પરીક્ષા આવતા ઘરમાં શાંતિ છવાઈ જાય .આખું ઘર શાંત થઈ જાય આ શાંતિની પાછળ ચિંતા નો મોટો જુવાળ હોય. કારણ, આ સમય દરમિયાન બાળકોની પરીક્ષાઓ ચાલતી હોય. બાળકો અને વડીલો સતત પરિશ્રમ કરી પરીક્ષા નામક ભય સાથે લડતા હોય. પરીક્ષા પૂરી થાય પછી ઘરમાં થોડી નિરાંત થાય અને પછી રીઝલ્ટનો દૌર! વળી ,ચિંતા શરૂ થઈ જાય! ધાર્યું રીઝલ્ટ આવે ત્યારે ઘરમાં ખુશીનો માહોલ છવાઈ જાય! શાબાશી અને હર્ષના અશ્રુ નો પણ વરસાદ થાય!
દરેક માતા પિતા એવું ઇચ્છતા હોય કે પોતાના બાળકને પરીક્ષાનું શ્રેષ્ઠ રીઝલ્ટ મળે. તે માટે વાલીઓની પણ અથાગ મહેનત જરૂરી છે.શિક્ષક દ્વારા અપાતા શિક્ષણની સાથે એટલી જ મહેનત માતા પિતાએ કરવી જરૂરી છે. પરંતુ તેથી ઊલટું બધી જ અપેક્ષા શિક્ષક પાસે અને શાળા પાસે રાખવામાં આવી છે. જેમ એક હાથે તાળી પડતી નથી તે જ રીતે પરીક્ષાના સારા ગુણ માટે પણ વાલી અને શિક્ષકની સહિયારી મહેનત જરૂરી છે. હા ,એ વાત અલગ છે કે દરેક બાળકની ગ્રહણ શક્તિ સરખી હોતી નથી. એ યાદ રાખવું જરૂરી છે .બીજાના બાળક સાથે આપણા બાળકની સરખામણી તદ્દન અયોગ્ય છે. દરેક બાળક વર્ગમાં પ્રથમ નંબરે નથી આવતુ.રીઝલ્ટ માટે પરિશ્રમ સિવાય બીજા અનેક કારણો જવાબદાર હોય છે .તારી કરતાં તારા મિત્રને સારા માર્કસ આવ્યા જો !આવા શબ્દો બાળકોની સામે બોલતા પહેલા સાત વાર વિચાર કરવો જોઈએ. કારણ કોઈ પણ બાળકની બીજા બાળક સાથે સરખામણી શક્ય જ નથી.
બીજી વાત એ કે પરીક્ષામાં આવતું રીઝલ્ટ બાળકની પ્રતિભા નક્કી કરતું નથી .એ વાત સમજવી જરૂરી છે આપણી સામે અનેક લોકોના ઉદાહરણો છે, જેઓ શાળાની પરીક્ષામાં નાસીપાસ થયા પછી જીવનમાં મહાન બન્યા છે .હા ,એટલું જરૂર જાણવું કે પાછલી પરીક્ષા કરતાં આજની પરીક્ષામાં હું કેટલું સારું કે ખરાબ પરિણામ લાવી શક્યો /શકી.એના કારણો શોધી વધુ સારા માર્ક લાવવાનો પ્રયત્ન કરવો.
માતા પિતાનો વધારે પડતો સ્નેહ અને વધારે પડતું રક્ષણ બાળકના વિકાસમાં અવરોધ રૂપ બની રહ્યું છે. તો બીજી તરફ મા-બાપની વધારે પડતી અપેક્ષા બાળક પર થોપવામાં આવે છે. અથવા તો મા-બાપ પોતાના અધુરા સ્વપ્નો પૂરા કરવાનું સાધન પોતાના બાળકને બનાવી દે છે .મા બાપના આવા વલણથી અંતે નુકસાન બાળકને થાય છે .અંતે એટલું જરૂર યાદ રાખવું કે EVERY CHILD IS SPECIAL.
આજરોજ આપણી શાળા ગજેરા વિદ્યાભવન ઉત્રાણ ખાતે શૈક્ષણિક પ્રવૃત્તિના ભાગરૂપે શિક્ષકની મહેનત , બાળકની મહેનત અને વાલીની મહેનત ઉજાગર કરવાના આશય સાથે વાલી મીટીંગ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે પ્રથમ સત્રાંત પરીક્ષાનું રીઝલ્ટ બાળકોને શિક્ષકના હસ્તે અર્પણ કરવામાં આવ્યું. વાલીઓએ પણ ખૂબ ઉત્સાહપૂર્વ પોતાના બાળકનું પરિણામ સ્વીકાર્યુ અને આગામી શૈક્ષણિક માહિતી મેળવીને શાળા પરિવારને સહકાર આપ્યો તે બદલ ખૂબ આભાર.