રંગોળી સ્પર્ધા અને દિવાળી કાર્ડ બનાવવાની સ્પર્ધા

       ગુજરાતમાં સાથિયા તો મહારાષ્ટ્રની રંગાવલી, બંગાળમાં પાડવામાં આવતી અલ્પના અને રાજસ્થાનના માંડણા, છત્તીસગઢની ચોકપુરાના તથા આંધ્ર પ્રદેશની મુગ્ગુલુ રંગોળી ભારતના વિવિધ પ્રાંતની લોકકલાનું પ્રતિનિધિત્વ કરે છે. જોકે આજના મૉડર્ન યુગમાં ડેકોરેટિવ અને ટ્રેન્ડી રંગોળીમાં ઘણા બધા ઑપ્શન આવી ગયા છે, પરંતુ હાથથી પાડવામાં આવતી પરંપરાગત રંગોળીની વાત જ નોખી છે.

       દિવાળી અને રંગોળી એકબીજાના પર્યાય છે. ભાતભાતની ડિઝાઇનવાળી રંગોળી વગર દિવાળીની તમામ ઉજવણીઓ ફિક્કી લાગે. જોકે રંગોળી પાડવી આપણે ધારીએ છીએ એટલી સરળ નથી હોં! આ રચનાત્મક કળા છે. તમને યાદ હોય તો નાનપણમાં રંગોળી પાડવા આપણે કાણાવાળો કાગળ વાપરતા હતા. કાગળને પાથરી ચારે બાજુ વજન મૂકતા જેથી કાગળ ખસી ન જાય. પછી ચીરોળીથી ટપકાં મૂકીને ધીમેકથી કાગળ ઉપાડી બિંદુઓને જોડીને ગોળ અથવા ચોરસ રંગોળી પાડ્યા બાદ ઉંબરા પર લક્ષ્મીજીનાં પગલાં ને સાથિયા પાડતાં. આ ઉપરાંત મોરલા ને પોપટ તેમ જ ફૂલો અને વૃક્ષ-પાનની ડિઝાઇનવાળી રંગોળી પણ લોકપ્રિય હતી. તુલસીવિવાહના દિવસે આંગણામાં રંગોળીનો તુલસીનો ક્યારો આપણે સૌએ બનાવ્યો જ હશે.

       રંગોળી એ ભારતીય પ્રાચીન સંસ્કૃતિ, પરંપરા અને લોકકલાનું પ્રતિબિંબ છે. માત્ર દિવાળીમાં જ નહીં, દરેક શુભ પ્રસંગમાં આંગણામાં રંગોળી પાડવાનો રિવાજ છે. એની ડિઝાઇનમાં દરેક રાજ્યનો પોતાનો આગવો અંદાજ છે. મહારાષ્ટ્રની રંગાવલી બંગાળીઓની અલ્પના કરતાં જુદી પડે તો ગુજરાતીઓના સાથિયા અને છત્તીસગઢની ચોકપુરાણાની પૅટર્ન જુદી હોય છે. જોકે હવે સમય બદલાયો છે. રંગોળી બનાવવા માટેનાં સાધનો માર્કેટમાં આવી ગયાં છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી નવા-નવા આઇડિયાઝને લોકો અનુસરવા લાગ્યા છે. તેમ છતાં, આજે પણ અનેક રૂઢિચુસ્ત પરિવારોમાં પરંપરાગત શૈલીથી રંગોળી પાડવાની પ્રથા અકબંધ છે. આપણી અડોશપડોશમાં રહેતા વિવિધ પ્રાંતના લોકોના ઘરની બહાર પાડેલી રંગોળીમાં જોવા મળતી વૈવિધ્યતાની પાછળ કેટલાંક રહસ્યો છુપાયેલાં છે. આજે દિવાળીના પર્વ નિમિત્તે રંગોળી સાથે જોડાયેલી માન્યતાઓ, વૈજ્ઞાનિક કારણો અને જુદાં-જુદાં રાજ્યોમાં એની વિશિષ્ટ ડિઝાઇન વિશે વાત કરીશું, પણ એ પહેલાં રંગોળીના ઇતિહાસ પર એક નજર ફેરવી લઈએ.

ઇતિહાસ

       રંગોળીનો ઇતિહાસ અંદાજે ૫૦૦૦ વર્ષ જૂનો છે. પુરાતત્ત્વવિદો અને ઇતિહાસકારોના જણાવ્યાનુસાર રંગોળીનું આગમન મોહેંજો દરો અને હડપ્પા સંસ્કૃતિ સાથે થયો છે. તત્કાલીન સંસ્કૃતિના અવશેષોમાં અલ્પના (રંગોળી)નાં ભીંતચિત્રો પ્રાપ્ત થયાં છે. પ્રાચીન વાસ્ત્યાયનના કામસૂત્રમાં વર્ણવવામાં આવેલી ૬૪ કળામાં અલ્પનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ શબ્દની ઉત્પ‌િત્ત સંસ્કૃત શબ્દ ઓલંપેન (લીંપણ કરવું) પરથી થઈ છે. બંગાળી ભાષામાં રંગોળીને અલ્પના કહે છે. આમ રંગોળીનો ઇતિહાસ બંગાળની લોકકળા સાથે સંકળાયેલો હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે.

       પ્રાચીન સમયમાં રંગોળી પાડવા કોરો અથવા ભીનો ચોખાનો લોટ, રેતી, હળદર, સિંદૂર, ફૂલ-પાન વગેરેનો ઉપયોગ થતો હતો. એ વખતે રંગોળી માત્ર જમીન પર નહીં, ભીંત પર પણ પાડવામાં આવતી હતી. આજે પણ ગ્રામીણ વિસ્તારમાં દિવાલો પર રંગોળીની પૅટર્ન જોવા મળે છે.

શુભ સંકેત

      દિવાળીના તહેવાર સાથે એક લોકવાયકા પ્રચલિત છે. કહે છે કે રાવણનો વધ કર્યા બાદ શ્રીરામજી પોતાની પત્ની સીતાને લઈને અયોધ્યા પાછાં ફર્યાં ત્યારે તેમના સ્વાગત માટે અયોધ્યાવાસીઓએ પોતાના ઘરના પ્રવેશદ્વાર પાસે જાત-જાતની સામગ્રીથી રંગોળી પાડી દીવા પ્રગટાવ્યા હતા. ત્યારથી દિવાળીનો તહેવાર સમસ્ત ભારતખંડમાં ઊજવાય છે. હિન્દુ ધર્મ અનુસાર રંગોળી શુભ સંકેત છે. એનાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. રંગોળીની સાથે જ ઘરની અંદર સૌભાગ્યનું આગમન થાય છે એવી માન્યતા છે.

       ગુજરાતી પ્રજા રંગોળીને સમૃદ્ધિનું પ્રતીક માને છે. મરાઠી મહિલાઓનું માનવું છે કે રંગોળી પાડવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન રહે છે. તામિળનાડુમાં રંગોળીને મહાબલીના આશીર્વાદ સાથે જોડવામાં આવી છે. રંગોળીમાં વચ્ચે કમળનું ફૂલ દોરવાથી ઘરમાં ભગવાન વિષ્ણુનો વાસ રહે છે એવી આસ્થા પણ જોવા મળે છે. રંગોળી દૂર કરતી વખતે ઝાડુનો ઉપયોગ કરવાથી દેવી-દેવતા નાખુશ થાય છે એથી એને જળથી જ દૂર કરવી જોઈએ એવો ઉલ્લેખ પણ છે.

       આજ રોજ તા:6/11/2023 ના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે રંગોળી સ્પર્ધા તેમજ દિવાળી કાર્ડ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ ખીલવવા માટેનો રહ્યો હતો, દિપાવલી એટલે આપણા જીવનમાં રંગોનું મહત્વ સમજાવતું પર્વ કે જેમાં બાળકોએ રસ પૂર્વક ભાગ લઈ અને વિવિધ પ્રકારની રંગોળીઓ બનાવી હતી, કે જેમાંથી બાળકોને ખૂબ પ્રોત્સાહન મળ્યું હતું, અને આવનારા સમયમાં પણ બાળકોને જુદી જુદી ડિઝાઈનની રંગોળી બનાવવા માટેનો ઉત્સાહ જળવાઈ રહે એ હેતુથી શાળાની અંદર રંગપૂર્ણિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 8, 9 અને 11 ના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો, જેમાં વિદ્યાર્થીઓની રંગપૂર્ણિ સ્પર્ધાને આનંદપૂર્વક નિહાળી હતી અને બાળકોએ વિવિધ ડિઝાઇનો કરી અને રંગપૂર્ણિ કરી હતી, જેના દ્વારા બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિઓ વિકસાવવાનો મોકો મળી શકે છે, અને સાથે સાથે આવનાર સમયમાં બાળકો પોતાના ઘર માટે પણ રંગોળી સ્પર્ધાનું માર્ગદર્શન અને અનુભવ  દ્વારા બાળકોનો માનસિક વિકાસ પણ કરી શકાય તે હેતુથી શાળાની અંદર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, દિવાળી કાર્ડ બનાવીને બાળકો વેસ્ટ માંથી બેસ્ટ કઈ રીતના બનાવી શકાય તે માટેની પ્રવૃત્તિઓ પણ બાળકોમાં વિકસતી જોવા મળી હતી, અને બાળકોએ ઘણી બધી એવી વેસ્ટ વસ્તુઓમાંથી બેસ્ટ દિવાળી કાર્ડ બનાવ્યા હતા કે જેનાથી બાળકોને ઘણું બધું શીખવા મળ્યું હતું

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *