વિશ્વ વસ્તી દિન

       આજે 11 જુલાઇના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે “વિશ્વ વસ્તી દિન” ની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં ઉપસ્થિત આચાર્યા શ્રી છાયાબેન ઉપાચાર્ય શ્રી કિશોરભાઈ અને શિક્ષક શ્રી પરેશભાઈ નાં માર્ગદર્શન હેઠળ એક ડીબેટ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ધોરણ 11 અને 12 કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આજે વિશ્વમાં વિસ્તી વિસ્ફોટ થયો છે ત્યારે જુદા જુદા દેશો સામે સમતુલિત વિકાસ માટે નાં પડકારો ઉપર ધ્યાન આપવું ખૂબ જરૂરી બની જાય છે.

         વિશ્વ વસ્તી દિન એ દર વર્ષે 11મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે, આ ઉજવણી વિશ્વમાં વસ્તીવધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતી આવે તે માટે કરવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રસંઘનાં ‘સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ’ની સંચાલન પરિષદ દ્વારા 1989માં કરવામાં આવેલ. 11 જુલાઈ 1987 નાં દિવસે વિશ્વની જનસંખ્યા લગભગ 5 અબજને પાર કરી ગયેલ, જે દિવસ ‘પાંચ અબજ દિન’ તરીકે ઓળખાવાયો, અને આ દિવસથી પ્રેરીત થઇ જનહીતમાં  વિશ્વ વસ્તી દિન ઉજવવામાં આવે છે.

           આમ જોવા જઈએ તો આનુવંશિકતાના કુદરતી નિયમ મુજબ પ્રત્યેક સજીવ પોતાના જેવા જ બીજા સજીવ ને જન્મ આપે છે અને તે પ્રાણી તેમજ વનસ્પતિ દરેકને લાગું પડે છે. માનવી પણ કુદરતના આ નિયમ અનુસાર પોતાના બાળકો ને જન્મ આપે છે અને મહદ્અંશે પોતાના બાળકોનું જીવન પોતા કરતાં પણ વધુ સારું થાય તેવા પ્રયત્નો કરે છે. આ પ્રક્રિયા એક વ્યક્તિ તરીકે તેમજ એક સમાજ તરીકે, એક દેશ તરીકે અને સમગ્ર રીતે જોતાં માનવજાત તરીકે પણ નિભાવે છે. આપણે જાણીએ છીએ કે પ્રત્યેક મનુષ્ય પોતાના સંતાનો માટે અને દરેક પેઢી આગામી પેઢીના ઉત્કર્ષ માટે કંઈક કરવાની ઈચ્છા ધરાવતી હોય છે. એટલે કે વસ્તી એ વ્યક્તિ, દેશ કે વિશ્વ માટે પોતાના સોનેરી ભવિષ્ય નિર્માણ માટે અનિવાર્ય જરૂરિયાત છે. જો વસ્તી એ દરેકની જરૂરિયાત છે તો પછી આઝાદીથી અત્યાર સુધી વસ્તી-વધારો એ ભારતની પ્રથમ અને પાયાની સમસ્યા કેવી રીતે બની શકે ? તે જ પ્રમાણે રશિયામાં વધુ બાળકોવાળા કુટુંબોને ઈનામો અને પ્રોત્સાહન મળતું હોય, જાપાનમાં સરેરાશ ઉંમર વધતાં યુવા વસ્તીની ઘટ પડતી હોય, યુરોપમાં મધ્ય-પૂર્વમાંથી ગૃહ યુદ્ધ અને આતંકવાદનો ભોગ બનેલ લાખો અને કરોડો શરણાર્થીઓ સમાવી લેવાતાં હોય, અમેરિકા જેવા વિકસિત દેશમાં વિશ્વભરમાંથી લોકોને ઉચ્ચ જીવનધોરણ આપી વસાવાતા હોય અને આ બધું યોજના બદ્ધ રીતે આયોજન કરી કરાતું હોય ત્યારે ભારત માટે વસ્તી એ સમસ્યા કેવી રીતે ગણાય ? અથવા સમગ્ર વિશ્વ માટે વસ્તી વૃદ્ધિ એ સમસ્યા કેમ છે ? તે જાણવું અને સમજવું આજના તબક્કે ખૂબ જ અનિવાર્ય છે.

         વસ્તી વૃદ્ધિની સમસ્યા સમજવા માટે વિશ્વભરમાં વસ્તીના વિતરણ અને કુદરતી સંપત્તિના વૈશ્વિક વિતરણને સમજવું જરૂરી છે. યૂરોપના દેશોમાં બે વિશ્વયુદ્ધો દરમિયાન મોટાપાયે યુવાવસ્તી મૃત્યુ પામી. જેના કારણે વસ્તીવૃદ્ધિનો દર ખૂબ ઘટી ગયો. વસ્તીમાં વૃદ્ધોનું પ્રમાણ વધતાં ઉત્પાદક-વસ્તી (18 થી 40 વર્ષ) ઉપર વૃદ્ધોને નીભાવવાની જવાબદારી વધી. તેમ છતાં આ દેશોમાં આર્થિક અને ઔદ્યોગિક વિકાસ વધું થયેલૂંં હોઈ અને વિશ્વના દેશોનું વિશ્વયુદ્ધો પહેલાના સમયમાં સામ્રાજ્યવાદી નિતિથી અથવા અનિતિથી શોષણ કરેલું હોઇ યૂરોપમાં જીવનધોરણ ઊંચું જળવાઈ રહેલ છે. એ જ પરિસ્થિતિ અમેરિકા, જાપાન અને અન્ય વિકસિત દેશોની છે. વિકસિત દેશોમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું હોય છે અને ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત લોકો ઓછી વસ્તીને જન્મ આપવાનું વલણ ધરાવે છે. કેટલાંક દેશોમાં તો લગ્ન અને કુટુંબ જેવી સામાજિક સંસ્થાઓનું અસ્તિત્વ પણ સંકટમાં છે. યુવક-યુવતીઓ પોતાની જવાબદારી ન વધારવાની વૃત્તિથી લગ્ન વિના ચલાવી લેવાનું વલણ ધરાવતા થયા છે. તેની સામે ખાસ કરીને એશિયા એટલે કે દુનિયાનો સૌથી જૂનો અને સૌથી ગીચ વસ્તી ધરાવતો ખંડ એ પ્રમાણમાં અલ્પ વિક્સિત અથવા વિકાસશીલ દેશોનો ખંડ છે. અહીં પરિસ્થિતિ તદ્દન વિરોધી છે. વસ્તીનો ઉચ્ચ વૃદ્ધિ દર, વસ્તીની અતિશય ગીચતા, નિરક્ષરતા, ટ્રાફીક ની સમસ્યા, ગરીબી, બેકારી, આવકની અસમાનતા, મોંધવારી, ઓરોગ્ય, માળખાગત સુવિધાની અછત, પ્રદૂષણ,બીમારી વગેરે વિકાસશીલ દેશોની સૌથી મોટી સમસ્યાઓ છે. હાલમાં સમગ્ર દુનિયાની વસ્તી 7.02 અબજ જેટલી છે. ભારતમાં કુલ વસ્તી 1.2 અબજ એટલે કે અમેરિકા, જાપાન, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ અને બાંગ્લાદેશ જેવા દેશોની કુલ વસ્તીની સમકક્ષ છે. 2011ની છેલ્લી વસ્તીગણતરી પ્રમાણે ગુજરાતની વસ્તી 6.03 કરોડ નોંધવામાં આવી હતી. યુનાઈટેડ નેશન્સના એક અહેવાલ મુજબ છેલ્લા પચાસ વર્ષોમાં વિશ્વની વસ્તી બમણી થઈ ગઈ છે. વસ્તી વિસ્ફોટ એ આજે એશિયાના દેશો માટે મુખ્ય સમસ્યા બની ગઈ છે. એક ગણતરી પ્રમાણે વિશ્વભરમાં દર એક સેકંડમાં લગભગ ચાર બાળકો જન્મે છે. આટલી ઝડપે વસ્તીમાં વધારો થતો રહેવાના કારણે વર્ષભરમાં આંકડો અધધ કહેવાય તેટલા નવા આંકડાને સ્પર્શતો રહે છે.

       સંખ્યાના ક્રમાંકમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે. તે સત્યથી આપણે સૌ અવગત છીએ. કુદકે-ભુસકે વધતી જનસંખ્યા પર ખરેખર નિયંત્રણની જરૂર છે. જેનાથી ભવિષ્યમા સર્જાનારી મૂશ્કેલીઓને આપણે દૂર રાખી શકીએ. જે રીતે પૂર કે સુનામી આવે તો એ તેની સાથે મોટા પ્રમાણમાં કચરો, ચીજવસ્તુઓ, વૃક્ષો વગેરે જેવી અનેક વસ્તુઓ સાથે લઈને આવે છે, તેવી જ રીતે વસ્તી વધારાનું પ્રચંડ પૂર તેની સાથે અનેક મુશ્કેલીઓ લઈને આવે છે, અનેક પ્રશ્નો લઈને આવે છે. વધતી જનસંખ્યાથી દેશનો આર્થિક વિકાસ રૂંધાઈ રહ્યો છે, ગરીબી વધી રહી છે, પર્યાવરણની સમતુલા ખોરવાઈ રહી છે. આપણે જ આપણા ભવિષ્યને ખોરવી રહ્યા છે. બેફામ વસ્તી વધવાના કારણે સમગ્ર વિશ્વ જાણે કે ભયાનક વિસ્ફોટ બોમ્બ પર ઊભું છે. વસ્તી વધારાને કારણે જીવનજરૂરિયાતની વસ્તુઓ, ભોજન અને રહેઠાણ જેવી સુવિધાઓના અભાવની સમસ્યાઓ સર્જાય છે, સરકાર દ્વારા આવી સમસ્યાઓના નિવારણ માટેની અનેક યોજનાઓ અમલમાં મૂકાય છે પરંતુ વધતી જતી વસ્તીને પરિણામે આનું કોઈ નોંધનીય કે હકારાત્મક પરિણામ મેળવી શકાતું નથી. વસ્તીવધારાનું આ પ્રચંડ પૂર તેની સાથે બેરોજગારી, ગરીબી, પ્રદૂષણ, કુપોષણ, જીવન જરૂરી વસ્તુઓની અછત વગેરે જેવી અનેક સમસ્યાઓ અને પ્રશ્નો સાથે લઈને આવે છે. અન્ય સાઈડ ઈફેક્ટસમાં બેકારી અને ગરીબીના પરિણામે ગુનાખોરી, ચોરી, અપરાધિક સમસ્યાઓ પણ સમાજમાં મોટાપાયે અરાજકતા ફેલાવતી રહે છે. આ પ્રત્યેક પ્રશ્નોની આડઅસરો વૈશ્વિક સમસ્યારૂપે પરેશાન કરી રહી છે અને ઉપરથી દેખાય છે તેથી વધુ ઊંડા તેના મૂળિયા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *