આરતી ની થાળી હું સજાવું,
કુમકુમ અને અક્ષત નો તિલક લગાવું,
તારા ઉજ્જવળ ભવિષ્યની કામના હું કરું,
ક્યારેય ન આવે તારા પર સંકટ એવી પ્રાર્થના હું સદા કરું.
ભારત તહેવારોનો દેશ છે.તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ.તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઈ બહેન નો તહેવાર.તેનું બીજું નામ ‘બળેવ‘ છે. રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઈ ખવડાવે છે ભાઈ તેની બહેનને ભેટ આપે છે.
રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે છે માછીમારો આ દિવસે નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે તેથી તેને ‘નારિયેળી પૂનમ‘ પણ કહે છે. આ જ તો એક વિશેષ દિવસ છે કે જે શભાઈ બહેન માટે બનેલો છે.
રક્ષાબંધનનો પર્વ એટલે દ્રષ્ટિ પરિવર્તનનો પર્વ, ભાઈ બહેનના વિશુદ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતું ઝરણું. ભગવાન શંકર ત્રીજું નેત્ર ઉઘાડી કામદેવને ભસ્મ કરી નાખ્યો હતો. બહેન પણ ભાઈનું ત્રીજુ નેત્ર (બુદ્ધિ લોચન)ખોલી ભાઈને વિકાર વાસનાઓ ભસ્મ કરવાનું આડકતરી રીતે સુચન કરે છે.
ભારતના ધાર્મિક ગ્રંથોમાં રક્ષાબંધન વિશે અનેક પ્રકારની પૌરાણિક કથાઓ જણાવવામાં આવી છે.
*કૃષ્ણ અને દ્રૌપદી
ત્રેતાયુગમાં મહાભારતના યુદ્ધ પહેલા શ્રી કૃષ્ણએ રાજા શિશુપાલ સામે સુદર્શન ચક્ર ઊભું કર્યું હતું. તે દરમિયાન તેમના હાથમાં ઇજા થઈ અને લોહી વહેવા લાગ્યું બદલામાં શ્રીકૃષ્ણએ દ્રૌપદીને આવનાર દરેક સંકટથી બચાવવાનું વચન આપ્યું હતું. આ જ કારણે દ્રૌપદીના ચીર હરણ વખતે શ્રીકૃષ્ણએ દ્રૌપદીની રક્ષા કરી હતી, તેથી રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે.
* ઇન્દ્ર અને ઈન્દ્રાણીની રાખી
એવું માનવામાં આવે છે કે એક સમયે અસુરો અને દેવતાઓ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું, આસુરી શક્તિઓ પ્રબળ હતી. યુદ્ધમાં તેમનો વિજય નિશ્ચિત માનવામાં આવતો હતો. ઈન્દ્રાણી તેના પતિ અને દેવતાઓના રાજા ઈન્દ્રની ચિંતા કરવા લાગી. તેથી પૂજા કર્યા પછી તેણે એક શક્તિ યુક્ત રક્ષણ દોરો બનાવ્યો અને તેને ઇન્દ્રના કાંડા પર બાંધ્યો.એવું કહેવાય છે કે આ પછી દેવતાઓએ યુદ્ધ જીત્યું અને તે દિવસથી શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે. જોકે આ એકમાત્ર ઘટના છે જેમાં પત્નીએ તેના પતિને રક્ષા સૂત્ર બાંધ્યુ હતુ. પરંતુ પાછળથી વૈદિક કાળમાં આમાં પરિવર્તન આવ્યું અને આ તહેવાર ભાઈ બહેનના સંબંધમાં ફેરવાઈ ગયો.
* મહારાણી કર્ણાવતી અને સમ્રાટ હુમાયુ
ચિત્તોડ ની રાણી કર્ણાવતીએ તેના રાજ્યને ગુજરાતના સુલતાન બહાદુર શાહના આક્રમણ થી બચાવવા માટે સમ્રાટ હુમાયુને રાખડી મોકલી અને તેની રક્ષા કરવા વિનંતી કરી. હુમાયુએ પણ તેની રાખડી સ્વીકારી લીધી અને તેની રક્ષા માટે તેના સૈનિકો સાથે ચિત્તોડ જવા રવાના થયા. જોકે હુમાયુ ચિત્તોડ પહોંચે તે પહેલા રાણી કર્ણાવતીએ આત્મહત્યા કરી લીધી હતી.
આજરોજ શ્રીમતી એસ.એચ.ગજેરા પ્રાથમિક શાળામાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી તે અંતર્ગત ધોરણ 1 થી 7 ના બાળકોને રક્ષાબંધન નું મહત્વ સમજાવવામાં આવ્યું અને રક્ષાબંધનની ઉજવણી રૂપે દરેક બહેને તેના ભાઈને કુમકુમ અક્ષત નો તિલક લગાવી સ્નેહ થી રાખડી બાંધી અને ચોકલેટ અને મીઠાઈ દ્વારા મોઢું મીઠું કરાવ્યું અને ભાઈએ તેની બહેનને પ્રેમથી ભેટ સોગાદ આપી અને શાળાનું વાતાવરણ ધાર્મિક ,પૌરાણિક અને આનંદિત બનાવ્યું.