દિવડા ડેકોરેશન અને તોરણ મેકિંગ સ્પર્ધા ૨૦૨૩

       શિક્ષણ એટલે બાળકોનો સર્વાંગી વિકાસ. વિધાર્થીઓ ભણતા ગણતા સાથે સાથે વિવિધ પ્રકારની કેળવણીની પ્રવૃતિઓમાં ભાગ લઈ પોતાની વ્યક્તિગત કળાને રજુ કરવા પ્રોત્સાહિત થાય તે માટે ગજેરા વિદ્યાભવન સતત પ્રયત્નશીલ રહે છે. આવી જ પ્રવુતિઓ બાળકોને પોતાના જીવનમાં સર્જનાત્મકતા અને કલાત્મકતા કેળવવામાં મદદરૂપ થાય છે. આપણા દેશમાં ઉજવાતા વિવિધતાસભર તહેવારો આપણા જીવનમાં આનંદ, ઉત્સાહ અને ઉમંગ સાથે કરુણા અને સામાજિક જવાબદારી અદા કરવાની પ્રેરણા આપે છે.

       આવા અનોખા તહેવારોમાં આપણો સૌથી પ્રિય તહેવાર એટલે નવરાત્રિ અને દિવાળી. બન્ને તહેવારોમાં દીવાનું મહત્વ અનોખું છે. નવરાત્રિ દરમિયાન માતાજીની દીવા પ્રગટાવીને પૂજા કરવામાં આવે છે. દિવાળી નિમિત્તે લોકો પોતાના ઘરે વિવિધ કલાત્મક સ્થાપત્ય ધરાવતા દીવડાઓ પ્રગટાવીને આનંદ પૂર્વક દિવાળી પર્વની ઉજવણી કરે છે.

       આ વર્ષે પણ દિવાળીના પર્વો આવી રહ્યા છે ત્યારે આજરોજ તારીખ ૩/૧૧/૨૦૨૩ ને શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવન શાળામાં દિવડા ડેકોરેશન અને તોરણ બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી હતી. આ સ્પર્ધામાં ધોરણ ૮ અને ૯ ના વિધાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. કુલ ૩૦ જેટલા બાળકોએ આનંદ પૂર્વક ભાગ લઈને પોતાના અનોખા અંદાજમાં વિવિધ પ્રકારના દીવડાઓ સજાવ્યા હતા.

       સમગ્ર સ્પર્ધા દરમિયાન બાળકોનો ઉત્સાહ અને ઉમંગ જોવાલાયક રહ્યો હતો. એકબીજા કરતા ચડિયાતા દીવડાઓ સજાવીને બાળકોએ સ્પર્ધાને જીવંત બનાવી દીધી હતી. આ સ્પર્ધા દરમિયાન રાજુભાઈ પરમાર, મેહુલભાઈ પટેલ અને દીપકભાઈ બારોટે મોડરેટરની ભૂમિકા નિભાવી હતી. સ્પર્ધાના અંતે શાળાના વાઇસ પ્રિન્સિપાલ અંકિતાબેન અને શિક્ષક મિત્તલબેન ગાબાણી નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બન્ને ધોરણમાં ભાગ લેનારા વિધાર્થીઓ માંથી ૩-૩ વિધાર્થીઓને નંબર આપવામાં આવ્યા હતા. અંતમાં દરેક બાળકોએ પોતાની કૃતિઓ સાથે ફોટોગ્રાફી કરાવી અને સ્પર્ધા પૂર્ણ કરવામાં આવી હતી. આવી સ્પર્ધાઓ બાળકોનો આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *