“ જેમ લીલાંછમ ઝાડ-પાન વિહીન બગીચો વેરાન લાગે છે, તેમ વાંચન વિહીન જીવન શુષ્ક લાગે છે.”
આજના બાળકોમાં વિચાર વાંચનનો શોખ આપણે જગાવી શકતા નથી. ઉત્તરોત્તર આજની પેઢીમાં વાંચનનો શોખ ઓસરી રહ્યો છે. અભ્યાસ કરતા યુવક-યુવતી અભ્યાસક્રમમાં આવતા પુસ્તકો સિવાય ભાગ્યે જ કશું વાંચે છે. સાથે સાથે તેને ભણાવનાર શિક્ષક અને અધ્યાપક પણ વાંચનથી વિમુખ બન્યા છે. પરિણામે ધીમે – ધીમે આખો સમાજ વિચાર શૂન્યતા તરફ વળતો જાય છે. તેની પાસે કશી સમજુ વિચારની પુખ્ત્તની અપેક્ષા રાખી શકાય તેમ નથી. વાંચન મૂલ્યો થી એ વંચિત રહી જાય છે. સામાન્યતઃ સમાજમાં આવું જોવા મળે છે. માટે વાંચનનો શોખ દરેકે કેળવવો જોઈએ.
અંગ્રેજીમાં કહેવાયું છે કે, “Reading is the basic tool in the living of the good life “
જેનો અર્થ થાય છે કે, વાંચન એ સારું જીવન જીવવા માટેનું પાયાનું સાધન છે. પુસ્તકોનું વાંચન એટલે અભ્યાસક્રમમાં આવતા પુસ્તકોનું અધ્યયન અને પઠન નહીં પણ પુસ્તક ભંડોળમાંથી પુસ્તકોનુ વાંચન!
“જેટલું વધુ વાંચશો એટલું વધુ જાણશો, જેટલું વધુ જાણશો, એટલું વધુ શિખશો, જેટલું વધુ શીખશો, એટલા વધુ સ્થળોએ તમે ફરશો. આ જાદુ માત્ર પુસ્તકો જ કરી શકે છે.”
કોઈ એક સરસ પુસ્તક વ્યક્તિના વિચારો બદલી શકે છે; અને એ વિચારોથી એની સમજ બદલાય, એની સમજ થી એનો સ્વભાવ બદલાય, એના સ્વભાવથી એનું વ્યક્તિત્વ બદલાય, અને એનું વ્યક્તિત્વ બદલાય એટલે વ્યક્તિ આખી અંદરથી બદલાઈ જાય. વ્યક્તિ બહારથી એવોને એવો જ દેખાતો હોય, પણ અંદરથી એ પરિવર્તિત થઈ જાય છે. પહેલા હતો એના કરતાં વધુ સમજદાર બને છે. નવા ઉત્કૃષ્ઠ વિચારો વ્યક્તિની સમજમાં સ્પષ્ટતા લાવે છે; એને અંદરથી નિખારે છે; વૈચારિક રીતે ધોઈને ઉજળોબળાક કરી દે છે.
“સારા પુસ્તકો રત્નો કરતાં પણ વધુ અમૂલ્ય છે. રત્નો બહારથી જ પ્રકાશતા હોય છે, જ્યારે સારા પુસ્તકો વ્યક્તિને અંદરથી જ્ઞાન દ્વારા પ્રકાશિત કરતાં હોય છે.”
પુસ્તકો ઘણાં બધાં પ્રકારના હોય છે પણ દરેક પુસ્તકમાં ખજાનો છુપાયેલો છે, જે જીવનભર તમને મદદરૂપ થાય છે. મનુષ્યના જીવનમાં જેમ સોનુ, ચાંદી, હીરા, ઝવેરાત બધું ખુબ મહત્વનું ગણાય છે પણ, પુસ્તકો માં રહેલું જ્ઞાન આ બધા ખજાના થી પણ વધારે કિંમતી છે! જીવનને જો સાર્થક બનાવવું હોય તો પુસ્તક વાંચવું એ સૌથી મહત્વનું અને પહેલું પગલું છે.
વાંચન વ્યક્તિને અવનવી કળાઓ શીખવામાં મદદ કરે છે. વાંચનથી વ્યક્તિની લેખનકળા સુધરે છે. વાંચનથી મળતી વિચારોની મોકળાશ વ્યક્તિની કલ્પના શક્તિને વિકસાવે છે જેના લીધે લેખનમાં વિચારોની વિવિધતા જોવા મળે છે. વિચારોની વિભિન્નતા અને વિવિધતા લેખની ગુણવત્તા સુધારે છે. લેખનની ગુણવત્તા આવનાર પેઢી માટે અમૂલ્ય એવો ખજાનો છે. વાંચનથી યાદશક્તિ વધે છે અને વાંચન કરવાથી મગજ શાંત થાય છે અને એકાગ્રતા વધે છે. કોઈ પણ કાર્ય કરવા માટે એકાગ્રતા જરૂરી છે જે વાંચનથી મેળવી શકાય છે. માટે દરેક વ્યક્તિએ વાંચનનું મહત્વ સમજી જીવનમાં સારા પુસ્તકોના વાંચન ની વૃત્તિ કેળવવી જોઈએ.
વ્યક્તિ જીવનમાં જેટલું વધુ જ્ઞાન મેળવશે એટલી જીવનમાં સફળતા પ્રાપ્ત કરશે. વાંચન થકી વ્યક્તિના વર્તનમાં નિખાલસતા, દયા, સદભાવના, ભાઈચારો, વિનમ્રતા વગેરે આપોઆપ આવી જાય છે. પુસ્તકમાંથી મળતી હકારાત્મક ઊર્જા વ્યક્તિના દુષ્કાળ જેવા જીવનમાં પણ જીવ પૂરી શકે છે.
“આજથી વહેલી કોઈ શરૂઆત નહીં અને કાલ થી મોડી કોઈ વાત નહીં.”
ચાલો આ વાંચનમાં રહેલી એ અદભુત, અનોખી અને દિવ્ય શક્તિ થકી આપણે આ દુનિયાદારીની ભીડમાં અલગ તરી આવીએ… અને વાંચન નું મહત્વ સમજાવી સમાજમાં પણ જાગૃતિ લાવીએ. વાંચનનો પ્રચાર પ્રસાર કરીએ. આપણી અને સૌની પ્રગતિને વેગવંતુ કરીએ.