શૈક્ષણિક પ્રવાસ – સ્વરાજ આશ્રમ, બારડોલી

       વિશાળ વાચન, ઊંડું મનન, સંતોનો સમાગમ વગેરે પરિબળો માનવીના જીવનઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એ જ રીતે, પ્રવાસ પણ માનવીનું જીવન ઘડનાર એક મહત્ત્વનું પરિબળ છે. કાકાસાહેબ કાલેલકરે ખરું જ કહ્યું છે, જેમ કુંભાર માટીને ઘાટ આપે છે, તેમ પ્રવાસ પ્રવાસીને ઘડે છે. ’’ પ્રકૃતિ , શિલ્પ – સ્થાપત્ય, સમાજજીવન વગેરે વિશે અનેક પુસ્તકો દ્વારા ન મળે એટલું જ્ઞાન એક પ્રવાસ દ્વારા મળી શકે છે. જેમ માતાને માટે કહેવાય છે કે ‘એક માતા સો શિક્ષકની ગરજ સારે ”, તેમ પ્રવાસને માટે કહી શકાય કે ‘ એક પ્રવાસ સો પુસ્તકની ગરજ સારે ! ’’ વાસ્તવમાં , પ્રવાસથી મળતું જ્ઞાન પુસ્તકિયા જ્ઞાન જેવું શુષ્ક નથી હોતું, અનુભવથી રસાયેલું હોય છે. એ જ્ઞાન માનવીના જીવનમાં કદી ન ભૂંસાય એ રીતે અંકિત થઈ જાય છે.

     પ્રકૃતિનાં સૌંદર્યધામોનો પ્રવાસ માનવીના જીવનને રસસભર બનાવે છે. અનુપમ પ્રાકૃતિક સૌંદર્યનું દર્શન આપણને ઊંડો , સાત્ત્વિક આનંદ આપે છે. ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ ઇતિહાસનાં પૃષ્ઠોને આપણાં મનઃચક્ષુ સામે ખુલ્લાં કરી દે છે. પ્રતાપગઢનો કિલ્લો જોઈને શિવાજીની વીરતાની જે જીવંત ઝાંખી થાય, તે ઇતિહાસનાં પ્રકરણો વાંચવાથી ભાગ્યે જ થઈ શકે. એ જ રીતે, ક્લાવિવેચનનાં પુસ્તકો વાંચવાથી જે લાસૂઝ ન વિકસે તે શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકળાની ઉત્તમ કૃતિઓનાં પ્રત્યક્ષ દર્શનથી વિકસી શકે છે. પ્રવાસ દ્વારા જ પ્રકૃતિ અને માનવીની ઉત્તમ રચનાઓનાં દર્શન થઈ શકે છે. આપણા જીવનના સર્વાંગી ઘડતર માટે તે જરૂરી છે.

     પ્રવાસ દ્વારા થતા વિવિધરંગી અનુભવોથી જીવનની જે પાયાની કેળવણી મળે છે , તે વર્ષોના શૈક્ષણિક અભ્યાસથી મળી શકતી નથી. પ્રવાસમાં માનવી અનેક પ્રકારના લોકોના પરિચયમાં આવે છે, જુદા જુદા સમાજોની સંસ્કૃતિ અને સભ્યતાના સંપર્કમાં આવે છે. આથી વ્યાપક પ્રવાસો માનવીની જીવનદૃષ્ટિને વિશાળ બનાવે છે. શ્રી ઉમાશંકર જોશીએ ખરું જ કહ્યું છે :

” ઘરને ત્યજીને જનારને મળતી વિશ્વતણી વિશાળતા,

પછવાડે અડવા થનારને ભરખે ઘર કેરી શૂન્યતા ! “

જીવનભર પોતાના સમાજના નાનકડા વર્તુળમાં જ ગોંધાઈ રહેનાર, ખરેખર, અનેક દૃષ્ટિએ દરિદ્ર રહી જાય છે.

       આવી વિવિધતાસભર બાબતોને જીવનમાં કેળવવા માટે ગજેરા વિદ્યાભવન દરેક પ્રગતિશીલ બાળકોને પ્રવાસ કરાવે છે. તારીખ ૩૦/૧૦/૨૦૨૩ ને સોમવારે શાળાના ધોરણ ૮ અને ૯ ના બાળકોને સ્વરાજ આશ્રમ, બારડોલી પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદીના સંગ્રામમાં પોતાના જીવનનો ઘણો બધો સમય વિતાવ્યો હતો. બારડોલી સત્યાગ્રહથી પ્રખ્યાત સ્વરાજ આશ્રમ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક માનવામાં આવે છે.

       સ્વરાજ આશ્રમ ખાતે બાળકોએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન વિશે તેમજ તેમણે કરેલા સત્યાગ્રહો વિશેના ફોટોગ્રાફ અને વીડિયો બતાવવામાં આવ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલના જીવન કાર્યો પર ત્યાં મ્યુઝીયમ અને સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે તેની મુલાકાત લઈને બાળકોને તેમના જીવન વિશે માહિતગાર કર્યા હતા. ત્યાં ચાલતી સહકારી પ્રવુતિઓ વિશે પણ બાળકોને માહિતી આપવામાં આવી હતી.

       બાળકોને પ્રવાસ દરમિયાન વિવિધ પ્રકારની રમતો રમાડવામાં આવી હતી. ત્યાંથી નીકળી બાળકોને સાંકરી સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા લઈ જવામાં આવ્યા. ત્યાં દરેક બાળકોને આધ્યાત્મિક અનુભવ થયો અને ઈશ્વરીય આસ્થમાં ઉન્નતિ થઈ. છેલ્લે પાછા ફરતા બાળકોને ગળતેશ્વર મહાદેવના દર્શન પણ કરાવવામાં આવ્યા અને આનંદ મોજ માણતા માણતા સાંજે શાળાએ પરત આવ્યા.

       પ્રવાસનું આધ્યાત્મિક મૂલ્ય પણ ઓછું નથી. પ્રવાસ માનવીને એ સનાતન સત્યની પ્રતીતિ કરાવે છે કે આ જગતમાં બધા મનુષ્યો મુસાફરો જ છે. કોઈ પોતાની સાથે કંઈ લઈ જતો નથી, પછી તે તાજમહાલ બંધાવનાર શાહજહાં હોય કે રાજ્યલાલસા માટે પાણીપતનું યુદ્ધ ખેલનાર બાબર કે અકબર હોય. આમ, પ્રવાસ માનવીની સાહસવૃત્તિને ઉત્તેજિત કરવાની સાથે, તેને નિરાસક્તિના પાઠ પણ શીખવી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *