“ આસો માટે ઉત્સવ ની ટોળી
લેજો હૈયાને હરખે હિંચોળી ,
દીવા લઈને આવી દિવાળી
પૂરજો ચોકે રૂડી રંગોળી”
‘ દિવાળી ‘ એટલે હૃદયમાં રહેલા પ્રેમ , લાગણી , સંતોષ, આનંદ અને ઉત્સાહના દીવાઓમાં ફરીથી તેલ પુરવાનો અવસર.
માનવ જીવનમાં આ બધા દીવાઓની અખંડ જ્યોતિ બની રહે .
માનવી જ્યારે માનવી ને ઉમંગથી મળે તે પળ જ દિવાળી આસો માસના અમાસના અંધકારને પ્રકાશમય બનાવે તે પર્વ એટલે દિવાળી .
પાંચ દિવસના આ પાવન પર્વ માનવ જીવનમાં હંમેશા સકારાત્મકતાના દીવા પ્રજ્વલિત કરે છે. પરિસ્થિતિઓ પરિવર્તનશીલ હોય છે પરંતુ એ સકારાત્મકતા જ પ્રત્યેક પરિસ્થિતિને વરદાયી બનાવી શકે છે. દિવાળી આપણા જીવનને મંગલમયી , નિરામય યુક્ત અને નિરાશાથી મુક્ત કરનાર પર્વ છે. માટે જ તો કહેવાય છે કે ;
“ હસી ખુશીને રંગ મજાના લાવી
દેખો દેખો દિવાળી આવી ,
ચારે તરફ છે બાળકોનો હર્ષોલ્લાસ
જાગી જીવનમાં જીવવાની નવી આશ ,
ફટાકડા નો જ્યાં થયો જોરથી આઘાષ
ત્યાં ઊગ્યો દીવાડાઓમાંથી સૂરજનો ઉજાશ ,
બધા રંગ એક પલમાં આવકારી લાવી
દેખો દેખો દેખો દિવાળી આવી.”
દિવાળીનાં આ પાવન પર્વને વધુ આનંદમય અને રસમય બનાવવાના હેતુથી શ્રીમતી એસ.એચ.ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણમાં દિવાળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી .. જ્યાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે ‘ કાર્ડ મેકિંગ’, ‘દીવા ડેકોરેશન’, ‘તોરણ મેકિંગ’ અને ‘રંગોળી’નું આયોજન કરાયું હતુ. જેમા વિદ્યાર્થીઓએ પોતાની પાસે રહેલ વિવિધ વસ્તુઓની મદદથી મનમોહક ડિઝાઇન સાથે આકર્ષક રીતે રંગ પૂરણી કરી પોતાની આંતરીક કળાની પ્રસ્તુતિ કરી હતી. દિવાળી પર્વ નિમિત્તે શાળામાં બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલ તમામ ક્લાકૃતિ દ્વારા પોતાની બુદ્ધિચાતુર્ય અને ક્લા કૌશલ્યને બહાર લાવી શક્યા હતા.
વિદ્યાર્થીઓએ પોતાની કલા દ્વારા દિવાળી પર્વ પ્રત્યેની લાગણી , ઉમંગ અને આનંદ વ્યક્ત કર્યો જેથી હૃદય સ્પર્શી માહોલ ઉપસ્થિત થઈ ગયો.
આ તકે ગજેરા શાળા પરિવાર સૌ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરી સૌને દિવાળી પર્વ નિમિત્તે તેમનું જીવન આનંદમય અને પ્રગતિમય બને તેવી શુભેચ્છા પાઠવતા આનંદની લાગણી અનુભવે છે.