ભારત દેશમાં શિક્ષક દિન દર વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના મહાન શિક્ષણશાસ્ત્રી, તત્ત્વજ્ઞાની અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની યાદમાં મનાવવામાં આવે છે. તેમણે પોતાના જીવન દ્વારા શિક્ષકની મહત્તા, શિક્ષણનું મૂલ્ય અને સમાજની પ્રગતિમાં શિક્ષકની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
તાઃ 5/09/2025 ને શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યોથીઓ એક દિવસ માટે શિક્ષક બન્યા હતા અને વિદ્યાર્થીઓ એ પોતાના વકૃત્વ કૌશલ્ય નો પરચો બતાવ્યો હતો. જે વિદ્યાર્થીઓએ શિક્ષકદિન માં ભાગ લીધો હતો તેમનામાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, અને સાથે સાથે શાળાનાં કોન્ફરન્સ હોલ માં વિદ્યાર્થીઓએ શિક્ષકદિન નાં પોતાના અનુભવ શેર કર્યા હતા શાળા નાં આચાર્યા શ્રી છાયાબેન ભાઠાવાલા એ પ્રારંગીક ઉદ્દબોધન પણ આપ્યુ હતુ.
શિક્ષક આપણા જીવનના સાચા માર્ગદર્શક છે. માતા–પિતા આપણને જન્મ આપે છે, પણ સાચા અર્થમાં સારા માણસ તરીકે ઘડવાનું કાર્ય શિક્ષક કરે છે. તેઓ માત્ર પાઠ્યપુસ્તકનું જ જ્ઞાન આપતા નથી, પણ જીવન જીવવાની રીત, સંસ્કાર, નૈતિક મૂલ્યો અને સમાજ પ્રત્યેની જવાબદારી પણ શીખવે છે.
શિક્ષક દિન ઉજવવાનો હેતુ એ છે કે વિદ્યાર્થી પોતાના શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે, તેમના પરિશ્રમ અને માર્ગદર્શનને માન આપે. આ દિવસે વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકો માટે વિવિધ કાર્યક્રમો, ભાષણો, કવિતાઓ, ગીતો અને નાટકો દ્વારા સન્માન વ્યક્ત કરે છે. કેટલીક શાળાઓમાં તો વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બનીને શિક્ષકોની ભૂમિકા ભજવે છે, જેથી શિક્ષક બનવાનું કઠિન કાર્ય તેમને અનુભવાય.
ડૉ. રાધાકૃષ્ણન માનતા હતા કે “શિક્ષક એ માત્ર જ્ઞાન આપનાર નહીં, પરંતુ ચિંતન જગાડનાર અને વિદ્યાર્થીમાં નવો દૃષ્ટિકોણ આપનાર હોવો જોઈએ.” તેમણે પોતાનું જીવન શિક્ષણ માટે સમર્પિત કર્યું. જ્યારે તેઓ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે લોકોએ તેમના જન્મદિવસની ઉજવણી કરવાની ઇચ્છા વ્યક્ત કરી, ત્યારે તેમણે વિનંતી કરી કે આ દિવસ તેમના જન્મદિવસ તરીકે નહીં, પણ શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે.
આજના આધુનિક યુગમાં શિક્ષકની ભૂમિકા વધુ મહત્વની બની ગઈ છે. માત્ર પુસ્તકનો અભ્યાસ પૂરતો નથી, પરંતુ ટેક્નોલોજી, કૌશલ્ય વિકાસ, આચાર-વિચાર અને જીવન કૌશલ્યો શીખવવા શિક્ષકનું યોગદાન ખૂબ જ અગત્યનું છે. તેઓ વિદ્યાર્થીને સારા નાગરિક, જાગૃત વ્યક્તિ અને માનવતાપરક વિચારો ધરાવતા વ્યક્તિ બનાવે છે.
શિક્ષક દિન આપણને યાદ અપાવે છે કે સમાજના સાચા શિલ્પકાર શિક્ષક છે. શિક્ષક વગરનું જીવન અધુરું છે. તેથી આપણે દરેકે આપણા જીવનમાં આવેલા શિક્ષકોને આદર, સન્માન અને કૃતજ્ઞતા અર્પણ કરવી જોઈએ. અંતમાં એવું કહી શકાય કે “શિક્ષક જ છે, જે જ્ઞાનની રોશનીથી અંધકાર દૂર કરીને જીવનને સાચો માર્ગ બતાવે છે.