ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતા ભગવાનના સમાન ગણાય છે. શાસ્ત્રો અનુસાર, “માતા પિતા પરમ દૈવતં” અર્થાત્ માતા-પિતા જ પ્રત્યક્ષ દેવતાઓ છે. આજની યાંત્રિક જીવનશૈલીમાં જ્યારે વૃદ્ધ માતા-પિતાને અવગણવામાં આવે છે, ત્યારે માતૃ-પિતૃ પૂજનનો મહિમા વધુ મહત્વનો બને છે. માતૃ-પિતૃ પૂજન એ માતા-પિતાને શ્રદ્ધા અને પ્રેમભાવે સન્માન આપવાનો દિવસ છે. આ દિવસે સંતાનો તેમના માતા-પિતાના ચરણસ્પર્શ કરી તેમના આશીર્વાદ લે છે.
આ પરંપરાથી સંતાનોમાં માતા-પિતાની સેવા અને આદરની ભાવના વિકસે છે. વૃદ્ધ માતા-પિતાની જવાબદારી ઉપાડવા પ્રોત્સાહન મળે છે. આ દિનને ઉજવવાથી પિતૃભક્તિ અને માનવતાના સંદેશનો પ્રચાર થાય છે. શાસ્ત્રો અનુસાર, માતા-પિતાની સેવા અને પૂજા કરવાથી પુણ્ય મળે છે અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
આથી જ અમારી શાળા શ્રીમતી એસ.એચ. ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણ ખાતે માતૃ-પિતૃ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માતા-પિતાને આમંત્રિત કરી, તેમના ચરણ ધોઈ, તેમને પુષ્પમાળા અર્પણ કરી, આરતી ઉતારી માતા-પિતાની પૂજા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા વચ્ચે એક અતુટ લાગણી પ્રગટાવનારો હતો. તો શાળાના વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં માતા-પિતાના મહત્વ વિશે સુંદર વિચારો વ્યક્ત કર્યા હતા. સાચે જ આજનો આ માતા-પિતાપૂજનનો કાર્યક્રમ એક પ્રેમ અને કરુણાનું પ્રતિક બની રહ્યો.
આમ, માતૃ-પિતૃ પૂજન માત્ર એક દિવસની વિધિ નથી, પરંતુ જીવનભર તેમના પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતાની ભાવના રાખવી એ સાચી પૂજા છે. આપણું જીવન માતા-પિતાના અપરંપાર ત્યાગ અને પ્રેમનું પરિણામ છે, તેથી તેમની સેવા અને પૂજા કરવી એ જ સાચી ભક્તિ ગણાય.