શિયાળાની સવાર: હેમંતનું પરોઢ

ઉત્સાહ ઉમંગથી ભર્યો શિયાળો, જોતજોતામાં ફરી આવ્યો શિયાળો,

ઠંડી લહેરીઓને લાવ્યો શિયાળો, અડદિયાને ચીકી લાવ્યો શિયાળો,

એવા તે માન દઈ જામ્યો શિયાળો, આ ધરાને સ્વર્ગ બનાવતો શિયાળો.

હેતુ: બાળકો ઋતુનું મહત્વ સમજે.

દરેક ઋતુની સવારનું મહત્વ અલગ જ હોય છે. પરંતુ શિયાળાની સવારની વાત જ અનોખી છે. આપણા દેશમાં મુખ્ય ત્રણ ઋતુનો આપણે અનુભવ કરીએ છીએ. જેમા સૌથી વધુ શિયાળાની ઋતુ લોકોને ખૂબ પસંદ હોય છે. શિયાળામાં વહેલી સવારે બગીચામાં જાવ તો ફૂલ છોડ ઉપર પાણીના ઝીણા ટીપાં બાઝેલા જોવા મળે. એકદમ શુધ્ધ પાણીના ટીપાં સૂર્યપ્રકાશમાં સપ્તરંગી પ્રકાશ વેરે તે દૃશ્ય મનોરમ્ય હોય છે.

શિયાળો એટ્લે આહલાદકતાનો વ્યાપ, માણસોને ખિલવાની ઋતુ, પંખીના ચિચિયારાની ઋતુ, આળસ ખંખેરવાની ઋતુ... શિયાળામા લાગે જાણે કે સવાર પણ આળસ મરડીને બેઠી થાય છે. ગુલાબી ઠંડીના અહેસાસથી રોમ રોમમા આહલાદકતા વ્યાપી જાય છે. શિયાળાની સવારનું ફૂલ ગુલાબી વાતાવરણ એટલે તો બાર મહિના ચાલે એટલો સ્ફૂર્તિ નો ખજાનો ભરી લેવા માટે ની સુવર્ણ તક.

બાળકો શિયાળા ઋતુનું મહત્વ સમજે એ હેતુ સાથે ગજેરા વિદ્યાભવનના પૂર્વ-પ્રાથમિક વિભાગમાં શિયાળાની સવાર ની ઉજવણી કરવામાં આવી જેમાં બાળકો સ્વેટર, મફલર, સ્કાફ, હાથ ના મોજા, ચશ્માં, ટોપી જેવા શિયાળુ પોશાકમાં સજ્જ થઈને આવ્યાં હતા. શિક્ષકો દ્વારા શિયાળુ પોશાક, શિયાળુ પાક, શિયાળુ પ્રસાધનો તેમજ ઔષધો, તાજા ફળોના રસ, ઉકાળા, વસાણા, શિયાળુ શાકભાજી, ફળોનું પ્રદર્શન કરી દરેક વસ્તુથી બાળકોને માહિતગાર કરવામાં આવ્યાં હતા. ઉપાચાર્યશ્રી ધ્વારા બાળકોને શિયાળુ શાકભાજી, ફળો તેમજ શિયાળા દરમિયાન ઘરમાં બનતા વસાણા ખાવા જોઈએ, હળદરવાળું દૂધ, ઘરમાં બનતા ઉકાળા પીવા જોઈએ, મેદાનમાં રમાતી રમતો રમવી જોઈએ, શિયાળામાં યોગા અને કસરત કરવાથી થતા ફાયદાનું મહત્વ સરળ શબ્દોમાં સમજાવવામાં આવ્યું હતું. બાળકો ધ્વારા શિયાળાનું અભિનય ગીત કરીને કાર્યક્રમ પુર્ણાહુતી કરવામાં આવી હતી. ત્યારબાદ વસાણા ડબ્બા પાર્ટી કરી જેમાં બાલપુષ્પોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ અવનવાં વસાણાનો આનંદ માણ્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *