“संस्कृतं नाम दैवी वाक् अन्वाख्याता महर्षिभिः। वेदादि सर्वशास्त्राणि तस्मादेव प्रवर्त्तिताः॥”
અર્થ: સંસ્કૃત એ દેવવાણી છે, જેને મહર્ષિઓએ જાહેર કરી છે. વેદો સહિત સર્વ શાસ્ત્રો સંસ્કૃત ભાષા પરથી ઉત્પન્ન થયેલ છે.
વિશ્વ સંસ્કૃત દિવસ દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. સંસ્કૃત એ ભારતની સૌથી જૂની ભાષા છે, લગભગ તમામ વેદો અને પુરાણો સંસ્કૃતમાં લખાયા છે.આ ભાષાનું વર્ણન આપણા તમામ ધાર્મિક ગ્રંથો અને મંત્રોમાં જોઈ શકાય છે, તેથી, તેના સંરક્ષણને ધ્યાનમાં રાખીને વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે.
સંસ્કૃત ભાષા અનેક ભાષાઓની જનની છે અને દેવોની ભાષા લેખાય છે. વૈદિક સાહિત્યની સંસ્કૃત ભાષા પ્રાચીન છે અને પાણિનીય વ્યાકરણને અનુસરતી અને પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યની ભાષા તેનું નવીન રૂપ છે. વિશ્વની પ્રાચીન ભાષા સંસ્કૃતમાં વિજ્ઞાન, ભાષા સાહિત્ય અને ટેકનોલોજીના ગૃઢ રહસ્યો છુપાયેલાં છે. સંસ્કૃત ભાષા સંપૂર્ણ ભાષા છે, હતી અને કાયમ રહેશે. વિદ્વાનોના વિશ્વએ સંસ્કૃતને ખૂબ જ પવિત્ર, કુદરતી અને વાસ્તવિક ભાષા સ્વીકારી છે. તમામ ધર્મના તત્વચિંતક બુધ્ધિજીવીઓ સંસ્કૃતના ઉપાસક રહેલાં છે. કેમ કે સંસ્કૃતએ પૂર્ણ ભાષા છે.જીવનના દરેક ક્ષેત્ર સાથે જોડાયેલો જ્ઞાનનો ભંડાર સંસ્કૃત ભાષા અને તેના સાહિત્યમાં છે.
સોમનાથની સંસ્કૃત યુનિવર્સિટીમાં ઇસ્લામિક દેશો સહિતનું વિશ્વ જ્ઞાન લેવા કતારમાં ઉભું છે ત્યારે આપણે પણ સંસ્કૃતનું ગરીમા સમજીને તેનું જતન કરવું જોઇએ. આપણા મોટાભાગના ધાર્મિક ગ્રંથો જેવા કે વેદ, પુરાણ, રામાયણ, ઉપનિષદ, મહાભારત, ભગવદ્ ગીતા, શાકુંતલમ, રઘુવંશ મહાકાવ્ય અને તમામ કલ્યાણકારી મંત્રો વગેરે સંસ્કૃતમાં લખાયા છે.આમ છતાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઘટી રહ્યો છે, તેથી સમાજમાં સંસ્કૃતનું મહત્વ વધે તે માટે વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ગુજરાત સરકારે સંસ્કૃત દિન નિમિત્તે 6થી 8 ઓગસ્ટ દરમિયાન રાજ્યવ્યાપી “ત્રિદિવસીય સંસ્કૃત મહોત્સવ” અને 6થી 13 ઓગસ્ટ સુધી “સંસ્કૃત સપ્તાહ” ઉજવવાનું જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા “યોજનાં પંચકમ્” અંતર્ગત પાંચ યોજનાઓ જાહેર કરવામાં આવી છે: સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના, સંસ્કૃત સંવર્ધન સહાય યોજના, સંસ્કૃત પ્રોત્સાહન યોજના, શ્રીમદ્ ભગવદ્ ગીતા અભ્યાસ યોજના અને શત સુભાષિત કઠિન પાઠ યોજના. ત્રણ દિવસના ઉત્સવમાં સંસ્કૃત ગૌરવ યાત્રા, સંસ્કૃત સંભાષણ દિવસ અને સંસ્કૃત સાહિત્ય દિવસ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં શ્લોક ગાન, વ્યાસ પૂજન, ગીતાઅભ્યાસ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભાષાના પ્રચાર-પ્રસાર માટે વિશિષ્ટ પ્રવૃત્તિઓ સામેલ છે.
આજે વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે શાળામાં ધોરણ 9 10 ના વિદ્યાર્થીઓ માટે શ્લોક ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ખૂબ જ સરસ રીતે શ્લોકગાન સ્પર્ધામાં ભાગ લીધો તેમજ નિરીક્ષક દ્વારા સ્પર્ધામા ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.