વિશ્વ સંસ્કૃત દિવસ

      વિશ્વ સંસ્કૃત દિવસ દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. સંસ્કૃત એ ભારતની સૌથી જૂની ભાષા છે, લગભગ તમામ વેદો અને પુરાણો સંસ્કૃતમાં લખાયા છે.આ ભાષાનું વર્ણન આપણા તમામ ધાર્મિક ગ્રંથો અને મંત્રોમાં જોઈ શકાય છે, તેથી, તેના સંરક્ષણને ધ્યાનમાં રાખીને વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે. સંસ્કૃત ભાષા અનેક ભાષાઓની જનની છે અને દેવોની ભાષા લેખાય છે. વૈદિક સાહિત્યની સંસ્કૃત ભાષા પ્રાચીન છે અને પાણિનીય વ્યાકરણને અનુસરતી અને પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યની ભાષા તેનું નવીન રૂપ છે.

       વિશ્વની પ્રાચીન ભાષા સંસ્કૃતમાં વિજ્ઞાન, ભાષા સાહિત્ય અને ટેકનોલોજીના ગૃઢ રહસ્યો છુપાયેલાં છે. સંસ્કૃત ભાષા સંપૂર્ણ ભાષા છે, હતી અને કાયમ રહેશે. વિદ્વાનોના વિશ્વએ સંસ્કૃતને ખૂબ જ પવિત્ર, કુદરતી અને વાસ્તવિક ભાષા સ્વીકારી છે. તમામ ધર્મના તત્વચિંતક બુધ્ધિજીવીઓ સંસ્કૃતના ઉપાસક રહેલાં છે. કેમ કે સંસ્કૃતએ પૂર્ણ ભાષા છે.જીવનના દરેક ક્ષેત્ર સાથે જોડાયેલો જ્ઞાનનો ભંડાર સંસ્કૃત ભાષા અને તેના સાહિત્યમાં છે.

       સોમનાથની સંસ્કૃત યુનિવર્સિટીમાં ઇસ્લામિક દેશો સહિતનું વિશ્વ જ્ઞાન લેવા કતારમાં ઉભું છે ત્યારે આપણે પણ સંસ્કૃતનું ગરીમા સમજીને તેનું જતન કરવું જોઇએ. સંસ્કૃત માત્ર શાસ્ત્રની ભાષા નહીં વિજ્ઞાનનું શસ્ત્ર પણ છે. સંસ્કૃત થકી ભારત ફરીથી વિશ્વગુરૂ બનવા મક્કમ રીતે આગળ વધી રહ્યું છે ત્યારે ભારતીયોએ પણ સંસ્કૃતનું મહત્વ વહેલાસર સમજી લેવાનો સમય પાકી ગયો છે.

     કર્ણાટક રાજયના શિવમોગા જિલ્લાના મટ્ટુર ગામના રહેવાસીઓ આજે પણ વાતચીત માટે સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ કરે છે. આપણા મોટાભાગના ધાર્મિક ગ્રંથો જેવા કે વેદ, પુરાણ, રામાયણ, ઉપનિષદ, મહાભારત, ભગવદ્ ગીતા, શાકુંતલમ, રઘુવંશ મહાકાવ્ય અને તમામ કલ્યાણકારી મંત્રો વગેરે સંસ્કૃતમાં લખાયા છે.આમ છતાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઘટી રહ્યો છે, તેથી સમાજમાં સંસ્કૃતનું મહત્વ વધે તે માટે વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે.

     તા. ૨૪/૦૮/૨૦૨૪ ના રોજ વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે શાળામાં ધોરણ 9, 10 ના વિદ્યાર્થીઓ માટે શ્લોક ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ખૂબ જ સરસ રીતે  શ્લોકગાન  સ્પર્ધામાં ભાગ લીધો તેમજ નિરીક્ષક દ્વારા સ્પર્ધામા ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *