મહિનામાં ૨ વખત એકાદશી વ્રત કરવામાં આવે છે જ્યોતિષ ગણના પ્રમાણે અગિયારમી તિથિને એકાદશી કહેવામાં આવે છે. જે મહિનામાં બે વાર આવે છે. એક સુદ પક્ષમાં અને બીજી વદ પક્ષમાં. અમાસ પછી આવતી એકાદશીને સુદ પક્ષની એકાદશી અને પૂનમ પછી આવતી એકાદશીને વદ પક્ષની એકાદશી કહેવામાં આવે છે. આ પ્રકારે વર્ષમાં ૨૪ એકાદશી તિથિને અલગ-અલગ નામ આપવામાં આવ્યાં છે. દરેક એકાદશીનું પોતાનું અલગ મહત્ત્વ પણ છે. હિંદુ સંસ્કૃતિમાં અગિયારસ કે એકાદશીનું ખૂબ જ મહત્વ છે. અધિક માસને કારણે બે એકાદશી વધે છે. જેને પરમા અને પદ્મિની કહેવામાં આવે છે. આ બંનેનું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પરમા એકાદશી મહત્વ
પરમા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સાથે ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. ભગવાન શિવે ખુદ કુબેર ભગવાનને પરમા એકાદશીનું વ્રત રાખવા કહ્યું હતું. આ વ્રતના પ્રભાવથી ભગવાન વિષ્ણુએ કુબેરને ધનાધ્યક્ષ બનાવી દીધા હતા. માનવામાં આવે છે કે આ વ્રત રાખવાથી સુખ-સંપદા, ધન-દૌલત પ્રાપ્ત થાય છે.
આ વ્રત કરવાથી સત્યવાદી રાજા હરિશ્ચંદ્રને પુત્ર, પત્ની અને રાજપાટ પ્રાપ્ત થયું હતું. એવું માનવામાં આવે છે કે આ વ્રત દરમિયાન પાંચ દિવસ સુવર્ણ દાન, શિક્ષા દાન, અન્ન દાન, ભૂમિ દાન અને ગાય દાન કરવું જોઈએ. જેનાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને સાથે જ વ્યક્તિના જીવનમાં આવતા દરેક સંકટ અને સમસ્યા દૂર થાય છે.
પુરાણો અને સ્મૃતિ ગ્રંથમાં એકાદશી
સ્કંદ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે હરિવાસર એટલે એકાદશી અને બારસના ઉપવાસ વિના તપસ્યા, તીર્થયાત્રા કે કોઈપણ પ્રકારના પુણ્ય આચરણથી મોક્ષ નથી થતો. પદ્મ પુરાણ પ્રમાણે જે વ્યક્તિ ઇચ્છાથી કે કોઈ બીજા કારણોસર એકાદશી વ્રત કરે છે, તેના બધા જ પાપ દૂર થાય છે અને પરમધામ વૈકુંઠ પ્રાપ્ત કરે છે. કાત્યાયન સ્મૃતિમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આઠ વર્ષની ઉંમરથી એંસી વર્ષ સુધીના બધા જ સ્ત્રી-પુરૂષો માટે કોઈ ભેદ વિના એકાદશીમાં ઉપવાસ કરવાનું કર્તવ્ય છે. મહાભારતમાં શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને બધા પાપ અને દોષથી બચવા માટે ૨૪ એકાદશીના નામ અને તેનું મહત્વ જણાવ્યું છે.
આજરોજ તારીખ ૧૨/૦૮/૨૦૨૩, શનિવારના રોજ અધિક માસની અગિયારસ નિમિત્તે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ ખાતે વિષ્ણુપૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના પ્રિન્સિપાલ શ્રી વિપુલભાઈ ટાઢાણી સાહેબ, વાઈસ પ્રિન્સિપાલ શ્રી શિક્ષક મિત્રો તેમજ ધોરણ ૮, ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓએ અગિયારસનું વ્રત કરી સમૂહ પૂજામાં ભાગ લીધો હતો. અગિયારસની પૂજાનું મહત્વ તેમજ ઉપવાસ વિશે જાણકારી મેળવી હતી તેમજ પૂજા પૂરી થયા બાદ પ્રસાદનું વિતરણ કરી પૂજા પૂર્ણ કરી હતી.