ભાઈ-બહેનના પ્રેમના પ્રતિક એવા રક્ષાબંધનનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ રાખડી બાંધવાનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રક્ષા સૂત્ર બાંધે છે અને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરે છે. જ્યારે ભાઈઓ તેમની બહેનની રક્ષાના વચન સાથે ભેટ આપે છે. રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઇ બદલે છે. માછીમારો આ દિવસે નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે. તેથી તેને નારિયેળી પૂનમ પણ કહેવાય છે.
ભાઇના જીવનમાં, ભાઇના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઇને કોઇ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે. આ રક્ષણ એટલે અંતરની આશિષનું રક્ષણ, હેતભરી શુભ ભાવનાનું રક્ષણ, અદ્રશ્ય પરમાત્મા અને દેવ-દેવીઓને ગદગદ ભાવે કરેલી પ્રાર્થનાનું રક્ષણ.
પૌરાણિક ઈતિહાસ :
મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન કૃષ્ણની આંગળીમાં સુદર્શન ચક્રથી ઇજા થઈ હતી, જેનાથી લોહી વહી રહ્યું હતું. આ જોઈને દ્રૌપદીએ તેની સાડીનો એક ટુકડો ફાડી નાખ્યો અને લોહી વહેતું બંધ કરવા માટે તેને બાંધી દીધું. ત્યારથી આ કાપડનો ટુકડો પવિત્રપ્રેમનું પ્રતીક બની ગયો. આ ઘટના પછી ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને જીવનભર તેની રક્ષા કરવાનું વચન આપ્યું હતું. આ પછી ભગવાન શ્રીકૃષ્ણએ વસ્ત્રાહરના સમયે દૌપદીની રક્ષા કરીને પોતાનું વચન પૂરું કર્યું. આ ઘટના બાદ રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસે બહેનો ભાઈઓના કપાળ પર ‘તિલક’ લગાવે છે અને તેમના કાંડા પર દોરો કે રાખડી બાંધે છે. આ તહેવાર બહેનોની ભાઈ પ્રત્યેની બિનશરતી વિશ્વાસ દર્શાવે છે. આપણા શાસ્ત્રમાં બીજી એક કથા છે કે કુંતાજીએ અભિમન્યુને રાખડી બાંધી હતી. આપણે ત્યાં પરંપરા છે કે ફક્ત ભાઇ-બહેનને જ નહી સંતાનનોની રક્ષા માટે માતા પુત્ર કે દાદી પૌત્રને રક્ષાસૂત્ર બાંધી શકે.