એક નાનકડું હાસ્ય વિચારો માં ડુબેલા માનવનું ટેન્શન હળવું કરે છે. જીવનમાં હાસ્યનું મહત્વ હવે સર્વત્ર સ્વીકારાયું છે.સારી રીતે આનંદ સાથે જીવન જીવવા માટે હાસ્યએ એક જરૂરી અંગ છે. મનુષ્યના જીવનમાં સુખ અને દુ:ખ તો આવ્યા જ કરતાં હોય છે.સુખમાં છકી જવાનું નથી તો દુઃખમાં ભાંગી પણ પડવાનું નથી. હાસ્ય એક એવું પ્રબળ એન્જિન છે જે દરેક પ્રકારની પીડા, દુ:ખ અને દર્દોનો ભારેખમ બોજ પણ આસાનીથી ઉપાડી શકે છે. દુ:ખ આવે તો પણ તેને તે હસીને એને અલવીદા કરી શકે છે. હાસ્ય એ જીવનની મશીનરીને ઘર્ષણ વિના ચલાવવા માટેનું એક ઉપયોગી પીંજણ (lubricating oil)ની ગરજ સારે છે.
મહાત્મા ગાંધીનું એક જાણીતું કથન છે કે : “જો મારામાં વિનોદ-વૃતિ (sense of humour) ન હોત તો મેં ક્યારનો ય આપઘાત કરી લીધો હોત.” અંગ્રેજીમાં એક સરસ વાક્ય છે “Laugh and world will laugh with you… Weep and you weep alone.” હાસ્ય જીવનની પાનખરમાં પણ વસંત લાવવાની ક્ષમતા ધરાવે છે. વૃદ્ધજનો માટે તો હાસ્ય જીવનની સંજીવની સમાન છે. જેને હાસ્ય એક વ્યસન થઇ જાય એને કોઈ પણ પ્રકારનાં દુ:ખ દર્દો બહુ પજવી શકતાં નથી.
‘વિશ્વ હાસ્ય દિવસ’ નિમિત્તે શ્રીમતી એસ.એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ૧૦ જાન્યુઆરીના રોજ ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ માટે સ્વાસ્થ્ય અને હાસ્ય બંને એકસાથે ઉપલબ્ધ થાય તેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી જેમાં ત્રિપગી દોડ, એક મીનીટમાં ફુગ્ગા ફુલાવવા, એક મીનીટમાં એક હાથ વડે ચાંદલા ચોટાડવા વગેરે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં હાસ્યથી થતા ફાયદા અને કયા કયા પ્રકારના હાસ્ય જીવનને સમૃદ્ધ બનાવે છે એની ચર્ચા કરવામાં આવી. શાળાના આચાર્યશ્રી દ્વારા પણ વિદ્યાર્થીઓને હાસ્યના ફાયદા જણાવવામાં આવ્યા. દરેક વિદ્યાર્થીઓએ હાસ્ય દિવસની પ્રવૃત્તિઓને ઉત્સાહભેર માણી હતી.
હાસ્ય એક ટોનિક છે, રાહત છે, દર્દ માટે દવા સમાન છે અને હાસ્ય વિના એક દિવસ પણ વ્યર્થ છે.