ્યાભવન,ઉત્રાણ, કોન્ફરન્સ હોલમાં સેમીનાર યોજાયો જેમાં મુખ્ય અતિથિ તરીકે એક કવિ, કેળવણીકાર,નિવૃત્ત પ્રિન્સિપાલ, રાષ્ટ્રીય વિજ્ઞાન એવોર્ડ થી સન્માનિત, સાયન્સ સ્ટોકમાં વર્લ્ડ રેકોર્ડર, ગોલ્ડ મેડાલિસ્ટ,હેમ રેડિયો સ્ટેશન હોલ્ડર તેમજ સામાજિક સેવા-પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ શ્રીમાન મનસુખભાઈ નારીયા દ્વારા ચંદ્રયાન 3 તેમજ વિવિધ મૂન મિશન, આદિત્ય L1 વિશે PPT દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી. શાળાના પ્રિન્સિપાલ શ્રી છાયાબેન ભાઠાવાળા દ્વારા ગુડી બેગ આપીને મહેમાનશ્રી નું સ્વાગત કર્યું હતું. આ સેમિનારમાં મુખ્ય અતિથિ દ્વારા જે વિસ્તૃત માહિતી આપવામાં આવી તેનાથી વિદ્યાર્થીઓ વિજ્ઞાન ક્ષેત્રે વિવિધ માહિતીઓથી માહિતગાર થયા તેમજ ચંદ્રયાન-3 મિશન અને તેના મહત્વ વિશે વિશે ઘણી અવનવી બાબતો જાણવા મળી..સેમિનાર ના અંતે શાળાના ઉપાચાર્યશ્રી કિશોરભાઈ જસાણી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
ચંદ્રયાન 3 વિશે કેટલીક મહત્વની બાબતો આ પ્રમાણે છે :
ચંદ્રયાન ત્રણ 14 જુલાઈ 2023 ના રોજ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી સતીશ ધવન સ્પેસ સેન્ટરથી GSLV 3 રોકેટ કે જે બાહુબલી રોકેટ તરીકે પણ ઓળખાય છે તેના દ્વારા બપોરે 2:35 કલાકે લોન્ચ કરવામાં આવ્યું હતું જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તારીખ 23 ઓગસ્ટ 2023 ના રોજ એટલે કે 40 દિવસ પછી સફળતાપૂર્વક લેન્ડ થયું.
ચંદ્રયાન 3 એ ભારતનો ચંદ્ર પર પહોંચવાનો ત્રીજો પ્રયાસ છે. આ અગાઉ ચંદ્રયાન 1 અને 2 લોન્ચ કરવામાં આવેલ તેમાંથી ચંદ્રયાન 1 વડે ચંદ્ર ઉપર પાણી ના અણુઓ છે તે જાણવા મળ્યું અને ચંદ્રયાન 2 માં સોફ્ટવેર ની તકનીકી ગરબડને કારણે નિષ્ફળ રહ્યુ હતું પરંતુ ઇસરોના વૈજ્ઞાનિકોએ તેમાંથી પ્રેરણા લઈ રાત દિવસ મહેનત કરીને ઘણા બધા સુધારા કરીને ચંદ્રયાન 3 લોન્ચ કર્યું હતું.
ચંદ્રયાન 3 દ્વારા ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો સૌથી પહેલો દેશ બન્યો છે. આ મિશનમાં બ્લેન્ડરનું નામ વિક્રમ તેમજ રોવર નું નામ પ્રજ્ઞાન રાખેલું હતું. જેમાં વિક્રમ એ ઇસરોના સ્થાપક ડો. વિક્રમ સારાભાઈ ના નામ ઉપરથી તેમજ પ્રજ્ઞાન એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે જ્ઞાન. ચંદ્રયાન 3 ને લોન્ચ કરવા માટે ઈસરો ના વૈજ્ઞાનિકોએ જુલાઈ અને ઓગસ્ટ મહિનો જ પસંદ કરેલો કારણ કે આ સમય દરમિયાન પૃથ્વી અને ચંદ્ર એક બીજાના ખૂબ જ નજીક હોય છે. ચંદ્રયાન 3 ની ઊંચાઈ આશરે 2 મીટર અને વજન 1700 કિલો જેટલું હતું જે લગભગ એક SUV કાર ના વજન જેટલું કહી શકાય.