આજનો૨૨ જાન્યુઆરી,૨૦૨૪ને સોમવારનો દિવસ ભારત દેશના તમામ નાગરીકો માટે દેવ દિવાળી સમાન છે. ૫૦૦ વર્ષના લાંબા સઘર્ષ પછી દેશમાં ફરી ઈતિહાસ લખાય રહ્યો છે અને મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રી રામ ફરી અયોધ્યા પધારી રહ્યા છે ત્યારે અયોધ્યામાં ભવ્ય શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આરએસએસના વડા મોહન ભાગવતજી આજે મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં પૂજા કરી ભગવાન શ્રીરામની મૂર્તિની સ્થાપના કરી. ભગવાન શ્રી રામના ભજનો અને સેનાના હેલિકોપ્ટર દ્વારા મંદિર પરિસરમાં ફૂલ વર્ષા કરી ભગવાન રઘુનંદનના વધામણા કર્યા હતા.
આ મહોત્સવ દરેક દેશવાસી માટે ગૌરવશાળી ક્ષણ છે. આથી જ આ મહોત્સવમાં દેશના સર્વોચ્ચ રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ, અભિનેતાઓ અને રમત-ગમત ક્ષેત્રના અગ્રણીઓ આ મહોત્સવના સાક્ષી બન્યા હતા. તો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખાસ મંગલ ધ્વની સંગીતના કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યોમાંથી સંગીતવાદ્યો લાવી વગાડવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતમાંથી સંતાર વાદ્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં દેશના તમામ મુખ્ય આધ્યાત્મિક અને ધાર્મિક સંપ્રદાયોના પ્રતિનિધિઓ પણ હાજરી આપી રહ્યા છે . આ પ્રસંગે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દેશના નાગરિકોને સંબોધ્યા હતા.
આથી જ આ ઐતિહાસિક ઘડીને વિદ્યાર્થીઓ જોઈ શકે અને આપણી આધ્યાતિક સંસ્કૃતિ અને આપણા ઉજળા ઈતિહાસને વિદ્યાર્થીઓ જાણે અને તેના વિશે વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરે તેમજ દેશમાં થવા જઈ રહેલ એક ભવ્ય મહોત્સવમાં પોતાની સહભાગિતા સ્થાપિત કરી શકે તે માટે શ્રીમતી એસ.એચ.ગજેરા ગુજરાતી પ્રાથમિક શાળા, ઉત્રાણ સુરત ખાતે ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ભગવાન રામને કેન્દ્રમાં રાખીને ચિત્રસ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, પ્રશ્નોત્તરી સ્પર્ધા, નાટક વગેરે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો વિદ્યાર્થીઓએ ભગવાન શ્રી રામની શોભા યાત્રા કાઢી ભગવાન રામના વિચારોનો પ્રસાર-પ્રચાર કર્યો હતો.
આમ, શ્રી રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ભાગરૂપે વિવિધ કાર્યક્રમોના માધ્યમથી ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરિવાર દ્વારા ભગવાન શ્રી રામનો મહિમા કર્યો હતો અને વિદ્યાર્થીઓને આપણી ભવ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતના દર્શન કરાવ્યા હતા. અંતે એટલું ચોક્કસ કહેશું કે આજે ભગવાન રામ ફરી જયારે અયોધ્યામાં બિરાજમાન થયા છે ત્યારે અમારા સૌ વિદ્યાર્થીઓ, વાલીશ્રી અને દેશવાસીને આ મંગલમય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.