દરેક શાળામાં શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજનો કરવામાં આવે છે. જેનાથી વિદ્યાર્થીઓમાં રહેલ વિવિધ સુષુપ્ત શક્તિઓ બહાર આવે છે. વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને ખીલવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ, રમતો, સ્પર્ધાઓ, સહઅભ્યાસ પ્રવૃતિઓ, વિવિધ પરીક્ષાઓ વગેરેનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોતાના રસ, રુચિ, શક્તિ પ્રમાણે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ પણ લે છે અને યોગ્ય પ્રથમ, દ્વિતીય, તૃતીય, આશ્વાસન નંબર પ્રાપ્ત કરે છે. વર્ષના અંતે આવા વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન કરવા માટે વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમનો આયોજન કરવામાં આવે છે.
ગજેરા વિદ્યાભવનમાં દર વર્ષે આવી રીતે વિદ્યાર્થીઓને ઉત્સાહ વધારવા માટે વાર્ષિક ઈનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે. આવા કાર્યક્રમથી વિજેતા વિદ્યાર્થીઓને તો આનંદ થાય છે જ સાથે સાથે જીવનમાં કંઈક કરી બતાવવાની પ્રેરણા પણ મેળવે છે અને આવા વિદ્યાર્થીઓનું જાહેરમાં સન્માન થતું જોઈ અન્ય વિદ્યાર્થીઓમાં પણ કંઈક સિદ્ધી હાંસલ કરવાનો ઉત્સાહ જન્મે છે અને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા મેળવે છે.
તારીખ ૦૬/૦૩/૨૦૨૪ ને બુધવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે વિવિધ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવા માટે શાળાના સભાખંડમાં આ વર્ષના વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ચેતનભાઇ હિરપરા, શ્રી ઉષાબેન પટેલ, શ્રી રમાબેન ખાત્રા, જેઓ SMC ની ઉત્રાણ વિસ્તારની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા. ગજેરા વિદ્યાભવનના એકેડેમિક ડાયરેક્ટર શ્રી જયેશભાઈ પટેલ સાહેબ, અંગ્રેજી માધ્યમના આચાર્યશ્રી રીતેશભાઈ અગ્રવાલ સાહેબ, CBSE વિભાગના આચાર્ય શ્રીમતી શશીકલાબેન યાદવ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનશ્રીઓના વરદ હસ્તે દીપપ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. તેમાં આચાર્યશ્રીઓ, ઉપાચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વાલીશ્રીઓ તેમજ વિદ્યાર્થીઓ જોડાયા હતા. શાળાના આચાર્યશ્રી વિપુલભાઈ ટાઢાણી સાહેબે મહેમાનશ્રીઓનો ટૂંકમાં પરિચય કરાવ્યો હતો. વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારતું વક્તવ્ય આપી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ મહેમાનશ્રીઓને સ્મૃતિભેટ આપી સન્માનિત કર્યા હતા.
શાળાના ઉપાચાર્ય શ્રીમતી અંકિતાબેન નાયક એ ઈનામ વિતરણ કાર્યક્રમ અંગેની સમગ્ર રૂપરેખા જણાવી શાળાની વિવિધ પ્રવૃત્તિઓ સ્પર્ધાઓ અંગેની માહિતી આપી, ગત વર્ષે પ્રથમ ક્રમાંક મેળવનાર તેમજ ધોરણ 10 અને 12 ના A1 ના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા બાબતની માહિતી આપી હતી. ત્યારબાદ શાળાના ઉપાચાર્ય શ્રી વિજયભાઈ ચૌહાણ સાહેબ અને શિક્ષક શ્રી અશ્વિનભાઈ ચાવડા દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન થયેલ વિવિધ સ્પર્ધાઓ, પરીક્ષાઓમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓના નામ જાહેર કરવામાં આવ્યા. આ દરેક વિજેતા વિદ્યાર્થીઓને મુખ્ય મહેમાન શ્રીઓ, શાળાના આચાર્યશ્રીઓ, ઉપાચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓના વરદ હસ્તે ઈનામો આપવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓએ વિજેતા વિદ્યાર્થીઓને તાળીઓના ગડગડાટથી સન્માનિત કર્યા હતા. વિદ્યાર્થીઓના ચહેરા પર એક અનેરો જ ઉત્સાહ દેખાતો હતો.
આ કાર્યક્રમમાં ધોરણ 8 અને ધોરણ 9 ની વિદ્યાર્થિનીઓ દ્વારા એક વીરરસભર્યું “શોર્યગીત” ગાયન કરી સાથે નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ ધોરણ 8ના વિદ્યાર્થીભાઈઓ દ્વારા “પાણી બચાવો” વિષય ઉપર એક મૂક નાટક [MIME] રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્ય મહેમાનશ્રીઓ ચેતનભાઇ હિરપરા સાહેબ રમાબેન ખત્રા દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું હતું. વક્તવ્યમાં તેમણે જીવનમાં વિવિધ પ્રવૃત્તિઓનું મહત્વ, રમત ગમતનું મહત્વ, વિવિધ સ્પર્ધાઓનું મહત્વ, શૈક્ષણિક કાર્ય સાથે કેવી રીતે વધારી શકાય ? તે સમજાવ્યું હતું. તેમજ ગજેરા વિદ્યાભવન દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા તેમજ તેમના સર્વાંગી વિકાસ માટે થતી વિવિધ પ્રવૃત્તિઓ અને સ્પર્ધા માટે શાળાને અભિનંદન પાઠવ્યા હતા તથા શાળા અને શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ ક્ષેત્રોમાં હાંસલ કરેલ સિદ્ધિઓને પણ બિરદાવી હતી.
ગજેરા વિદ્યાભવન વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા કાર્યશીલ રહે છે. આમ, ગજેરા વિદ્યાભવન વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.