2012થી દર વર્ષે 29મી ઓગસ્ટને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વાસ્તવમાં આ દિવસે દિગ્ગજ ખેલાડી ધ્યાનચંદનો જન્મ થયો હતો. મેજર ધ્યાનચંદને ‘હોકીના જાદુગર’ કહેવામાં આવે છે. તેમની 22 વર્ષની કારકિર્દીમાં 400 થી વધુ ગોલ કરનાર મહાન ખેલાડીને યાદ કરવા માટે, ભારત સરકારે 2012 થી તેમની જન્મજયંતિ પર રાષ્ટ્રીય રમત દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રીય રમતગમત દિવસ અંતર્ગત ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતોનું આયોજન કરી આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ સાથે આ દિવસની ઉજવણી પાછળનો એક ઉદ્દેશ્ય એ પણ છે કે આપણે આપણા દેશના યુવાનોને રમત-ગમતને તેમની કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરી શકીએ અને તેમનામાં એવી ભાવના પેદા કરી શકીએ કે તેઓ પોતાની રમતના શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા પોતાની તો પ્રગતિ કરી શકે છે, સાથે સાથે તેઓ તેમના સારા રમતગમતના પ્રદર્શનથી દેશનું નામ રોશન કરશે અને રાષ્ટ્રીય ગૌરવ પણ વધારશે. વિવિધ શાળાઓ રાષ્ટ્રીય રમત દિવસ એટલે કે 29મી ઑગસ્ટના રોજ તેમનો વાર્ષિક રમત દિવસ ઉજવે છે. શાળાઓ દ્વારા તે જ દિવસે આવા કાર્યક્રમો યોજવાનો હેતુ એ છે કે તેઓ આવનારી યુવા પેઢીને રમતગમતનું મહત્વ સમજાવી શકે અને તેઓને આ ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રેરિત કરી શકે જેથી આપણા દેશને સારા ખેલાડી મળે.
રાષ્ટ્રીય રમત પુરસ્કાર હેઠળ, તે ખેલાડીઓને અર્જુન પુરસ્કાર, રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર અને દ્રોણાચાર્ય પુરસ્કાર જેવા અનેક પુરસ્કારો આપીને સન્માનિત કરવામાં આવે છે. આ તમામ સન્માનો સાથે, “દેશનું સર્વોચ્ચ રમત સન્માન – ધ્યાનચંદ પુરસ્કાર” પણ આ દિવસે આપવામાં આવે છે, જે વર્ષ 2002 માં પ્રથમ વખત આપવામાં આવ્યો હતો.