વાલી-શિક્ષક મીટીંગ એ શાળાજીવનનો મહત્વપૂર્ણ ભાગ છે, જે શિક્ષણક્ષેત્રમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વાલીઓ અને શિક્ષકોને એક મંચ પર લાવે છે. આજના સમયમાં બાળકોની શૈક્ષણિક અને સામાજિક વૃદ્ધિ માટે માત્ર શાળા અથવા માત્ર પરિવાર પૂરતો નથી; પરંતુ બંને વચ્ચે સહયોગ અને સંવાદ અત્યંત જરૂરી છે. આ માટે વાલી-શિક્ષક મીટીંગ એક મજબૂત પુલ તરીકે કાર્ય કરે છે.
વાલી-શિક્ષક મીટીંગનો મુખ્ય હેતુ વિદ્યાર્થીની શૈક્ષણિક સ્થિતિ, વર્તન, અભિરુચિ, અને વિકાસ અંગે બંને પક્ષોની સમજણ વચ્ચે સમન્વય સાધવાનો હોય છે. શિક્ષકોએ વિદ્યાર્થીઓ વિશે વાસ્તવિક માહિતી વાલીઓને આપવી અને વાલીઓએ પોતાના દૃષ્ટિકોણ અને સૂચનો રજૂ કરવાનાં હોય છે.
વાલી મીટીંગ શિક્ષકો માટે એક એવું માધ્યમ છે જ્યાં તેઓ વાલીશ્રીને વિદ્યાર્થીની શૈક્ષણિક પ્રગતિ અંગે માહિતી આપવી, વર્ગમાં વિદ્યાર્થીઓના વર્તન અને શિસ્ત અંગે વાત કરવી, વિશેષ ધ્યાનની જરૂર હોય તેવા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન માંગવું અને વાલીઓને ઘરનાં વાતાવરણમાં શૈક્ષણિક સહયોગ આપવા માટે પ્રેરિત કરવાનું હોય છે તો વાલીશ્રી માટે આ મીટીંગ પોતાના બાળકની શક્તિઓ અને ખામીઓની જાણકારી પ્રાપ્ત કરવા, શિક્ષણ પદ્ધતિ અને અભ્યાસક્રમની માહિતી મેળવવા,પોતાના સૂચનો અને પ્રશ્નો સીધા શિક્ષકો સુધી પહોંચાડવા અને બાળકોના શાળાજીવનમાં વધુ જોડાઈ શાળા સાથે તાદાત્મ્ય સાધવાનું માધ્યમ છે.
વાલી મીટીંગ જેટલી વાલીશ્રી અને શિક્ષકો માટે મહત્વ છે તેટલી જ વિદ્યાર્થી માટે પણ મહત્વની છે. જ્યારે વાલીઓ અને શિક્ષકો એકસાથે બાળકના ભવિષ્ય અંગે વિચારે છે, ત્યારે બાળકને એક મજબૂત આધાર મળે છે. આવા સંવાદથી બાળકો વધારે જવાબદાર બને છે અને તેમનો આત્મવિશ્વાસ વધે છે.
આ ઉપરાંત આજના ડિજિટલ યુગમાં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકોમાં સીમિત નથી. બાળકો મોબાઈલ, ઈન્ટરનેટ, અને સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. આવી સ્થિતિમાં વાલી-શિક્ષક મીટીંગ એ એક પ્લેટફોર્મ આપે છે જ્યાં બાળકોના આર્થિક, સામાજિક, ટેક્નોલોજીકલ અને ભાવનાત્મક વિકાસ અંગે પણ ચર્ચા થાય છે.
આથી ઉપરોક્ત તમામ ચર્ચાને કેન્દ્રમાં રાખી તા. ૧૨/૦૭/૨૦૨૫ને શનિવારના રોજ અમારી શાળા શ્રીમતી એસ.એચ.ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણ ખાતે વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાલીશ્રીઓ પોતાના બાળકો સાથે બહોળી સંખ્યામાં હાજર રહી વિદ્યાર્થીના અભ્યાસ અને ભવિષ્ય અંગે મહત્વપર્ણ ચર્ચા કરી હતી. તો વિદ્યાર્થીની ઉજ્જવળ કારકિર્દીને દયાનમાં રાખી આગામી સમયમાં શું નવું અને વિદ્યાર્થી કેન્દ્રી કર્યો કરી શકાય તેને લગતાં પોતાના વિચારોની આપ-લે કરવામાં આવી હતી.
આમ, અંતે એટલું કહી શકાય કે વાલી-શિક્ષક મીટીંગ માત્ર એક પરંપરાગત પ્રક્રિયા નથી, તે એક એવો સંવાદ છે જે બાળકના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ મીટીંગ દ્વારા શિક્ષણ માત્ર શાળા સુધી સીમિત ન રહી, પરંતુ ઘરની ચાર દિવાલો સુધી વિસ્તરે છે. તેથી, દરેક શાળાએ નિયમિત અને ફળદ્રુપ વાલી-શિક્ષક મીટીંગનું આયોજન કરવું જોઈએ અને વાલીઓએ પણ તેનો સહયોગપૂર્વક ભાગ લેવો જોઈએ.