વાત્સલ્યધામની મુલાકાત

       આજના સમયમાં વિદ્યાર્થીઓમાં કેળવણીના પાયા સમાન કેટલાક ગુણો જેવા કે વિવેક, સાહસ, લાગણીશીલતા, કરુણા, સેવા કરવી વગેરે કેળવાય તો સંવેદના દાખવવાનું શીખે તે માટે ગજેરા વિદ્યાભવન વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરતી હોય છે.

       આવા હેતુસર તારીખ ૧૪/૧૦/૨૦૨૩ ને શનિવારના દિવસે ધોરણ ૮ ના બાળકોને વાત્સલ્યધામની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. આ સંસ્થા ગુજરાત અને ભારતભરના વિવિધ રાજ્યોમાંથી આવતા માતા પિતા વિનાના બાળકોને દત્તક લઈને તેમને ભણાવી ગણાવીને જીવનના દરેક તબક્કે આગળ વધવા માટે તૈયાર કરે છે. ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટની આ સંસ્થા દ્વારા સમાજથી વિખૂટા પડેલા બાળકોને સાચવીને અને કેળવીને સમાજમાં પુનઃ સ્થાપિત કરવામાં મદદ કરે છે. સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ ખૂબ જ ઉદારતા દાખવી અનાથ બાળકોને પ્રેમપૂર્વક અને કાળજી સાથે સમાજ જીવનના પ્રવાહમાં જોડવાનું કામ કરે છે.

       ગજેરા વિદ્યાભવન ઉત્રાણના બાળકોને પણ જીવનમાં કરુણા અને સામાજિક જવાબદારી વિશે જાગૃતિ કેળવાય તે માટે આ મુલાકાત દરમિયાન વાત્સલ્યધામ સંસ્થાના બાળકો સાથે વિવિધ પ્રકારની કેળવણીની પ્રવૃતિઓમાં જોડવામાં આવ્યા હતા.

       શરુઆતમાં સંસ્થાના સંયોજક શ્રી સુનીલભાઈ એ સંસ્થાના કાર્યો અને પ્રવુતિઓ વિશે બાળકોને જાણકારી આપી હતી. તેમણે વાત્સલ્ય ધામ સંસ્થાના બાળકોની દૈનિક પ્રવુતિઓ વિશે જણાવતાં કહ્યું કે બાળકો વહેલી સવારના ૫:૦૦ વાગ્યાથી શરૂ કરી રાત્રિના ૧૦:૦૦ વાગ્યા સુધી ભણવા ગણવાની વિવિધતા સભર પ્રવુતિઓ કરે છે. સારા સ્વાસ્થ્ય માટે યોગાસનની સાથે સાથે કસરતના વિવિધ દાવ દરરોજ કરાવવામાં આવે છે. બાળકો સંસ્થાના દરેક કામ હોંશે હોંશે અને આનંદ મળે તે રીતે કરે છે.

      ગજેરા વિદ્યાભવનના બાળકોને આ બાળકો સાથે પ્રવૃતિના ભાગરૂપે નાળિયેરીના વૃક્ષોના પાનનો ઉપયોગ કરી ડેકોરેશન માટે તૈયાર કરતા શીખવવામાં આવ્યું હતું. બાળકોએ પણ આનંદ પૂર્વક ભાગ લીધો હતો. ત્યારબાદ બપોરે એક વાગ્યા આસપાસ સંસ્થાના ભોજનાલયમાં જઈને અનાથ બાળકો સાથે ભોજન લીધું અને પીરસવાનો આનંદ માણ્યો. દરેક બાળકો આનંદ પૂર્વક જમતા જમતા એક બીજા સાથે પરિચય કેળવતા કેળવતા સંવેદના દાખવવાનું શીખ્યા.

        ત્યારબાદ શાળાના બાળકોએ ઉત્સાહ પૂર્વક રમતો રમ્યા અને વિવિધ ક્લબની પ્રવુતિઓ કરી હતી. આ બધી જ પ્રવૃત્તિઓ દરમિયાન શિક્ષકશ્રી શૈલેન્દ્રભાઈ પટેલ અને રાજેશભાઈ પરમાર સતત માર્ગદર્શકની ભૂમિકા નિભાવી રહ્યા હતા. બાળકોએ આનંદ પૂર્વક દિવસ પસાર કર્યો અને પછી સંસ્થાની વિદાય લેતી વખતે લાગણીસભર દ્રશ્યો સર્જાયા. બાળકો પાછા ફરતી વખતે કામરેજ ચોકડી પાસે આવેલા દાદા ભગવાનના મંદિરે દર્શન કરવા ગયા હતા. સાથે સાથે આધ્યાત્મિક અનુભવ થયો હતો અને હકારત્મક અભિગમ કેળવીને સૌ કોઈ શાળાએ પરત આવ્યા.

       આવા શૈક્ષણિક પ્રવાસો જ બાળકોને સામાજિક જવાબદારી અને ફરજો અદા કરવા પ્રોત્સાહિત કરે છે. શાળાની પ્રવૃતિઓ બાળકોને આત્મનિર્ભર કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *