શિક્ષક રાષ્ટ્ર નિર્માતા છે. વર્તમાન સમયની સાથે સાથે આવનારા સમયમાં ભારત દેશ અને દુનિયામાં થતી નવી નવી શોધખોળ કરનાર અને પરિવર્તન લાવનાર કોઈપણ વ્યકિતની સફળતા પાછળ એક શિક્ષકની ભૂમિકા મહત્વની હોય છે. સફળતાનો જશ મળે કે ન મળે પણ શિક્ષક જાગૃત રહીને સમાજને શિક્ષિત કરવાનું કાર્ય કરે છે. શિક્ષકનું કામ માત્ર ભણાવવાનું નથી પરંતુ વિદ્યાર્થીના મનમાં સવાલો ઉભા કરવાનું છે.
સમય સાથે કદમ મિલાવવા માટે શિક્ષકને અપડેટ કરવામાં માનતી આપણી સંસ્થા શ્રીમતી એસ.એચ.ગજેરા વિદ્યાભવન ઉત્રાણ શાળામાં શિક્ષકો માટે એક સરસ મજાનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં યુથ મોટીવેશનલ સ્પીકર શ્રી અશોકભાઈ ગુજ્જરે પોતાની રસમય શૈલીમાં સ્પીચ આપી હતી. વિવિધ પ્રકારના ક્ષેત્રોમાં કાર્ય કરતા સફળ વ્યક્તિઓના ઉદાહરણો આપીને શિક્ષકોને પણ સમય સાથે અપડેટ થવાની પ્રેરણા આપી હતી.
આ સેમિનારમાં ગજેરા ગ્રુપ ઓફ સ્કૂલની અલગ અલગ શાખાઓ માંથી આચાર્યશ્રીઓ,ઉપાચાર્યશ્રીઓ અને સારસ્વત શિક્ષકશ્રીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરુઆતમાં શાળાનાં અંગ્રેજી માધ્યમના આચાર્ય શ્રી ડો.રિતેશભાઈ અગ્રવાલે પ્રારંભિક ઉદબોધન કર્યુ હતું. આ સેમિનારમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉપસ્થિત દરેક વ્યક્તિએ વિવિધ પ્રકારની એકિતવિટીમાં ભાગ લીધો હતો. આ સેમિનાર દરમિયાન દરેક તબક્કે શીખવા માટેનો ઉત્સાહ અને ઉમંગ જોવાલાયક રહ્યો હતો. વક્તાશ્રી અશોકભાઈની મોટીવેશનલ વાતોથી શિક્ષકોએ પોતાનું મહત્વ સમજીને પોતાના પદનું ગૌરવ વધે અને વિદ્યાર્થીને આનંદનો અનુભવ થાય તે પ્રકારની કેળવણી આપવાનો નિર્ધાર કર્યો હતો. આવનારા પડકારોને પહોંચી વળવા માટે શિક્ષકોએ મહત્વની ત્રણ બાબતો જેવી કે અદ્યતન ટેકનોલોજી, વિદ્યાર્થીઓની સાયકોલોજી અને પ્રોડક્ટીવિટીને ધ્યાનમાં રાખીને સતત બદલાવ લાવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. સમય સાથે જે કોઈ બદલાય નહીં તો એમને ઇતિહાસ પણ યાદ રાખતો નથી. જેમકે મોબાઈલ કંપની નોકિયા, સ્કૂટર બનાવતી કંપની બજાજ, કોડાક, રાજદૂત મોટરસાયકલ જેવી કંપનીઓ પણ સમય સાથે અપડેટ થઈ નહોતી અને કાળક્રમે ભુલાઈ ગઈ. એટલે દરેક તબક્કે આગળ વધવા માટે શિક્ષકે પોતાના જીવનમાં બદલાવ લાવવા પ્રયત્નશીલ રહેવું પડશે. નવી નવી વાતો જાણવી પડશે અને વિધાર્થીઓને વહેંચતા રહેવી જોઈએ. વક્તાશ્રી અશોકભાઈએ અંતમાં કહ્યું કે લોકો તમારા પદ અને ચહેરા કરતા તમારી નિસ્બત સાથેની કામગીરીને કારણે જ તમને યાદ રાખશે.
કાર્યક્રમનાં અંતમાં ગુજરાતી માધ્યમના આચાર્ય શ્રી વિપુલભાઈ ટાઢાણીએ વકતાશ્રી અશોકભાઈ ગુજ્જરનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમથી દરેક શિક્ષકોને નવા ઉત્સાહ અને આનંદપૂર્વક શીખવવાની પ્રેરણા મળી હતી. શિક્ષકોએ નવી ઊર્જા અને નિસ્બત સાથે વિદ્યાર્થીઓના ઘડતરમાં ફાળો આપવાનો નિર્ધાર કર્યો હતો.