ભારતમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ ૨૯ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે મેજર ધ્યાનચંદના જન્મ દિનને સ્પોર્ટસ ડે તરીકે ઉજવાય છે
આ દિવસ ૧૯૨૮, ૧૯૩૨ અને ૧૯૩૬ના વર્ષોમાં ભારત માટે ઓલમ્પિક્સમાં સુવર્ણપદક જીતનાર હોકી ખેલાડી મેજર ધ્યાનચંદનો જન્મદિવસ છે. તેમણે ૧૯૨૬ થી ૧૯૪૯ સુધીની તેમની રમત કારકિર્દી દરમિયાન (તેમની આત્મકથા અનુસાર) ૫૭૦ ગોલ કર્યા હતાઆંતરરાષ્ટ્રીય હોકી ક્ષેત્ર પર સિક્કો જમાવનાર ધ્યાનચંદના સન્માનમાં ભારત સરકાર દ્વારા દરવર્ષે રમતગમતના ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ પ્રદાન કરનાર ખેલાડીને ધ્યાનચંદ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે.
કોણ હતા ધ્યાનચંદ
ભારતમાં હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદનો જન્મ ર૯ ઓગષ્ટ ૧૯૦પમાં અલ્હાબાદમાં થયો હતા અને તેઓએ હોકીમાં વિશ્વકક્ષાએ ભારતનુ નામ રોશન કર્યુ હતુ તેથી તેમના જન્મ દિવસને નેશનલ સ્પોર્ટસ ડે જાહેર કરવામાં આવેલ છે. ધ્યાનચંદ ૧૬ વર્ષની ઉમરે લશ્કરમાં જોડાયા હતાં. ત્યારબાદ તેઓએ હોકી રમવાની શરૃઆત કરી હતી અને હોકીની રમતમાં તેઓએ શાનદાર પ્રદર્શન કરી ભારતને વિશ્વકક્ષાએ ગૌરવ અપાવ્યુ હતું.
ફૂટબોલના મહાન ખેલાડી પેલે અને ક્રિકેટના મહાન ખેલાડી બ્રેડમેન સાથે તેઓની ગણના થતી હતી. હોકીમાં ભારતની ટીમે જર્મની સામે વિજય મેળવ્યો હતો અને આ મેચમાં ધ્યાનચંદે સુંદર દેખાવ કર્યો હતો. આ મેચ જર્મનીના વડા હિડલરે જોઈ હતી અને તેઓએ ધ્યાનચંદને જર્મનીમાંથી રમવા ઓફર કરી હતી પરંતુ તેઓના ના પાડી હતી. ધ્યાનચંદે ત્રણ ઓલિમ્પિકમાં ભારતની ટીમનુ પ્રતિનિધિત્વ કરી ભારતને વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ધ્યાનચંદને હોકીના જાદુગર કહેવામાં આવતા હતા અને તેની રમત નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડતા હતાં.
ભારત સરકારે 1956 માં ધ્યાનચંદને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતા. તેથી તેનો જન્મદિવસ એટલે કે 29 ઓગસ્ટ ભારતમાં રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય રમતગમત દિવસ એ વિવિધ દેશોની રાષ્ટ્રીય રમત અને રમતગમતની પરંપરાઓને સન્માનિત કરવાના હેતુથી મનાવવામાં આવે છે. આ દિવસે વિવિધ વયજૂથના લોકો કબડ્ડી, મેરેથોન, બાસ્કેટબોલ, હોકી વગેરે રમતોમાં ભાગ લે છે.
જીવનમાં રમત ગમતનું મહત્વ
બાળક કે મોટેરા દરેકના જીવનમાં ફિટ અને સ્વસ્થ રહેવા માટે સ્પોર્ટ્સ અતિ મહત્વનું છે. રમત-ગમતને જીવનનો અભિન્ન ભાગ બનાવીને દરેક વ્યક્તિએ તેની રોજનિશીમાં સ્પોર્ટ્સ માટે સમય કાઢવો જ પડશે. સતત કામ અને ભાગ દોડની આજની જીંદગીમાં આપણને ડોક્ટર ચેતવણી આપે ત્યારે આપણે હળવી કસરત કે ચાલવું કે સાયકલીંગ કરવા લાગીએ છીએ. આજનો યુવાન ફિલ્મ સ્ટારો જેવી બોડી બનાવવા માટે જીમમાં વધુ જવા લાગ્યો છે. દરેક વ્યક્તિ આખા દિવસમાં ઓછામાં ઓછી એક કલાક કસરત કે મનગમતી આઉટડોર કે ઇનડોર ગેઇમ્સ રમવી જરૂરી છે. આજનો ખેલ દિવસ શારીરીક પ્રવૃત્તિઓ, રમતગમત સાથે એકંદર આરોગ્ય વિશે જાગૃત્તિ લાવે છે.
શિસ્ત, દૃઢતા, રમતની ખેલદીલી, ટીમવર્ક, સ્વસ્થ અને ફિટ રહેવા માટે પણ સ્પોર્ટ્સ દરેક માનવી માટે અગત્યની છે. રમતગમત બાળકોમાં ઘણા ગુણોનું સિંચન કરે છે, આજના યુગમાં તો સ્પોર્ટ્સનું મહત્વ વધારે છે એટલે જ અભ્યાસક્રમમાં પણ શારિરીક શિક્ષણનો વિષય ભણાવવામાં આવે છે. શાળામાં ભણતા છાત્રો પણ સ્પોર્ટ્સના તાસમાં વિવિધ રમતો રમીને શરીર ફીટ રાખી રહ્યા છે. આપણા દેશમાં ફીટ ઇન્ડિયા મુવમેન્ટ પણ ચાલી રહી છે. જેના પગલે લોકો તંદુરસ્તી પરત્વે જાગૃત થયા છે. શરીરની તંદુરસ્તી માટે વોકીંગ, સાયકલીંગ જેવી ઘણી કસરતો કરીને આજનો માનવી તંદુરસ્ત જીવન જીવી રહ્યો છે. પહેલાના જમાનામાં ઘણા ગ્રાઉન્ડો રમત-ગમત માટે હતા.
શાળામાં પણ વિશાળ ગ્રાઉન્ડ હતા પણ આજના યુગમાં તો હવે બાળકોને રમવા માટે મેદાનોની અછત થઇ ગઇ છે. સાથે શાળા પણ મેદાન વગરની જોવા મળે છે. આજના દિવસની સાચી ઉજવણી દરેક મા-બાપે આજે સંતાનો સાથે આપણી દેશી રમતો રમીને ઉજવણી કરવાની જરૂર છે, આમ કરવાથી બાળકો આ રમત વિશે જાણશે અને અન્યો સાથે રમવા પ્રેરાશે.
આજના ઇન્ફરમેશન ટેકનોલોજીના યુગમાં વિવિધ ઇલેક્ટ્રોનિક ગેઝેટ આવતા બાળકો મોબાઇલમાં જ ગેઇમ્સ રમવા લાગ્યા હોવાથી આપણી શ્રેષ્ઠ દેશી રમતો તેમજ મેદાન ન હોવાને કારણે શાળાકીય રમતો સાવ લુપ્ત થઇ ગઇ છે. રમતને સીધો સંબંધ મનોરંજન સાથે હોવાથી તે રમવાથી સ્ટ્રેસ મુક્ત થવાય છે. થપ્પો, નારગોલ, રૂમાલદાવ, ચોપાટ, ઇસ્ટો, ખુચામણી જેવી ઘણી રમતોની મઝા આજની પેઢીને ખબર જ નથી. રમત રમતું બાળક, ધૂળમાં રમતું બાળક ખડતલ બનતું હતું. આજે મા-બાપો જ બાળકોને રમવા બહાર જવા દેતા ન હોવાથી તે ઘરમાં જ મોબાઇલમાં વિવિધ ગેઇમ્સમાં આનંદ સાથે બેઠાડું જીવન જીવતો થઇ ગયો છે. રમતગમતથી લિડરશીપ અને એકાગ્રતાના ગુણો ખીલે છે. જેની પૂર્તિ કરવા આપણી શાળામાં SPORTS DAY 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું.
શાળા કક્ષાએ આયોજિત રમતોત્સવ
“નેશનલ સ્પોર્ટ્સ ડે” અંતર્ગત આજરોજ તા. 29/08/2023 નાં રોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ ખાતે શાળા પરિવારનાં ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા સાહેબ તથા શાળાનાં આચાર્યશ્રી વિપુલભાઈ ટાઢાણી સાહેબનાં માર્ગદર્શન હેઠળ ધોરણ વર્ગવાર DS ના શિક્ષક મિત્રોના સંચાલન હેઠળ વિવિધ રમતો રાખવામાં આવી હતી. શાળાના ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થી ભાઈઓ, બહેનોમાં રમતો પ્રત્યે રસ અને રૂચિ વધે તે માટે વોલીબોલ, ખો-ખો, બાસ્કેટબોલ, ગોળા ફેંક, બરછી ફેંક, કબડ્ડી, દોડ, જેવી વિવિધ રમત ગમતની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમજ વોલીબોલ અને બાસ્કેટ બોલ માટે અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓમાં સ્પર્ધા રાખવામાં આવી હતી જે માટે બે દિવસ અગાઉથી વિદ્યાર્થીઓમાં સ્પર્ધા પ્રેક્ટીસ રાખી ફાઈનલ રાઉન્ડ માટે વિદ્યાર્થી ટીમની પસંદગી કરાવવામાં આવી હતી. જે પૈકી બે ટીમ વચ્ચે સાહસિક ટક્કર સાથે બંને રમતો રમાડવામાં આવી હતી. દર્શક વિદ્યાર્થીઓએ ખેલાડી વિદ્યાર્થીઓને ઉત્સાહ વધાર્યો હતો. અંતે વોલીબોલ રમતમાં ગુજરાતી માધ્યમની ધોરણ ૮ અને ધોરણ ૯ ની ટીમનો વિજય થયો હતો અને બાસ્કેટ બોલમાં ગર્લ્સ પ્રથમ ક્રમાંકે રહ્યા હતા અને બોયઝ તૃતીય ક્રમાંકે રહ્યા હતા.