દરેક માબાપ ઇચ્છે
છે કે એમનું બાળક ભણે-ગણે, સારી કેળવણી મેળવે, મોટું થતાં યોગ્ય વ્યવસાય કરી સમૃદ્ધ અને સંતુષ્ટ જીવન જીવે. દરેક
બાળકના મનમાં પણ, જેમજેમ સમજણ વિકસતી જાય તેમતેમ, આવું જ કોઇ સ્વપ્ન આકાર પામતું હોય
છે. શિક્ષકો અને સમાજ પણ એમજ ઇચ્છે છે. મૂળભૂત રીતે શિક્ષણનું મહત્વ માબાપ, બાળક, શિક્ષક, સમાજ સૌ સ્વીકારે છે. બાળપણ એ આપણા
જીવનનો એક મોટો હિસ્સો છે અને શિક્ષણ એ બાળપણ દરમિયાન સૌથી વધુ સમય માંગી લેતી
પ્રવૃત્તિ છે.
જો તમે ઈચ્છતાં હો
કે તમારું બાળક શાળામાં અવ્વલ રહે, સાંજના પોતાનું હોમ
વર્ક કરે તથા તમામ સામાન્ય જાણકારીથી વાકેફ રહે તો તેમાં તમારે પણ મહત્વનો ભાગ
ભજવવો પડશે. કારણ કે આ માત્ર શાળાના શિક્ષકોની જ જવાબદારી નથી. બાળકના શાળા
પ્રવેશથી લઈને તેની તમામ પ્રવૃત્તિઓ સાથે વાલીઓ સંકળાયેલા હોય તે જરૃરી બની ગયું
છે. શાળાના સંચાલકો પણ આ પ્રકારના એક્ટીવ પેરેન્ટ્સને આવકારે છે.
આથી વાલીઓએ શાળાના
સમય દરમિયાન
બાળક શું કરે છે તેની માહિતી સંતાનોને હળવાશથી પ્રશ્નો પૂછીને
મેળવવી જોઈએ. સંતાનોના અભ્યાસક્રમ તથા શાળામાં ચાલતી ઈતર પ્રવૃત્તિ વિશે મા-બાપે
પણ માહિતી રાખવી જોઈએ. બાળકના ભણતરમાં રસ ધરાવતાં વાલીઓ સાથે શિક્ષકો પણ આત્મીયતાથી વાત
કરે છે તેઓ જાણે છે કે બાળકોની સંભાળ રાખતાં અને તેમની પ્રત્યેક બાબત પ્રત્યે
જાગૃત રહેતા વાલીઓ જ તેના ભણતર પ્રત્યે ગંભીર વલણ ધરાવે છે.
સંતાનના અભ્યાસ સંબંધિત કોઈ સમસ્યા નજરે ચડે તો તરત જ તેના શિક્ષકનો સંપર્ક કરવો જોઈએ. ક્યારેક ઘરના વાતાવરણ કે સંજોગોની પણ બાળમાનસ પર વિપરીત અસર પડતી હોય છે એટલે જો એવી કોઈ તકલીફ હોય તો તે બદ્લ પણ શિક્ષક સાથે છૂટથી વાતચીત કરવી.
જેમ કે – સંયુક્ત કુટુંબ હોય કે નોેકરિયાત માતા હોય, ઘરમાં બીજા સંતાનના જન્મને કારણે બાળક ઓછપ અનુભવતું હોય કે મા-બાપ તેને પૂરતો સમય ફાળવી ન શકતા હોય વગેરે.
શાળાની પીટીએ મિટિંગમાં હાજરી આપવી જોઈએ જેથી શિક્ષકો સાથે મુક્તમને ચર્ચા કરી શકાય. બાળકોની નોટબુકોને રોજેરોજ તપાસવી જેથી શિક્ષકે કોઈ ચિઠ્ઠી મોકલી હોય તો તેની જાણ થઈ જાય. અને આ દ્વારા સંતાનના શિક્ષણ વિશેની પણ માહિતી મળી શકે છે. શાળાના કલાકો બાદ શિક્ષકોનું પણ અંગતજીવન હોય છે. એટલે કટોકટીભર્યા સંજોગો ન હોય તો શાળા પૂરી થયા બાદ શિક્ષકનો સંપર્ક ન કરવો. અહીં એક મહત્વની વાત યાદ રાખો કે જો તમે તમારા સંતાનના શિક્ષકને માન આપશો તો તમારા બાળકો પણ તેને સમ્માન આપશે.
બને ત્યાં સુધી શિક્ષક સાથે વાતચીત કરીને સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરવા. બાદમાં નાછૂટકે શાળાના પ્રિન્સિપાલનો સંપર્ક કરવો.
સંતાનો શાળામાં શું ભણે છે તથા જે ભણે છે તેને સમજાય છે કે નહિ તે પણ જાણવું જરૃરી છે. એવું નથી કે માત્ર સરકારી શાળાઓમાં જ ભણતરને નામે મીંડુ હોય છે કેટલીક અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાઓ પણ માત્ર મોટી મોટી વાતો કરતી હોય છે અને તેમાં શૈક્ષણિક સ્તર નીચું હોવાનું જાણવા મળે છે. શિક્ષકો શાળામાં કેવું ભણાવે છે અને તે બાળક સમજી શકે છે કે નહિ તે બાબત જાણવી પણ જરૃરી છે.
ઘણી વખત આપણી ધારણા કરતાં સંતાનો ખૂબ ઓછું ભણતાં હોય એવું પણ જોવા મળે છે. એટલે જો તે કોઈ વિષયમાં નબળું હોય તો તે શોધી કાઢવું જોઈએ. આ માટે આપણે ત્યાં ઘણી ટેસ્ટ પણ છે. જેમાં વિવિધ વિષયમાં બાળકની હોશિયારી ચકાસવામાં આવે છે. બાળકના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તે સંબંધિત તસવીરો, ફિલ્મો કે વેબસાઈટ શોધીને બાળકને તે બતાવો.
શાળામાં તેને જે કંઈ ભણાવવામાં આવ્યું હોય તે તેના જ શબ્દોમાં સમજાવવાનું કહો જેથી તેને શું સમજાયું છે કે શું નથી સમજાયું તેની જાણ થશે. પાઠયપુસ્તકના જ્ઞાનનો વાસ્તવિક જીવનમાં કેવી રીતે ઉપયોગ થશે તે પણ બાળકને સમજાવવું જોઈએ.
માતા-પિતા બંને નોકરિયાત કે પ્રોફેશનલ હોય તો તેમણે બાળકના ઉછેર અને શિક્ષણ માટે જરૃરી સમય ફાળવી ધ્યાન આપવું જોઈએ. પૈસા ખર્ચી મોંઘુ ટયુશન રખાવી દેવાથી બાળકની ભણતર સંબંધિત સમસ્યાઓ દૂર થતી નથી. વાલીઓએ કારકિર્દી અને પરિવાર વચ્ચે સંતુલન રાખવું જોઈએ. નોકરિયાત માતાઓએ સમયમાં થોડી છૂટછાટ મળે તેવી નોકરી પસંદ કરવી જોઈએ જેથી તે બાળકોના ઉછેરમાં ધ્યાન આપી શકે.
બને તો ઑફિસમાં ઓછો સમય રહી ઘરે બેસીને કામ પૂરું કરો જેથી બાળકને પણ તમારી કંપની મળી રહે અને ઓફિસનું કામ પણ ન બગડે. આ બાબતે તમારા ઉપરી સાથે ખુલ્લા મનથી વાત કરો અને કામમાં વિલંબ ન થાય તેની ખાતરી આપો તથા તેવું કરીને બતાવો.
સૌથી મહત્વની વાત એ છે કે, સંતાનના શાળાકીય કાર્યક્રમોમાં અચૂક હાજર રહો. સ્પોર્ટ્સ ડે, એન્યુઅલ ડે જેવા કાર્યક્રમો સમયે જો મા-બાપ ગેરહાજર રહે તો બાળક લઘુતાગ્રંથિ અનુભવે છે. છેવટે, તમે ખીલવેલા માસુમ પુષ્પના માળી તમે જ છો તે વાત કદાપિ ન વીસરવી જોઈએ. આથી ગજેરા વિદ્યાભવનના વિદ્યાર્થીમાં ધંધાદારી અને મેનેજમેન્ટના પાઠ શીખે તે માટે વાલી મીટીંગની સાથે સાથે ‘રાખી મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ રાખડી, મીઠાઈઓ અને ગીફટની અવનવી વસ્તુઓનું વેચાણ કર્યું હતું. આ સમગ્ર મેળાનું આયોજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.