દિવાળી પર્વ

હિંદુ પંચાગ અનુસાર શ્રાવણ મહિનાની સાથે જ તહેવારોની ફૂલગુલાબી સીઝન શરૂ થઈ જાય છે. આ તહેવારોની હારમાળામાં દિવાળી સૌથી શ્રેષ્ઠ તહેવાર કહેવાય છે. કારતક મહિનાની અમાસના દિવસે ઉજવાતા પ્રકાશ પર્વ, દિવાળીનું અનેરુ મહત્ત્વ હોય છે. ગુજરાતવાસીઓ માટે તો દિવાળીનો અનેરો જ ઉત્સાહ હોય છે, કારણકે દેવ ઉઠી એકાદશીએ શરૂ થતું આ પર્વ સામાન્ય રીતે લાભ પાંચમે પૂર્ણ થાય છે. મોટાભાગે ધનતેરસથી શરૂ કરીને ભાઈબીજ એટલે કે પાંચ દિવસ સુધીનો દિવાળીનો તહેવાર મનાવાય છે.દિવાળી એટલે આશા, ઉલ્લાસ અને નવચેતનાનું પર્વ.પાંચ દિવસ ચારે બાજુ ભક્તિ અને હર્ષોલ્લાસનો માહોલ હોય છે અને તેની તૈયારીઓ ઘણા દિવસો પહેલાથી જ શરૂ થઈ જાય છે. તો આવો આપણે જાણીએ આ પંચદિવસીય તહેવારના દરેક દિનનું મહત્ત્વ.

ધનતેરસઃ

       પહેલા દિવસને ધનતેરસ કહે છે.

ધનતેરસના દિવસથી જ દિવાળીનો તહેવાર શરૂ થાય છે. કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીએ ધનતેરસ આવે છે. તેને ધન ત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.ધનતેરસના દિવસે મૃત્યુના દેવતા યમરાજ,ધનના દેવતા કુબેર અને આયુર્વેદાચાર્ય ધન્વંતરિની પૂજાનુ મહત્વ છે. આ દિવસે સમુદ્ર મંથનમાં ભગવાન ધન્વંતરિ અમૃત કળશની સાથે પ્રગટ થયા હતા અને તેમની સાથે આભૂષણ અને બહુમૂલ્ય રત્નો પણ સમુદ્ર મંથન દ્વારા પ્રાપ્ત થયા હતા.ત્યારથી આ દિવસનું નામ ધનતેરસપડ્યું, અને આ દિવસે વાસણ, ધાતુ અને ઘરેણા ખરીદવાની પરંપરા શરૂ થઈ.

કાળી ચૌદશ:

          દિવાળી પહેલા નરક ચતુર્દશી ઉજવવામાં આવે છે. તેને રૂપ ચૌદસ અથવા કાળી ચૌદસ પણ કહેવામાં આવે છે. એવી પૌરાણિક માન્યતા છે કે કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો હતો અને 16,100 કન્યાઓને તેની જેલમાંથી મુક્ત કરી હતી. આ ઉપરાંત આ દિવસ વિશે એવી પણ માન્યતા છે કે નરક ચતુર્દશીના દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરવાથી વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે.

  

દિવાળી:

        દિવાળી અથવા દીપાવલી પાંચ દિવસીય આ પર્વના ત્રીજા દિવસે ઉજવવામાં આવે છે. આ પાંચ દિવસો વચ્ચે દિવાળી એ સૌથી મહત્ત્વપૂર્ણ તહેવાર છે. પૌરાણિક ગ્રંથોના ઉલ્લેખ અનુસાર દિવાળી અધર્મ અને અસત્યના અંધકાર ઉપર ધર્મ અને સત્યના પ્રકાશનો વિજય છે. અધર્મ અને અહંકારના પ્રતીક સમા રાવણ ઉપર વિજય મેળવીને રામનું અયોધ્યામાં પુનરાગમન થતાં પ્રજાએ તેમનું સ્વાગત દીવડા પ્રગટાવીને કર્યું.આ દિવસે ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પરત ફર્યા હતા તેથી, ભગવાન રામના સ્વાગત માટે અયોધ્યાના લોકોએ સમગ્ર અયોધ્યાને દીવાઓથી જગમગાવી હતી અને ફૂલો ની રંગોળી બનાવી હતી.અને ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ સાથે સીતામાતા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.ત્યારબાદથી દિવાળી પર દીવા પ્રગટાવવાની પરંપરા શરૂ થઈ છે.

      દિવાળીના દિવસોમાં બાળકો બહુ ખુશખુશાલ હોય છે. તેઓ ફટાકડા ફોડીને અને નવાં કપડાં પહેરીને આનંદ માણે છે. લોકો દીવાઓ અને વીજળીનાં તોરણોથી ઘર શણગારે છે. બહેનો આંગણામાં રંગોળી અને સાથિયા પૂરે છે.

 

ગોવર્ધન પૂજા અને અન્નકૂટ:

        આ ચોથો દિવસ કાર્તિક શુક્લ પડવાને ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. તેને પડવો કે પ્રતિપદા પણ કહેવાય છે.દિવાળીના બીજા દિવસે અન્નકૂટ અથવા ગોવર્ધન પૂજા થાય છે. આ દિવસે પાળેલા બળદ, ગાય, બકરી વગેરેને સ્નાન, શણગાર કરીને પૂજા કરવામાં આવે છે. તેમજ ગાયના છાણમાંથી ગોવર્ધન બનાવવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે અને ઘણી વાનગીઓ ચઢાવવામાં આવે છે. આ દિવસ માટે માન્યતા છે કે ત્રેતાયુગમાં જ્યારે ઇન્દ્રદેવે ગોકુલ વાસીઓ થી ગુસ્સે થઈ મુશળધાર વરસાદ શરૂ કરી હતી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉપાડીને ગામના લોકોને ગોવર્ધનની નીચે સુરક્ષિત કર્યા હતા.ત્યારથી આ દિવસે ગોવર્ધનપૂજનની પરંપરા ચાલી રહી છે.

 

ભાઈબીજ અથવા યમ દ્વિતિયાઃ

          ગુજરાતી પરંપરા પ્રમાણે ભાઈબીજ, હિન્દી સંસ્કૃતિમાં ભાઈ દૂજ અને યમ દ્વિતિયા પાંચ દિવસીય તહેવારના પાંચમા એટલે કે છેલ્લા દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેનના સંબંધને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે યમરાજ પણ તેમની બહેન યમુનાને મળવા તેમના ઘરે ગયા હતા.ભાઈ બીજનો તહેવાર ભાઈ બેનના સંબંધને ગાઢ બનાવવા અને ભાઈની લાંબી ઉમ્ર માટે ઉજવાય છે.રક્ષાબંધનના દિવસે ભાઈ તેમની બેનને ઘરે બોલાવે છે. પણ આ દિવસે બેન ભાઇને પોતાના ઘરે ભોજન કરાવીને ચાંદલો કરે છે અને તેમની લાંબી ઉમ્રની કામના કરે છે અને બદલામાં ભાઈઓ તેમની બહેનની સંભાળ રાખવા અને પ્રેમ કરવાની તેમની જવાબદારીઓનું પાલન કરે છે.

દિવાળીના દિવસમાં, ઘરઘર દીવા થાય,

ફટાકડા તો ફટફટ ફૂટે, બાળક સૌ હરખાય.’

       દિવાળીમાં જેમ ઘરની સફાઈ થાય છે તેમ આપણે આપણા મનની સફાઈ પણ કરવી જોઈએ. કોઈની સાથે મનદુ:ખ થયું હોય તો આપણે તે ભૂલી જઈએ. ‘માફ કરો અને ભૂલી જાઓની ભાવના વિકસાવવાનો અને અંતરના અંધકારને દૂર કરવાનો આ તહેવાર છે.

 

દિવાળી સૌને બહુ આનંદ આપે છે. તેથી તે ‘તહેવારોનો રાજાછે.

આપ સૌને દિવાળી પર્વ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *