“મેરી મિટ્ટી, મેરા દેશ”
તારીખ ૧૪/૦૮/૨૦૨૩, સોમવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે દેશ ભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આ કાર્યક્રમમાં શાળાનાં ઉપચાર્યશ્રી અંકિતાબેન નાયક અને શ્રી વિજયભાઈ ચૌહાણ એ નિર્ણાયકશ્રી તરીકે ઉપસ્થિત રહીને સરસ મૂલ્યાંકન કર્યું.
આપણા દેશને આઝાદી મળી તેનો અમૃત મહોત્સવ સમગ્ર દેશમાં ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણા દેશની જૂદી જૂદી બોલીઓ અને ભાષાઓમાં લખાયેલાં ગીતો, ગાથાઓ તથા ભજનોએ અને દેશના વિવિધ પ્રદેશોમાંથી લવાયેલાં અનોખાં સંગીત વાદ્યોના સંગીતે પ્રત્યેક ભારતીયને એકબીજાની સંનિકટ લાવી દીધા હતા.
આઝાદીની લડાઇમાં વિવિધ ભાષાઓમાં લખાયેલા દેશભક્તિનાં ગીતોએ આપણાં ક્રાંતિકારીઓનાં અને દેશવાસીઓનાં મનોબળને વધારવામાં અને દેશ પ્રત્યે રાષ્ટ્ર પ્રેમની ભાવનાને જાગૃત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ એક એવી પરંપરા છે જે જ્યારે પણ આપણને રાષ્ટ્રીય કારણોથી એકજૂથ થવાનું આહ્વાન આપવામાં આવે છે ત્યારે તે આપણી તાકાત બને છે.
આવતી કાલે આપણો દેશ સ્વતંત્રતાના ૭૬માં વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યો છે. આવો, આ અવસરે આપણે આપણી સામૂહિક ઓળખના રૂપમાં ગર્વની ભાવનાને વ્યક્ત કર્યા. અમૃતકાળના આ સમયગાળામાં, ચાલો આપણે નવા દેશભક્તિના ગીતો લખીએ જેનાથી નવા ભારતની ભાવના ગુંજી ઉઠશે. અમૃત મહોત્સવમાં પણ સર્વ પ્રકારની કલા, સંસ્કૃતિ, ગીત અને સંગીતના રંગો ઉમેરાવા જોઈએ.
આ ઉપક્રમે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે તેના ભાગરૂપે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યા.જેમાં સમૂહ ગીત કૃતિ અને વ્યક્તિગત ગીત કૃતિ મુજબ ક્રમાંકો આપવામાં આવ્યા. એકંદરે આજનો કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે પૂર્ણ થયો. આ કાર્યક્રમની ફલશ્રુતિ રૂપે વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના વધશે અને દેશ પ્રત્યે વધુ હકારાત્મક અને સંવેદનશીલ બનશે. જેથી કરીને આપણે સૌ મળીને “મેરી મિટ્ટી, મેરા દેશ” ની થીમને ખરા અર્થમાં ઉજાગર કરી શકીશું.