“સપને ઉન્હી કે સચ હોતે હૈ,
જીન કે સપનો મેં જાન હોતી હૈ,
સિર્ફ પંખો સે કુછ નહી હોતા,
હોંસલો સે ઉડાન હોતી હૈ.”
વિદ્યાર્થીમિત્રો, સખત પરિશ્રમથી સફળતા પ્રાપ્ત કરી શકાય છે. સફળતા માટે કોઈ શોર્ટકટ નથી. જીવનમાં ઈચ્છાથી કશું નથી મળતું નિર્ણયશકતીથી કંઇક મળે છે અને દઢ નિશ્ચયબળે બધું જ હાંસલ કરી શકાય છે. વિદ્યાર્થી જીવનમાં નીચે આપેલ 4R ખુબ જ જ્વલંત અને ઝળહળતી સફળતા મેળવવા માટે પથદર્શક અને દિશાસૂચક રાજમાર્ગ બની રહેશે.
1) Reading (વાંચન) –
સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે, “ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.” વિદ્યાર્થીમિત્રો, એકાગ્ર ચિત્તે સારું વાંચન, મનન અને સતત ચિંતન કરો. વાંચનની સુટેવ કેળવો. શાળાકીય અભ્યાસના વિવિધ વિષયોના પાઠ્યપુસ્તકના પાઠ, પ્રકરણ અને જુદા જુદા મુદ્દાઓનું સંપૂર્ણ સમજણશક્તિ સાથે વાંચન કરો. ગોખણપટ્ટી કરશો નહીં. સમજણ સાથે વાંચેલું લાંબા સમય સુધી યાદ રહે છે. વાંચન કાર્ય બાદ તેનું મનન કરો. ગણિત, વિજ્ઞાન વિષયોના સૂત્ર, સમીકરણ, દાખલા તેમજ ભાષાઓમાં લેખક, કૃતિ, કર્તા, તેમજ વ્યાકરણ અને ગદ્યપદ્યની હેતુલક્ષી વિગતોનું સતત વાંચન, લેખકાર્યનો મહાવરો આપણે વધુ ગુણ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે તેમજ તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થશે, અને ઈચ્છિત પરિણામ મેળવવામાં મદદરૂપ થશે. પરીક્ષા સમયે પધ્ધતિસર અને આયોજનપૂર્વકના વાંચનથી 75% સફળતા આપોઆપ પ્રાપ્ત થઇ જાય છે.
2) Revision (પુનરાવર્તન) –
પુનરાવર્તન એટલે અભ્યાસના મુદ્દાઓને સતત કે વારંવાર યાદ કરી સ્મૃતિમાં દઢ કરવાં “makes man perfect” પાઠ્યપુસ્તકના પાઠ કે પ્રકરણનું નિયમિત વાંચન વારંવાર કાર્ય બાદ તમારા સમયપત્રક પ્રમાણે પાઠ કે પ્રકરણને પુનરાવર્તન માટેનો યોગ્ય સમય ફાળવો. પાઠ્યપુસ્તકના આધારે પાઠ કે પ્રકરણ અને સ્વાધ્યાયના પ્રશ્નો વધુ તૈયાર કરો. પ્રશ્નપત્ર પરિરૂપ મુજબ વધુ ગુણ ક્યા વિભાગીય પ્રશ્નોમાં લાવી શકાય તેની તૈયારી પણ કરતા રહો. પુનરાવર્તન કરતી વખતે અઘરા દાખલા, પ્રશ્નો, સમીકરણો કે ટૂંકનોંધને અલગ તારવી જેમાં વધુ અભ્યાસ અને વધારે પુનરાવર્તન કરવાની જરૂર જણાતી હોય તેવા કઠિનતામુલ્ય ધરાવતા પ્રશ્નોને વધુ સમય આપો.
3) Regularity (નિયમિતતા) –
“That man who is regular and punctual will get sure success in all walks of life.”
નિયમિતતા જીવનમાં ઊંચું લક્ષ્ય પ્રાપ્ત કરવાં માટે ખુબ જ અગત્યની બાબત છે. વિદ્યાર્થીમિત્રો, દૈનિક પ્રવુતિ, શાળા અભ્યાસનો સમય તેમજ વાંચન અને લેખનકાર્ય માટે નિશ્ચિત આયોજન કરો. પોતાનું આગવું એક સમયપત્રક બનાવો અને દરેક વિષયને માટે નિયમિત સમય ફાળવો. વિષયવાર પ્રશ્નોપત્રોનું લેખનકાર્ય નિયમિત કરો. સચિન તેંદુલકર જેવો મહાન ક્રિકેટર પણ ફક્ત એક વારમાં જ રમતના મેદાન પર આવીને સો રન ન કરી શકે, પરંતુ તે માટે તેની દરરોજની નિયમિત પ્રેક્ટિસ, શારીરિક કસરત, વધારે રન મેળવવા માટેની વ્યૂહરચના વગેરે ક્રિકેટરને 100 રનના લક્ષ્યાંક સુધી પહોંચાડે છે. તેવી જ રીતે પરીક્ષામાં વધુ ગુણ મેળવવા માટે પ્રશ્નપત્રો લખવાનો મહાવરો, ઉત્તરવહીઓનું, શિક્ષકો દ્વારા મૂલ્યાંકન થયા બાદ ક્ષતિ કે ભૂલનું નિવારણ કરવાના નિયમિત પ્રયત્નો, ભૂલસુધારણા, વિવિધ વિષયોના ગુણભાર, પ્રશ્નપત્ર પરીરૂપને ધ્યાને લઈને વર્ષ દરમિયાનની મહેનત ઉચ્ચ લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં અવશ્ય મદદરૂપ બને છે. આમ વાંચન, લેખન, અભ્યાસ અને પુનરાવર્તન દરરોજ નિયમિત થાય તો તે ખુબ જ જળવાય છે.
4) Regresh (તાજગી) –
વિદ્યાર્થીમિત્રો, દિવસના પાંચ-સાત કલાકના વાંચન બાદ શારીરિક કે માનસિક થાક લાગે ત્યારે થોડા Refresh થાવ. તમને મનગમતી પ્રવુતીઓ કરો. દરરોજ 10 થી 15 મિનીટ હળવો વ્યાયામ કે યોગાસન, પ્રાણાયામ કરી, તન-મનને પ્રફુલ્લિત બનાવો. સંગીત સાંભળો, ચિત્રો દોરો, મિત્રો સાથે મનગમતી રમત રમો. પરીક્ષાનો સમય નજીક આવે ત્યારે વધુ પડતા ઉજાગરા ન કરો. પરીક્ષા સમયે ઘરનો તાજો અને પોષ્ટિક ખોરાક લો. Light Food, Light Mood, Certainly future is good. છ-સાત કલાકની પૂરતી ઊંઘ લીધા બાદ સવારના સમયે પ્રફુલ્લિત મન અને તાજગી સાથે ફરીથી વાંચન-લેખનની પ્રવુતિ શરુ કરો.
પરીક્ષાનો ડર મનમાંથી દુર કરી બોર્ડની પરીક્ષાને શાળાની પરીક્ષાની જેમ હળવાશથી લો. હસતાં – હસતાં નિર્ભયતાથી અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપવા જાઓ. પરીક્ષાને આનંદનો અવસર સમજો.
અંતે એક જાણીતો ન્યુરોગ્રફ છે કે પરીક્ષામાં 40 ટકા હિસ્સો તમારી મહેનતનો છે જયારે 60 ટકા હિસ્સો તમારા અભ્યાસ અને પરીક્ષા પ્રત્યેના માનસિક વલણનો તથા પધ્ધતિસરનું વાંચન,મનન, પુનરાવર્તન, લેખન, ગણન, નિયમિતતા અને સમયપાલન જેવી બાબતોનો પણ હોય છે.