ભારતનું સ્વતંત્રતા આંદોલન, વીર શહીદોના બલિદાન અને અખંડ રાષ્ટ્રપ્રેમની ભાવના – આ બધું જ આપણને દેશ માટે ગૌરવ અને સમર્પણની લાગણી અપાવે છે. આવી જ ભાવના વિદ્યાર્થીઓમાં જગાડવા માટે દર વર્ષે શાળાઓમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. ઉત્સાહ, ઉમંગ અને દેશપ્રેમની ભાવનાઓથી છલકાતી ગજેરા વિદ્યાભવન, ઉત્રાણમાં આજે ઉજવણીનું કરવામાં આવી. સ્વતંત્રતા દિવસ 2025 ની ઉજવણીના ભાગરૂપે, આજ રોજ તા. 11 ઑગસ્ટ 2025, સોમવારના દિવસે, શાળામાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દેશભક્તિ ગીત સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ ભાવપૂર્વક દેશભક્તિ ગીતો રજૂ કર્યા. આ પ્રસંગે શાળાના આચાર્યા શ્રી છાયાબેન ભાથાવાલા ઉપસ્થિત રહ્યા તથા નિર્ણાયકશ્રી તરીકે શાળાના સંગીતના સાહેબ શ્રી શત્રુજ્ઞ સર હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, વિદ્યાર્થીઓ દેશના હિત માટે કાર્ય કરે અને દેશને સ્વચ્છ, શિક્ષિત, વિકસિત તથા ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા પ્રેરિત થાય તે હેતુથી, ઉપસ્થિત દરેક વ્યક્તિએ શપથ ગ્રહણ કર્યું. વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ અને ઉત્સુકતા સાથે સ્પર્ધામાં ભાગ લીધો.અંતમાં, સૌએ મળીને રાષ્ટ્રગાન ગાઈ, કાર્યક્રમને દેશભક્તિની ભાવનાથી પૂર્ણ કરવામાં આવ્યો.
દેશભક્તિ ગીત સ્પર્ધાનો આરંભ મુખ્યાધ્યાપકશ્રીના ઉદ્બોધનથી થયો, જેમાં તેમણે ત્રિરંગાના મહત્ત્વ, રાષ્ટ્રીય ચિહ્નોનું ગૌરવ અને ભારતના ઈતિહાસના ગૌરવપૂર્ણ પાનાં વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા.
દેશભક્તિ ગીત સ્પર્ધા માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ ન રહી, પરંતુ વિદ્યાર્થીઓના મનમાં રાષ્ટ્રપ્રેમના દીપને વધુ પ્રજ્વલિત કરી ગઇ.