વસંત પંચમી : જ્ઞાન અને વસંતઋતુનું પર્વ

       વસંત પંચમી જે બસંત પંચમી તરીકે પણ ઓળખાય છે, તે હિંદુ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક છે. દર વર્ષે મહા સુદ પાંચમના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસથી વસંતોત્સવનો પ્રારંભ થાય છે. સૂર્ય જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરે ત્યાર પછીના 40 દિવસ વસંત ઋતુના કહેવાયા છે. વસંતમાં નવી કૂંપળો ફૂટે છે અને ફૂલ ખીલે છે. બધી ઋતુમાં વસંતનો મહિમા અલગ જ છે અને તેના આગમનના વધામણાં વસંતપંચમીથી થાય છે. આ સમયમાં પ્રકૃતિનું સૌંદર્ય ખીલી ઉઠે છે, ઠંડીની વિદાય થવાનું શરૂ થાય છે, દિવસે સૂર્યનો કુમળો તડકો અને રાત્રે મીઠી ઠંડી આ ઋતુને વધુ રંગીન બનાવે છે. આ દિવસ ખાસ કરીને વસંતના આગમન અને દેવી સરસ્વતીની પૂજા માટે છે. આ દિવસે જ્ઞાન, જ્ઞાન અને કલાની દેવી સરસ્વતીની પૂજાનું વિશેષ મહત્વ છે.

       વસંત પંચમીનો સીધો સંબંધ દેવી સરસ્વતી સાથે છે. પૌરાણિક કથા અનુસાર જ્યારે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી હતી ત્યારે સૃષ્ટિમાં કોઈ જીવન ન હતું, પરંતુ તે જીવન શાંત અને કોઈ અવાજ વિનાનું હતું. ભગવાન બ્રહ્માએ પોતાના કમંડળમાંથી પાણી છાંટ્યું જેમાંથી દેવી સરસ્વતી પ્રગટ થયા હતા. દેવી સરસ્વતીએ વીણા વગાડીને મીઠો અવાજ સમગ્ર વિશ્વમાં ફેલાવ્યો અને સૃષ્ટિમાં જીવનનો સંચાર થયો. ત્યારથી દેવી સરસ્વતીને જ્ઞાન, સંગીત અને કલાની દેવી માનવામાં આવે છે અને આ તિથિએ વસંત પંચમીની ઉજવણી થવા લાગી હતી. વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. પૂજામાં સફેદ ફૂલ, પીળા વસ્ત્રો, સફેદ તલ અને સંગીત અર્પણ કરવામાં આવે છે. દેવી સરસ્વતીના ચરણોમાં વીણા અને પુસ્તક મુકવું શુભ માનવામાં આવે છે. આ દિવસે, લોકો જ્ઞાન અને અધ્યયનની પ્રાપ્તિ માટે માતા પાસેથી આશીર્વાદ લે છે.

        આ દિવસ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે દેવી સરસ્વતીને જ્ઞાન અને વિદ્યાની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ ઉપરાંત આ ખાસ દિવસે નાના બાળકોને અક્ષર જ્ઞાન પણ આપવામાં આવે છે, જેને ‘વિદ્યારંભ’ કહેવામાં આવે છે. વસંત પંચમીને વસંતના આગમન તરીકે પણ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસથી ઠંડીનું વાતાવરણ સમાપ્ત થવાનું શરૂ થાય છે અને હવામાનમાં ફેરફાર થાય છે. ખેતરોમાં પીળા સરસવના ફૂલો ખીલે છે, જે વસંત પંચમીના પીળા રંગને પ્રતિબિંબિત કરે છે. લોકો આ દિવસે પીળા રંગના કપડાં પહેરે છે અને ખીચડી અને હલવા જેવી પીળી વાનગીઓ બનાવે છે. વસંત પંચમીને પ્રેમ અને સૌંદર્યનો તહેવાર પણ માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર આ દિવસે કામદેવે પોતાની પત્ની રતિ સાથે મળીને ભગવાન શિવની તપસ્યાને ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કારણે તેને પ્રેમ અને સુંદરતાના તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે. છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારમાં આ દિવસે લોકો બળદની પૂજા કરી ખેતર ખેડવાનો આરંભ કરે છે.

     મહાકવિ કાલિદાસના અદ્ભુભુત ગ્રંથ ‘અભિજ્ઞાન શાકુન્તલમ’માં શકુન્તલાના વિયોગથી પીડાતા દુઃખી રાજા દુષ્યંતે મધુમાધવના આગમન પૂર્વે વસંતપંચમીના દિવસથી શરૂ થતાં વસંતોત્સવની ઉજવણી આખા રાજ્યમાં કરાવી હતી.

      આમ, વસંતપંચમી એટલે વસંતના આગમનને વધાવવાનો દિવસ, વિદ્યાદેવી સરસ્વતી આરાધનાનો દિવસ. વસંતપંચમી પર જીવનમાં તમે ખૂબ વિદ્યા પ્રાપ્ત કરો અને તમારા જીવનમાં ખુશીઓ બની રહે એવી પ્રાર્થના સાથે વસંતપંચમીની હાર્દિક શુભકામનાઓ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *