કારગિલ વિજય દિવસ ભારત દેશના ઇતિહાસમાં એક ગૌરવમય દિવસ તરીકે દર વર્ષે 26, જુલાઈના રોજ ઊજવવામાં આવે છે. આ દિવસ ભારતની સેનાએ 1999માં પાકિસ્તાન સામે કારગિલ યુદ્ધમાં વિજય મેળવ્યો હતો એના સ્મરણરૂપ છે. આ દિવસ માત્ર વિજયનો તહેવાર નથી, પણ એ દેશના સૈનિકોના બલિદાન, શૌર્ય અને દેશભક્તિના અનમોલ દર્શનનો દિવસ છે.
1999ના મે, મહિનામાં પાકિસ્તાની સેના અને પાકિસ્તાન આધારિત ઘુસણખોરોએ ભારતીય સરહદમાં ઘુસણખોરી કરી હતી. તેઓએ લદ્દાખના કારગિલ વિસ્તારમાંના ઊંચા પર્વતો પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો. પાકિસ્તાને ભારતીય સેના અને સરહદના નિયમોનો ભંગ કરી કારગીલ, દ્રાસ, બટાલિક જેવા ક્ષેત્રો પર કબજો જમાવ્યો. આ વિસ્તારોને દુશ્મનોના હાથમાંથી છોડાવવા ભારતીય સેના દ્વારા ઓપરેશન વિજયના નામે એક મોટું લશ્કરી અભિયાન શરૂ કરાયું, જેમાં અનેક યોદ્ધાઓએ પ્રાણની આહુતિ આપી. 60 દિવસ સુધી ચાલેલા આ યુદ્ધના અંતે ભારતને વિજય મળ્યો.
આ યુદ્ધમાં અનેક યોદ્ધાઓએ અસાધારણ શૌર્ય બતાવ્યું. તેમનાં નામ ભારતીય ઇતિહાસમાં અમર થઈ ગયા છે. ખાસ કરીને કેપ્ટન વિક્રમ બત્રા – “યે દિલ માગે મોર!” જેટલી જ હિંમતભરી ભાવનાથી લડ્યા તેથી જ તેમને ભારત સરકાર દ્વારા મરણોત્તર પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો ગ્રેનેડિયર યોગેન્દ્ર સિંહ યાદવએ તેમની બહાદૂરી અને નિર્ભયતાને કારણે તેમના બલિદાનને પરમવીર ચક્ર મળ્યું. તેમ જ સુબેદાર સંજય કુમારએ દુશ્મન સામે એકલા લડીને દેશને વિજય મેળવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઉપરાંત અનેક અનામી સૈનિકોએ દેશ માટે પોતાના જીવની બાજી લગાવી. એટલે જ ભારત સરકારે અને સેના વડાઓએ અધિકારપૂર્વક જાહેરાત કરી કે ભારતે જે દિવસે કારગિલ યુદ્ધ જીત્યું છે. ત્યારથી દર વર્ષે 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવશે.
આથી જ 26, જુલાઈ 2025ના રોજ શ્રીમતી એસ.એચ. ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં શાળાના આચાર્યાશ્રી દીપ્તિબેન સોલંકી અને શાળાના શિક્ષકશ્રીઓ તેમ જ વિદ્યાર્થીઓએ કારગિલ યુદ્ધના શહીદોને પુષ્પાંજલી અર્પણ કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં આચાર્યાશ્રી દ્વારા વિદ્યાર્થીઓને કારગીલ યુદ્ધ અને તેમાં મળેલ વિજય વિશે સરસ વાતો કરી કારગિલ વિજય દિવસ વિશે માહિતી આપી હતી. તો આજના દિવસનું મહત્વ સમજે તે આશય સાથે વિદ્યાર્થીઓને કારગિલ વિજય દિવસની માહિતી આપતા વક્તવ્ય અને ડૉક્યમેન્ટ્રી બતાવવામાં આવી આવી હતી. તો શાળાના વિદ્યાર્થીઓએ Power Point Presentation દ્વારા કારગિલ યુદ્ધના હીરોની બહાદુરી અને કારગિલ યુદ્ધ વિશે માહિતી અને જાણકારી આપી હતી. આજના આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી દેશભક્તિ અને વીર શહીદોના શૌર્ય અને બલિદાન યાદ કરી જીવનમાં તેમની જેમ એક આદર્શ વ્યક્તિ બનશે તેવી પ્રેરણા પ્રાપ્ત કરી હતી અને અંતે સૌએ કારગીલ વિજય દિવસની ખુશી વ્યક્ત કરી હતી.