તા. 21-07-2023 કવિ ઉમાશંકર જોશીની ૧૧૨ મી જન્મ જયંતિ નિમિતે ગજેરા વિદ્યાભવન અને ગુજરાત સાહિત્ય, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તા. ૨૧/૦૭/૨૦૨૩, શુક્રવારના રોજ ઉત્રાણ ખાતે ગુજરાતના પ્રથમ હરોળના કવિ શ્રી ઉમાશંકર જોશીની ૧૧૨ મી જન્મજયંતિ નિમિતે ધોરણ ૯ ના વિદ્યાર્થીઓ માટે વક્તવ્ય રાખવામાં આવ્યું હતું. જેમાં ગજેરા વિદ્યાભવન ના એકેડેમિક ડીરેક્ટર શ્રી જયેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શાળાના આચાર્ય શ્રી વિપુલભાઈ ટાઢાણી સાહેબે પ્રસંગોચિત ઉદ્બોધન કરી સર્વને સંબોધ્યા હતા. જેમાં ગુજરાત સાહિત્ય અકાદમી તરફેથી ડૉ. અંકિતાબેન મુલાણી અને શ્રીમતી એસ. એચ. ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણના ઉપાચાર્ય ડૉ. ઉમેશભાઈ બગડીયા સાહેબે વક્તવ્ય આપી વિદ્યાર્થીઓને કવિ ઉમાશંકર જોશીના જીવન-કવન-અર્ચનથી માહિતગાર કર્યા હતા.
ગાંધીયુગના પ્રમુખ સાહિત્યકાર ઉમાશંકર જોશીએ કવિતા, નવલિકા, નવલકથા, નિબંધ, વિવેચન, એકાંકી, ચરિત્ર લેખન, અનુવાદ, સંપાદન એમ વિવિધ ક્ષેત્રે સર્જન કાર્ય કર્યું છે. એમની સાહિત્ય પ્રતિભાએ ગુજરાતના જ નહિ ભારતના સીમાડા વટાવીને આંતર રાષ્ટ્રીય સ્તરે સ્થાન લીધું છે. ‘નિશીથ’ કાવ્યસંગ્રહ માટે ભારતીય જ્ઞાન પુરસ્કાર મેળવીને ગુજરાતી કવિતાને ગૌરવ અપાવ્યું છે. ભારતીય સાહિત્ય અકાદમી યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે એમણે સાહિત્ય અને રાજકારણ એમ વિવિધ ક્ષેત્રમાં બહુમુલ્ય સેવાઓ આપી છે.
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.
ઉમાશંકર માત્ર ગાંધીયુગનાં જ અગ્રણી કવિ નથી એમનું સ્થાન ગુજરાતી ભાષાનાં સર્વકાલીન કવિઓમાં ઉમાશંકર જોશી એક એવા પ્રયોગશીલ અને ચિંતનપ્રદાન ઊર્મિકવિ છે જેમને, ગાંધીયુગનાં તેમજ અનુગાંધીયુગનાં, એમ બબ્બે યુગનાં પ્રસ્થાનકાર થવાનું બહુમાન પ્રાપ્ત થયું છે. આમ, તેઓ પોતાની બૃહદ સરસ્વતી સાધનાથી આપણા એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર વિદ્યાપુરુષ બની રહ્યા.
તેઓ પોતાને ગુજરાતી સાહિત્યકાર કરતાં ‘ગુજરાતીમાં લખતાં એક ભારતીય સાહિત્યકાર’ તરીકે ઓળખાવવાનું વધારે પસંદ કરતા હતાં. આ કેવળ એ વાતનું પ્રમાણ નથી કે એમણે પોતાનામાં વૈવિધ્યપૂર્ણ ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિને પૂરી રીતે સમાવ્યા હતાં. પરંતુ, આ વિધાનમાં પ્રાન્તીયતાનાં સંકુચિત માળખામાંથી મુક્ત કરીને ભારતીય સાહિત્યને વૈવિધ્યપૂર્ણ સમગ્રતામાં જોવાનો એમનો આગ્રહ પણ રહેલો છે.
સમગ્ર કાર્યક્રમ દરમ્યાનમાં વિદ્યાર્થીઓએ ગુજરાતી સાહિત્યના જાજરમાન સાહિત્યકાર અને તેજસ્વી રત્ન એવા ઉમાશંકર જોશીની કાર્ય સાધનાનો વિસ્તૃત પરિચય મેળવ્યો હતો.
વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.
એવી વ્હાલપની વાત રંગભીની.
આકાશે વીજ ઘૂમે,
હૈયામાં પ્રીત ઝૂમે,
છંટાતી સ્વપ્નની બિછાત રંગભીની.
વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.
બાજે અજસ્ત્રધાર
વીણા સહસ્ત્રતાર
સ્મૃતિના ઝંકાર આંખે લુવે રંગભીની.
વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.
ઓ રે વિજોગ વાત!
રંગ રોળાઈ રાત,
નેહભીંજી ચૂંદડી ચૂવે રંગભીની.
વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.
– ઉમાશંકર જોશી