સંગીત, યોગ અને સંસ્કારની ત્રિવેણી ઉજવણી

આજ રોજ અમારી શાળા શ્રીમતી એસ.એચ. ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણમાં વિશ્વ સંગીત દિવસ, વિશ્વ યોગ દિવસ અને ફાધર્સ ડેની ત્રિવિધ ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ અવસરે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી વિવિધ સર્જનાત્મક અને પ્રેરણાદાયી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. 

વિશ્વ સંગીત દિવસ નિમિત્તે ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ માટે બાળગીત સ્પર્ધા યોજવામાં આવી હતી. નાનાં વિદ્યાર્થીઓએ મધુર સ્વરે વિવિધ બાળગીતો રજૂ કરીને સૌનું મન મોહી લીધું હતું. વિદ્યાર્થીઓના સ્વર, લય, અભિવ્યક્તિ અને આત્મવિશ્વાસને આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓમાં સંગીત પ્રત્યેનો રસ અને મંચ પર રજૂઆત કરવાની કુશળતાનો વિકાસ થયો હતો. 

વિશ્વ યોગ દિવસ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકમિત્રો દ્વારા સમૂહ યોગ કાર્યક્રમ યોજાયો હતો. યોગના મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ જુદા જુદા યોગના આસનો અને વિવિધ પ્રાણાયામનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસમાં ભાગ લઈ “યોગથી નિરોગ” રહેવાનો સંકલ્પ કર્યો હતો.

આ ઉપરાંત ફાધર્સ ડેની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાના પિતા પ્રત્યેનો પ્રેમ, સન્માન અને લાગણીઓને રંગો અને રેખાઓ દ્વારા સુંદર રીતે વ્યક્ત કરી હતી. વિવિધ આકર્ષક અને સર્જનાત્મક ચિત્રો દ્વારા વિદ્યાર્થીઓએ પિતાના જીવનમાં રહેલા મહત્વને ઉજાગર કર્યું હતું. આ પ્રવૃત્તિએ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા તેમજ પારિવારિક મૂલ્યો પ્રત્યેની સમજણ વિકસાવવામાં મદદરૂપ બની હતી.

સમગ્ર કાર્યક્રમ આનંદમય, પ્રેરણાદાયી અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ ત્રણેય પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સંગીત, યોગ અને પરિવાર પ્રત્યેની સંવેદનાઓનો વિકાસ થયો હતો. કાર્યક્રમના સફળ આયોજન માટે શાળાના આચાર્યશ્રી, શિક્ષકમિત્રો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સહભાગિતા નોંધાવી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *