વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ

          જળ, જંગલ અને જમીન આ ત્રણેય વગર કુદરતની કલ્પના કરવી અશક્ય છે. જંગલ છે તો વન્ય જીવ છે. જળ છે તો જળીય જીવોનું અસ્તિત્વ છે અને આપણા માટે તો જળ એ જ જીવન છે. વિશ્વમાં સૌથી સમૃદ્ધ દેશ એ જ છે જ્યાં જળ, જંગલ અને જમીન પર્યાપ્ત માત્રામાં હોય. આપણો દેશ નદીઓ, જંગલ અને વન્ય જીવ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. પ્રકૃતિ સુરક્ષિત રહેશે ત્યારે જ જીવન ટકી રહેશે. અને પ્રકૃતિ પ્રત્યેની જાગરૂકતાના હેતુથી દર વર્ષે 28 જુલાઇએ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ મનાવવામાં આવે છે.

વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસનું મહત્વ:

          આ દિવસના માધ્યમથી પ્રાકૃતિક સંસાધનોની સુરક્ષાને લઇને વિશ્વભરના લોકો વચ્ચે જાગરૂકતા ફેલાવવામાં આવે છે. એક સ્વસ્થ વાતાવરણ જ સ્થિર અને ઉત્પાદક સમાજનો પાયો હોય છે અને વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ પણ આ પ્રકારના વિચારો પર આધારિત છે. આ દિવસનું મહત્ત્વ એટલા માટે પણ છે કે પ્રકૃતિ સંરક્ષણ મારફતે જ વર્તમાન સમય અને આવનાર પેઢીઓનું ભવિષ્ય સુરક્ષિત બનાવી શકાશે અને કલ્યાણ સુનિશ્ચિત કરી શકાય છે.

વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસનો હેતુ:

          વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસનો હેતુ પ્રકૃતિના સંરક્ષણ માટે જરૂરી પગલાં લેવાનો છે. પ્રકૃતિમાં અસંતુલન સર્જાવાને કારણે જ આપણે કુદરતી હોનારતનો સામનો કરવો પડે છે. ગ્લોબલ વૉર્મિંગ, મહામારીઓ, કુદરતી આપત્તિઓ, તાપમાનનું વધવું વગેરે જેવી સમસ્યાઓ પ્રકૃતિમાં અસંતુલન સર્જાવાને કારણે જ થાય છે. દેશ પહેલાથી જ કોરોના મહામારી સામે લડી રહ્યો છે અને કેટલાય રાજ્ય પૂર જેવી પ્રાકૃતિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી સતત કેટલાય ભૂકંપના આંચકા પણ આવી ચુક્યા છે અને આગળ પણ આવવાની શક્યતાઓ જણાવવામાં આવી રહી છે. આપણે કેટલાક નાના-નાના પ્રયત્નોથી કુદરતનું સંરક્ષણ અને જતન કરવું જોઇએ.

પ્રકૃતિ સંરક્ષણ માટે શું કરવું જોઇએ?

– જંગલો ન કાપવા જોઇએ. વધુમાં વધુ વૃક્ષ વાવવા જોઇએ.

– પાણીનો ઉપયોગ ત્યારે જ કરો જ્યારે તેની જરૂર હોય.

– જમીનના પાણીને ફરીથી સ્તર પર લાવવા માટે વર્ષાના પાણીને સાચવી રાખવાની વ્યવસ્થા કરો.

– જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ ન ફેલાવો. ધ્વનિ પ્રદૂષણને ઘટાડવાનો પ્રયાસ કરો.

– કાર્બન જેવા નુકશાનકારી ગેસોનું ઉત્પાદન બંધ કરો.

– પ્લાસ્ટિક, પૉલીથિનનો ઉપયોગ કરવાનું બંધ કરો અને કાગળ અથવા કપડાંની થેલીનો ઉપયોગ કરો.

– વીજળી બચાઓ, જે રૂમમાં કોઇ ન હોય તે રૂમના લાઇટ અને પંખા બંધ રાખો.

– ઇન્ટરનેટના આ યુગમાં તમામ બિલની ચુકવણી ઓનલાઇન કરો તેનાથી ન માત્ર તમારો સમય બચશે પરંતુ કાગળની સાથે સાથે પેટ્રોલ-ડીઝલ પણ બચશે.

– શક્ય હોય ત્યાં સુધી ચાલતા જાઓ અને વધુ સાઇકલનો ઉપયોગ કરો.

– ડબ્બા-બંધ વસ્તુઓનો ઓછો ઉપયોગ કરો.

– ક્લાઇમેટને સારુ બનાવવાની ટેક્નિક્સને પ્રોત્સાહન આપો.

– કુદરત સાથે સકારાત્મક સંબંધ ધરાવતી ટેક્નિક્સ તથા એસેસરીઝનો ઉપયોગ કરો. જેમ કે, ખેતરમાં ફર્ટીલાઇઝરની જગ્યાએ જૈવિક ખાતરનો ઉપયોગ કરો.

            આ પ્રકારના પ્રયાસોને જો આપણે આપણી આદત જ બનાવી લઇએ તો પ્રકૃતિ સંરક્ષણની દિશામાં આ પ્રયાસ ખૂબ જ મદદરૂપ સાબિત થશે.

          વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ સંરક્ષણની ભાવના ખીલે અને જાગૃતિ કેળવાય તે હેતુસર તા. ૨૮/૦૭/૨૦૨૩, શુક્રવારના ગજેરા વિદ્યાભવન, ઉત્રાણમાં પ્રકૃતિ સંરક્ષણ દિન નિમિત્તે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં ધોરણ ૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *