હવન

       તા. 11/10/2024 ને શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવનમાં PLANT A SMILE ના અભિયાન હેઠળ નવરાત્રી નિમિત્તે ભારતીય ભાતીગળ સંસ્કૃતિની પરંપરા મુજબ આદ્યશક્તિની આરાધનાને ધ્યાનમાં લઈને આધ્યાત્મિકતા, અને સંસ્કારોનું સિંચન થાય તેના ભાગરૂપે ગજેરા વિદ્યાભવન શાળા દ્વારા ઉત્રાણ મુકામે શાસ્ત્રોક્ત વિધિથી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ નવ ના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

       નવરાત્રી એટલે મહાશક્તિ જગદંબાની ભક્તિ,નવરાત્રી એટલે મહાશક્તિ જગદંબા(આધ્યાશક્તિ) ની આરાધનાનું પર્વ. મનમાં ધ્યાનનો દીવો પ્રગટાવી લો. નવરાત્રી એટલે મહાશક્તિ જગદંબાની ભક્તિ સાધના ઉપાસના નું પર્વ..

       જગન્માતાની સન્મુખે નવરાત્રીના દિવસોમાં અખંડ જ્યોત (દીવો) પ્રગટાવાનું મહત્વ અનેરું છે. ગાઢ અંધારામાં દીવો સળગતાની સાથે જ અંધારું દૂર થઈ જાય છે અને ત્યાં પ્રકાશ પ્રગટે છે.  ગમે તેવો અંધારિયો ઓરડો પણ પ્રકાશિત થઈ જાય છે.  દીવો ન સળગાવ્યો હોય ત્યાં સુધી સ્થાનમાં અંધકાર જ હોય છે, પરંતુ પ્રકાશ પ્રગટતાં જ સમગ્ર વાતાવરણ બદલાઈ જાય છે.  ત્યાં રહેલી બધી જ વસ્તુઓ સ્પષ્ટ દેખાય છે.

       પુર્વના આકાશની ક્ષિતિજે લાલાશ પડતો સોનેરી સૂર્ય ઉગે છે તેની સાથે જ રાત્રીનો ગાઢ અંધકાર અદ્રશ્ય થઈ જાય છે.  એક નવા પ્રભાતનું આગમન થાય છે.  એની સાથે જ સમગ્ર સૃષ્ટિ ચેતનવંતી બની જાય છે.  પક્ષીઓ કલરવ કરવા માંડે છે.  રંગબેરંગી સુગંધિત ફૂલો ખીલી ઊઠે છે  અને તેમની સુગંધથી સમગ્ર વાતાવરણ મહેંકી ઊઠે છે. એ જ રીતે ધ્યાન પણ અચેતન મનના ગહન અંધકારમાં એક દીવો પ્રગટાવવા સમાન છે.  ધ્યાનથી અચેતન મન પ્રકાશિત થઈ જાય છે.  આપણા અચેતન મનમાં જન્મજન્માંતરોના સારા કે ખરાબ,  શુભ કે અશુભ સંસ્કાર,  પાપ કે પુણ્ય વગેરેનો અંધકાર છવાયેલો હોય છે.  સારા કે ખરાબ અનુભવોની સ્મૃતિઓ,  દમન કરેલી ઈચ્છાઓ,  વાસનાઓ,  કામનાઓ વગેરે આપણા અચેતન મનમાં દબાઈને પડી રહી હોય છે,  તેથી ત્યાં અંધકાર છે એમ કહી શકાય. 

        આપણા અચેતન મનના સંસ્કારોમાં એક અદ્રશ્ય આકર્ષણ હોય છે. તે આપણને તેમના તરફ આકર્ષે છે.  તેમની અસર આપણા ચિંતન  ચરિત્ર અને વ્યવહાર ઉપર પડે છે.  તે આપણને કઠપૂતળીની જેમ નચાવે છે.  એ કર્મસંસ્કારો આપણા માટે એક અદ્રશ્ય બંધન બની જાય છે.  તે બંધન કામનાઓ,  મમતા, આસક્તિ વગેરેના કારણે હોય છે.  આપણે મા જગદંબા તરફ જવા ઈચ્છીએ છીએ, પરંતુ આપણે એ દિશામાં આગળ વધી શકતા નથી. એ તરફ આપણે એકાગ્ર થઈ શકતા નથી કારણ કે કર્મસંસ્કારોનું બંધન આપણને વારંવાર એમના તરફ ખેંચે છે. આ સંસ્કારો અદ્રશ્ય હોય છે,  પરંતુ તે ખૂબ શક્તિશાળી હોય છે,  તેથી તેમના પ્રભાવ, પ્રલોભન તથા આકર્ષણમાં ફસાઈને મોટે ભાગે લોકો એ સંસ્કારોથી પ્રેરિત માર્ગ પર ચાલતાં રહે છે.  જ્યારે આપણે ઈશ્વરની ઉપાસના કરવા બેસીએ છીએ ત્યારે ચિત્તની ચંચળતા આપણને વિચલિત કરી દે છે,  તે આપણને પરેશાન કરે છે.  આપણે ધ્યાન કરવા બેસીએ એની સાથે જ આપણા ચિત્તના સંસ્કારો આપણી ઉપર આક્રમણ કરે છે.  એના લીધે ધ્યાનમાં આપણું મન એકાગ્ર થતું નથી.  ભૂતકાળની સ્મૃતિઓ એક પછી એક આપણા મનમાં ઘુમરાયા કરે છે અને આપણે તેમના પ્રવાહમાં વહેતાં જઈએ છીએ.   

       બાળકોને ધ્યાનમાં બેસતાની સાથે જ મનમાં સારા કે ખરાબ વિચારો એક પછી એક સતત આવ્યાં કરે છે.  આપણે કરેલાં કર્મોના સંસ્કાર આપણને ચારેય બાજુથી ઘેરી લે છે,  પરંતુ તે એટલા પ્રબળ હોય છે કે તે આપણને ધ્યાન કે ઉપાસના કરવા દેતા નથી.  આપણે લાચાર બની જઈએ છીએ.  કેટલીકવાર તો એ સંસ્કારોના પ્રભાવમાં તથા આકર્ષણમાં ફસાઈને સાધક વર્ષો સુધી કરેલી તપસ્યા તથા સાધનાથી સ્ખલિત થઈ જતાં જોવા મળ્યા છે.  જ્યાં સુધી આપણે એ સંસ્કારોના પ્રભાવમાં રહીએ છીએ ત્યાં સુધી આપણે ઈચ્છવા છતાં પણ ધ્યાન તથા ઉપાસના માર્ગે ચાલી શકતા નથી.  આપણે આપણા પૂર્વ સંસ્કારો અનુસાર ચાલવા લાગીએ છીએ.  આવી પરિસ્થિતિમાં એકાગ્ર ચિત્તે ધ્યાન કરવા માટે  *મા જગદંબા* નું સ્મરણ જ ચિત્તમાં રહેવું જોઈએ.

       શિસ્ત થકી શિક્ષણ, શિક્ષણ થકી સંસ્કાર, સંસ્કાર થકી સંસ્કૃતિની વિચારધારા કેળવીએ. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *