આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ હવે સજ્જ થયુ છે. ગુજરાત રાજ્યના પ્રત્યેક નાગરિકને “સાયબર ક્રાઇમ સુરક્ષા” આપવા માટે દેશમાં સૌ પ્રથમ ગુજરાત પોલીસ સાયબર સુરક્ષાના અત્યાધુનિક કંટ્રોલરૂમના માધ્યમથી આપ સૌને મદદરૂપ બનશે.
મોબાઇલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ વડે કોઇપણ પ્રકારની લાલચ, છેતરપીંડી, ધાક-ધમકી, નાણાકીય ફ્રોડ, અપમાનજનક ભાષાનો પ્રયોગ, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુના એટલે સાયબર ક્રાઇમ.
સોશીયલ મીડીયા સંબંધિત ફ્રોડ:
આજકાલ લોકો Social Media નો ભરપુર ઉપયોગ કરી રહ્યા છે. કોઇ વેપાર માટે તો કોઇ મનોરંજન માટે, કોઇ ગપશપ કરવા માટે તો કોઇ નવા નવા મિત્રો બનાવવા માટે WhatsApp, Facebook, Instagram, Twitter, YouTube જેવી એપ્લીકેશન વડે સતત એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે. પરંતુ અહીં પણ તમારી સાથે છેતરપીંડી કરવા માટે ઘણા અસામાજીક સાયબર તત્વો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. જેમ કે,
– Social Media પર અન્ય વ્યક્તિના નામે Fake પ્રોફાઇલ બનાવવી
– Social Media પર અન્ય વ્યક્તિના પ્રોફાઇલ પેજ હેક કરવાા
– અન્ય કોઇ વ્યકિતના ફોટો કે વિડીયો બિનઅધિકૃત રીતે અપલોડ કરવા
– અન્ય કોઇ વ્યકિત વિશે અપશબ્દોનો ઉપયોગ
– બિભત્સ ભાષા, સાહિત્ય કે પોર્નોગ્રાફી
– સાયબર બુલિંગ
– Fake News કે ખોટી અફવા ફેલાવવી
– ધર્મ, જાતિ, ભાષા કે પ્રાંતને નિશાન બનાવી અન્યની લાગણીને ઠેસ પહોંચાડવી તેમજ તે પ્રકારની માહિતી, ફોટા કે વિડીયો અપલોડ કરવા, ટેગ અથવા શેર કરવુ પણ ગંભીર ગુનો બને છે
ઓનલાઈન ડેબીટ કાર્ડ /ક્રેડીટ કાર્ડ ફ્રોડ:
પહેલાંના સમયમાં હાથમાં છરી જેવા હથિયાર લઇને અસામાજીક તત્વો લુંટ ચલાવતા, પરંતુ હવે તમારા ડેબીટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડમાં આયોજનપુર્વક OTP ના માધ્યમથી લાખો-કરોડો રૂપિયાની ઉઠાંતરીના કિસ્સાઓ સામે આવ્યા છે. નાગરિકોને ફોન ઉપર બેંક મેનેજર/કર્મચારી કે RBI ના અધિકારી હોવાની નકલી ઓળખ આપીને વિશ્વાસ કેળવી તેમના મોબાઇલ ફોન પર આવેલા OTP ઉપરાંત ડેબીટ/ ક્રેડીટ કાર્ડ જેવી મહત્વપુર્ણ માહિતી મેળવી નાગરિકોના ખાતામાંથી માતબર રકમ ઉપાડી લેવામાં આવે છે.
ઓનલાઈન શોપીગ ફ્રોડ:
આજકાલનો જમાનો ઓનલાઇન શોપીંગનો છે. Social Media તેમજ અલગ અલગ ઇ-કોમર્સ વેબસાઇટ જાતભાતની ચીજવસ્તુઓ ખરીદતી વખતે સાયબર ક્રીમીનલ્સ તમારી સાથે આયોજનપુર્વક છેતરપીંડી કરતા હોય છે. Social Media કે અન્ય ઇ-કોમર્સ વેબસાઇટ પર લોભામણી લાલચ આપતી જાહેરાતો મુકીને યેનકેન પ્રકારે ઓનલાઇન નાણાં મેળવીને વસ્તુની ડિલીવરી નહી આપીને કે ખોટી-હલકી-બનાવટી વસ્તુઓ ડિલીવરી કરીને તમને આર્થિક નુકશાન પહોંચાડે છે.
લોન ફ્રોડ:
લોન શબ્દ સાંભળતાં જ બેંક યાદ આવે ને? પણ અહીંયા તો તમારી લોન (નાણા) ની જરૂરીયાત વિશે ચોક્કસ માહિતી મેળવીને તમારા ખિસ્સા અને બેંક બેલેન્સમાંથી લોન ફ્રોડ કરતા સાયબર ક્રીમીનલ્સ કાર્યરત હોય છે. તમારી બેંક અંગેની ઇન્કવાયરી અને ડેટાનો ગેરકાયદે હાથવગે કરીને, તમારા મોબાઇલ ફોન પર બેંક અધિકારીની બનાવટી ઓળખ આપીને લોન ઉપરાંત લોભામણી લાલચ આપી તમને ફસાવવાનું આબાદ છટકુ ગોઠવવામાં આવે છે.
આ પ્રકારના ફ્રોડમાં સામેવાળી વ્યક્તિ ભોગ બનનારને જુદી-જુદી બેંકમાંથી લોન આપવાના બહાને રજીસ્ટ્રેશન, પ્રોસેસ ફી, ટેક્સ, GST વગેરે માટે ચાર્જ પેટે નાણાં મેળવી લોન નહી આપીને ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય છે.
લોટરી/ઇનામ ફ્રોડ:
“લોટરી તો નસીબમાં હોય તેને જ ફળે” આ કહેવતનો સૌથી વધુ ગેરફાયદો ઉઠાવવા સાયબર ક્રિમીનલ્સ હંમેશાં શિકારની શોધમાં ભટકતા હોય છે લોકોને ફોન, ઇમેલ કે SMS દ્વારા સંપર્ક કરીને તમને માતબર લોટરી-ઇનામ લાગ્યુ છે તેવી ખોટી લાલચ આપીને છેતરપીંડી આચરવાનુ કામ કરે છે. તમારૂ નામ કોઈ યોજના હેઠળ ઇનામ માટે સિલેક્ટ થયું છે તેવું જણાવીને ઇનામ આપવાના બહાને જુદા-જુદા ચાર્જ પેટે નાણાં પડાવીને લોટરી કે ઇનામ જેવી વસ્તુઓ નહી આપીને ગુનો આચરવામાં આવે છે.
તારીખ ૨૬/૧૦/૨૦૨૩ ને ગુરૂવારના રોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ ખાતે સાયબર ક્રાઇમ સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સાઇબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ તરફથી આવેલ અંકિતભાઈ જેસર તથા નીપાબેન, ઉત્રાણ પોલીસ સ્ટેશન એ ધોરણ ૧૦ થી ૧૨ ના વિદ્યાર્થીઓને આધુનિક સમયમાં થતા ક્રાઈમ ગુનાઓની માહિતી આપી તેમજ આ પ્રકારના ગુનાઓમાંથી બચવા માટે કયા કયા સાવચેતીના પગલાં લેવા જોઈએ તે અંગેની માહિતી આપી. આ સેમિનારમાં ધોરણ ૧૦ થી ૧૨ ના બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. તેમજ સાયબર ક્રાઇમિંગ ક્રાઈમ અંગે બાળકોને મૂંઝવતા પ્રશ્નોની રજૂઆત કરી અને નિરાકરણ મેળવ્યું.