” શિક્ષક તે નથી જે વિદ્યાર્થીના મગજમાં તથ્યોને બળજબરીથી નાખે પણ વાસ્તવિક શિક્ષક તે છે જે તેને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરે.”
શિક્ષણ અથવા કેળવણી એ દરેક યુગની જરૂરિયાત છે. કોઈપણ યુગમાં જીવનમાં સુખ શાંતિ અને સફળતા મેળવવા માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. યુગોથી માનવે જાતે જ શિક્ષણનું મહત્વ સ્વીકાર્યું છે.તે સમાજની અનિવાર્ય જરૂરિયાત છે તેમજ શિક્ષણ એ બાળકના સર્વાંગી વિકાસની પ્રક્રિયા છે.
શિક્ષણ પ્રણાલી ત્રણ બાબતો સાથે સંકળાયેલી છે વાલી, વિદ્યાર્થી અને શિક્ષક આ ત્રણેય શિક્ષણના આધારો છે. શિક્ષક અને વાલી બંનેના કેન્દ્રમાં વિદ્યાર્થી છે જેના સર્વાંગી વિકાસની જવાબદારી આ બંને પર રહેલી હોય છે. શાળા અને કુટુંબ ભલે એકબીજાથી ભૌગોલિક અંતર ધરાવતા હોય પણ ઉત્તમ નાગરિકોના નિર્માણમાં બંનેના વિચારો અને પ્રવૃત્તિઓ વચ્ચેનું અંતર ન્યૂનતમ રહે એ જ આદર્શ સ્થિતિ છે તેથી દરેક શાળાઓને વાલી જેવા શિક્ષક અને દરેક કુટુંબને શિક્ષક જેવા વાલીઓની જરૂર છે એ ભૂલવું જોઈએ નહીં.
વાલીમિત્રો વિદ્યાર્થીઓની શાળાની અભ્યાસકીય પ્રવૃત્તિથી માહિતગાર થાય તથા વાલી, વિદ્યાર્થી અને શિક્ષકો વચ્ચે વધુ આત્મીયતા કેળવાય અને શૈક્ષણિક કાર્ય સુદ્દઢ બને તેમજ શૈક્ષણિક સંબંધિત કોઈ સમસ્યા હોય તો શિક્ષક સાથે ચર્ચા કરી શકે. તેથી આજરોજ તારીખ 14/09/24 શનિવાર ના રોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રાથમિક શાળા ઉત્રાણ ખાતે શાળાના આચાર્યશ્રી દીપ્તિબેન સોલંકીના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક વર્ષ 2024 ના સપ્ટેમ્બર માસમાં વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગ દરમિયાન શિક્ષકોએ વાલીશ્રીઓ સાથે વિદ્યાર્થીઓનો અભ્યાસ કેવો ચાલે છે તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસમાં કેવા પ્રકારની કઠણાઈઓ નડતરરૂપ થાય છે એ બાબત ઉપર વાતચીત કરવામાં આવી.
આ મીટીંગ દરમ્યાન વિદ્યાર્થી ઓને વિકલી ટેસ્ટના પેપર બતાવવામાં આવ્યા અને શિક્ષક દ્વારા આવનારી પ્રથમ સામયિક પરીક્ષાને અનુલક્ષીને વાલીશ્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી. તેમજ વાંચન લેખનને લગતા અને વિદ્યાર્થીઓને મૂંઝવતા વિવિધ પ્રશ્નોની ચર્ચા પણ કરવામાં આવી.
“જે સ્વયં ને બદલી શકે એવી બધી જ પ્રવૃત્તિ શિક્ષણ છે.” ( “Education is doing anything that changes you.”) અર્થાત બાળકો સાથે સંકળાયેલા સૌ પોતાના સારા કામ થકી તેના વ્યક્તિત્વને નિખારી શકે છે.
આમ શાળા દ્વારા યોજાયેલ આ વાલી મીટીંગમાં વાલીશ્રીઓ ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા તેમજ તેમને મૂંઝવતા પ્રશ્નોની મુક્તપણે ચર્ચા કરી હતી.
“શ્રેષ્ઠ શિક્ષકો જવાબ નથી આપતા પણ તેઓ તમારી અંદર સવાલો પૂછવાની અને તેના જવાબો શોધવાની ઈચ્છા જગાડે છે.”