ભારતમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ ૨૯ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ૧૯૨૮, ૧૯૩૨ અને ૧૯૩૬ના વર્ષોમાં ભારત માટે ઓલમ્પિક્સમાં સુવર્ણપદક જીતનાર હોકી ખેલાડી મેજર ધ્યાનચંદનો જન્મદિવસ છે. તેમણે ૧૯૨૬ થી ૧૯૪૯ સુધીની તેમની રમત કારકિર્દી દરમિયાન ૫૭૦ ગોલ કર્યા હતા. મેજર ધ્યાનચંદે રમતગમતમાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા આપણા દેશનું નામ ખૂબ રોશન કર્યું છે, તેથી જ તેમનો જન્મદિવસ રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તમામ શાળાઓ, કોલેજો, અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને રમતગમત અકાદમીઓમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવે છે અને વિધાર્થીઓને આપણા જીવનમાં રમતગમતના મહત્વથી પરીચીત કરવામાં આવે છે.
આ સાથે આ દિવસની ઉજવણી પાછળનો એક ઉદ્દેશ્ય એ પણ છે કે આપણે આપણા દેશના યુવાનોને રમત-ગમતને તેમની કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરી શકીએ અને તેમનામાં એવી ભાવના પેદા કરી શકીએ કે તેઓ પોતાની રમતના શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા પોતાની તો પ્રગતિ કરી શકે છે, સાથે સાથે તેઓ તેમના સારા રમતગમતના પ્રદર્શનથી દેશનું નામ રોશન કરશે અને રાષ્ટ્રીય ગૌરવ પણ વધારશે.
વિવિધ શાળાઓ રાષ્ટ્રીય રમત દિવસ એટલે કે 29મી ઑગસ્ટના રોજ તેમનો વાર્ષિક રમત દિવસ ઉજવે છે. શાળાઓ દ્વારા તે જ દિવસે આવા કાર્યક્રમો યોજવાનો હેતુ એ છે કે તેઓ આવનારી યુવા પેઢીને રમતગમતનું મહત્વ સમજજાવી શકે અને તેઓને આ ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રેરિત કરી શકે જેથી આપણા દેશને સારા ખેલાડી મળે.
આ દિવસે શાળાઓ ભારત માટે રમનારા સારા ખેલાડીઓના સંપૂર્ણ સંઘર્ષ અને સફળતાની ગાથા વિશે જણાવે છે અને તેમના જેવી સફળતા હાંસલ કરવાનો માર્ગ પણ બતાવે છે. ઘણી શાળાઓ આ દિવસે ઇનામ વિતરણ કાર્યક્રમનું પણ આયોજન કરે છે. દેશના પંજાબ અને ચંદીગઢ જેવા વિસ્તારોમાં આ પ્રકારની ઘટનાઓ સામાન્ય છે.
રાષ્ટ્રીય રમતગમત દિવસની રાષ્ટ્રીય સ્તરે પણ મોટા પાયે ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે રાષ્ટ્રપતિ ભવનમાં તેનું આયોજન કરવામાં આવે છે અને દેશના રાષ્ટ્રપતિ પોતે દેશના તે ખેલાડીઓને રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર આપે છે, જેમણે પોતાની રમતના શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા સમગ્ર વિશ્વમાં દેશનું ગૌરવ વધાર્યું છે.
રાષ્ટ્રીય રમત પુરસ્કાર હેઠળ, તે ખેલાડીઓને અર્જુન પુરસ્કાર, રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર અને દ્રોણાચાર્ય પુરસ્કાર જેવા અનેક પુરસ્કારો આપીને સન્માનિત કરવામાં આવે છે. આ તમામ સન્માનો સાથે, “દેશનું સર્વોચ્ચ રમત સન્માન – ધ્યાનચંદ પુરસ્કાર” પણ આ દિવસે આપવામાં આવે છે, જે વર્ષ 2002 માં પ્રથમ વખત આપવામાં આવ્યો હતો.
આ રીતે, આપણા દેશ ભારતમાં રાષ્ટ્રીય રમત દિવસ ખૂબ જ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે.