“શિક્ષક દિનની ઉજવણી
શિક્ષક એ સફળતાની ચાવી છે,
અને ઉજ્જવળ ભવિષ્યનું દ્વારે છે.”
શિક્ષકદિન 5 સપ્ટેમ્બર ના રોજ ઉજવવામાં આવે છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસના અવસર પર 5 સપ્ટેમ્બર ના રોજ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ ભારતીય સંસ્કૃતિના સંવાદક પ્રખ્યાત શિક્ષક અને મહાન માર્ગદર્શક હતા તેને 27 વાર નોબલ પુરસ્કાર માટે નિમિત કરવામાં આવ્યા હતા. 1954 માં તેમને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણએ પોતાના જન્મદિવસને શિક્ષકદિવસના રૂપમાં ઉજવવાની ઈચ્છા બતાવી હતી તેથી આ દિવસને ભારતમાં “શિક્ષકદિવસ” ના રૂપમાં મનાવાય છે આથી જ કહેવાય છે કે….. “એક જ જગ્યા પર વર્ષો સુધી ઉભા રહી હજારો વિદ્યાર્થીઓને યોગ્ય દિશા બતાવતા અને ભણતર સાથે સારા એક નાગરિક બનવાના બીજ વાવતા વ્યક્તિ એટલે એક શિક્ષક”
દરેક વ્યક્તિના જીવનમાં તેના શિક્ષકનું સૌથી મહત્વપૂર્ણ સ્થાન હોય છે. શિક્ષક જ્ઞાન, કૌશલ્યના સ્તર વિશ્વાસ અને આત્મવિશ્વાસને વધારે છે અને વિદ્યાર્થીઓના જીવનને યોગ્ય માર્ગ તરફ વાળે છે. તેમજ સમાજમાં અને જીવનમાં કેવી રીતે આગળ વધવું, વિદ્યાર્થીને સાચું – ખોટું અને સારું – ખરાબની ઓળખ કરાવવા માટે બાળકની અંદર રહેલી શક્તિઓને વિકસિત કરવા માટે બને તેટલા પ્રયત્નો કરતા હોય છે. વિદ્યા જેવું અમૂલ્ય ધન મેળવવા માટે વિદ્યાર્થીઓ હંમેશા એક સારા ગુરુ ની શોધ કરતા હોય છે. એક સારા શિક્ષક જ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે. વિદ્યાર્થી પોતાના ગુરુને જીવનમાં દરેક ક્ષણ પર યાદ કરે છે અને તેમની વિશેષતાઓને પોતાના વ્યક્તિત્વમાં લાવવાનો પ્રયત્ન કરે છે તેથી આ દિવસે શાળા-કોલેજોમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેમજ શિક્ષકો પ્રત્યે પ્રેમ અને સન્માન પ્રગટ કરવામાં આવે છે.
જીવનમાં શિક્ષક જીવન જીવવાની સારી સારી વાતો પણ શીખવે છે અને માર્ગદર્શન આપીને રસ્તો ચીંધવાનો માર્ગ બતાવે છે. જોવા જઈએ તો માતા-પિતા બાળકને જન્મ આપે છે. પરંતુ શિક્ષક તેના ચરિત્રને આકાર આપી તેનામાં સંસ્કારનુ સિચન કરી ઉજવળ ભવિષ્યનો પાયો તૈયાર કરે છે એ કુંભાર જેમ માટીના વાસણોની ટીપી ટીપીને યોગ્ય ઘાટ આપીને પાકો કરે છે. એમ શિક્ષક વિદ્યાર્થીને યોગ્ય દિશા તરફ લઈ જવા તૈયાર કરે છે અને પ્રેરણાનો સ્ત્રોત બને છે જે બાળકોને આગળ ને આગળ વધવા માટે પ્રેરિત કરે છે.
આમ, ગજેરા વિદ્યાભવનના ધોરણ 3 થી 7ના વિદ્યાર્થીઓએ શિક્ષક દિવસમાં ભાગ લઈ વિવિધ વિષયોના શિક્ષકો બની નાના મોટા તમામ બાળકોને અવનવી વાતોથી અભિભૂત કર્યા તેમજ વિદ્યાર્થીઓએ પોતાના અભિપ્રાય રજૂ કર્યા અને જે તે બાળકે જે તે શિક્ષક બન્યા હતા તે બાળકે આ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને શિક્ષકોને એમના શબ્દો વડે સન્માનિત કર્યા અમારી શાળામાં આજરોજ શિક્ષક દિનની ઉજવણી આનંદ અને ઉલ્લાસ સાથે કરવામાં આવી.