અમારી શ્રીમતી એસ. એચ. ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણમાં શિક્ષક દિનની ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવણી કરવામાં આવી. શિક્ષક દિન આવે એટલે વિદ્યાર્થીઓમાં પહેલેથી જ કંઈક નવું કરવાની ઉત્સુકતા જોવા મળતી હતી. આ દિવસ અમારા માટે ખાસ હતો, કારણ કે આ દિવસે અમે અમારા શિક્ષકો પ્રત્યેનો પ્રેમ અને આદર વ્યક્ત કરવાનો મોકો મળ્યો.
શિક્ષક દિનના દિવસે શાળામાં સવારથી જ અલગ પ્રકારનો માહોલ હતો. કેટલાક વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને પોતાના મિત્રો અને નાના ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવાની જવાબદારી લીધી હતી. શિક્ષકની જેમ વર્ગમાં ઊભા રહીને ભણાવવાનો અનુભવ અમારા માટે ખૂબ જ મજેદાર હતો. ત્યારે અમને સમજાયું કે રોજ વર્ગમાં ઊભા રહીને અમને ભણાવવું અને બધાને શાંતિથી સમજાવવું કેટલું મુશ્કેલ કામ છે.
આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા ગીત, કવિતા, ભાષણ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. કેટલાક વિદ્યાર્થીઓએ પોતાના મનગમતા શિક્ષક વિશે વાત કરી અને શિક્ષકો પાસેથી મળતા પ્રેમ, માર્ગદર્શન અને શીખવાની વાતો પણ જણાવી. કાર્યક્રમ દરમિયાન ઘણી મસ્તી પણ થઈ અને બધા ખૂબ હસ્યા.
શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓના કાર્યક્રમોને ખૂબ પ્રેમથી જોયા અને અમને પ્રોત્સાહન આપ્યું. અમારા શિક્ષકો હંમેશાં અમને ભણાવવા ઉપરાંત જીવનમાં સારું બનવા માટે પણ સમજાવે છે. તેઓ અમારી ભૂલો સુધારે છે, અમને હિંમત આપે છે અને આગળ વધવા માટે પ્રેરણા આપે છે. એટલે જ શિક્ષક આપણા જીવનમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે.
આખો દિવસ ખૂબ આનંદથી પસાર થયો. શિક્ષક બનીને ભણાવવાથી અમને શિક્ષકોની મહેનતનો થોડો અનુભવ પણ થયો. આ દિવસ માત્ર ઉજવણીનો દિવસ નહોતો, પરંતુ અમારા શિક્ષકો પ્રત્યે આભાર માનવાનો અને તેમના મહત્વને સમજવાનો દિવસ પણ હતો.
શિક્ષક દિનની આ ઉજવણી અમારા માટે ખૂબ જ આનંદદાયક અને યાદગાર રહી. આ દિવસની મીઠી યાદો અમને લાંબા સમય સુધી યાદ રહેશે અને અમારા શિક્ષકોનો પ્રેમ અને માર્ગદર્શન હંમેશાં અમને આગળ વધવાની પ્રેરણા આપતું રહેશે.