મને એ વાત જણાવતા ખૂબ જ ગર્વ થાય છે કે મારો ભારત દેશ 15 મી ઓગસ્ટ 1947 ના રોજ અંગ્રેજોના તાજના શાસન હેઠળ થી મુક્ત થયો હતો એટલે કે આઝાદ થયો હતો. ત્યારબાદ આ આઝાદ ભારતની કામગીરી અને વહીવટ આગળ વધારવા માટે એક બંધારણ ની જરૂરિયાત ઊભી થઈ હતી. તેથી ભારત દેશમાં વિવિધ રજવાડાઓ અને રાજ્યોમાંથી ચૂંટણી દ્વારા બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. આ બંધારણ સભાની 2 વર્ષ, 11 મહિના, અને 17 દિવસ ની કામગીરી બાદ અસ્તિત્વમાં આવ્યું હતું. આ બંધારણને બંધારણ સભાએ 26 નવેમ્બર, 1949 ના રોજ બધા જ સભ્યોએ બંધારણ પર સહી કરીને તેને અપનાવ્યું હતું. ત્યારબાદ આ બંધારણને 26 જાન્યુઆરી, 1950 ના દિવસથી અમલમાં મૂકવામાં આવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી બંધારણની ગરિમા જળવાઈ રહે તેના માટે વિવિધ લોકોએ ઘણા બધા કાર્યો કર્યા હતા.
બંધારણને તૈયાર કરવા માટે દેશના અલગ અલગ લોકોએ ઘણી બધી સેવાઓ આપી હતી. તેમના આ પુરુષાર્થને યાદ રાખવા માટે દર વર્ષે 26 નવેમ્બર ના રોજ ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીનો હેતુ લોકોમાં બંધારણની જાગૃતતા લાવવાનો છે. અને તેના માટે ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે બંધારણ દિવસની ઉજવણી કરવા માટે ધોરણ 9 ના વિદ્યાર્થીઓ દ્વારા એક નાટક તૈયાર કરીને તેને પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
આ નાટક દ્વારા વિદ્યાર્થીઓ એ બંધારણમાં કયા કયા મૂળભૂત અધિકારો છે , કયા કયા નાગરિકોને હકો છે, અને ભારતના નાગરિકોની ભારત દેશ પ્રત્યે કઈ કઈ ફરજો રહેલી છે તેના વિશે સંપૂર્ણ સમજ નાટક દ્વારા આપી હતી. ઘણી બધી અગત્યની વાતો જો ફક્ત ભાષણ દ્વારા સમજાવવામાં આવે તો ઘણીવાર લોકો તેને સરળતાથી સમજી શકતા નથી, અને તે જ બાબત જો કોઈ નાટક દ્વારા અથવા વાર્તાના સ્વરૂપમાં સમજાવવામાં આવે તો લોકો તરત જ તેને ગ્રહણ કરી લેતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને બંધારણ દિવસની ઉજવણી માટે આ નાટક તૈયાર કરવામાં આવ્યું હતું.
બંધારણ દિવસની ઉજવણી કોન્ફરન્સ હોલમાં 26 નવેમ્બર, 2024 ના રોજ સવારે 9:00 વાગે કરવામાં આવી હતી. તેમાં ગુજરાતી માધ્યમના આચાર્યા શ્રી છાયાબેન ભાઠાવાલા, શિક્ષક મિત્રો અને ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત થયા હતા. આ કાર્યક્રમમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય ની સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ અમારી શાળાના આચાર્યા દ્વારા બંધારણ દિવસના મહત્વ વિશે ભાષણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ધોરણ 9 ના વિદ્યાર્થીઓ દ્વારા બંધારણ જાગૃતતા વિશે નાટકની રજૂઆત કરવામાં આવી હતી. અને છેલ્લે અમારી શાળાના સામાજીક વિજ્ઞાન વિષયના શિક્ષક શ્રી એ બંધારણ દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે અને ભવિષ્યમાં ઉજવણી શા માટે કરવી જોઈએ તેના વિશે વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું.