તા. 11 જુલાઈ, 2026 ના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે શાળાના સ્થાપના દિવસ (Founder’s Day) તથા પૂજ્ય હરિબાપાની પુણ્યતિથિ નિમિત્તે ભક્તિ, સંસ્કાર અને કૃતજ્ઞતાભાવથી ઓતપ્રોત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પૂજ્ય હરિબાપાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ પૂજ્ય હરિબાપાના સેવા, સમર્પણ, માનવતા અને સંસ્કારસભર જીવનમૂલ્યોને સ્મરી તેમના દર્શાવેલા માર્ગે ચાલવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ દાદા-દાદીઓના સન્માનાર્થે વિશેષ ભજન સંધ્યા યોજાઈ હતી. ભક્તિમય ભજનોના સુમધુર સ્વરો વચ્ચે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઉર્જાથી છલકાઈ ઊઠ્યું હતું. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ શાળાના વિદ્યાર્થીમિત્રો અને શિક્ષકમિત્રો દ્વારા રજૂ કરાયેલું કરતાલ પર્ફોર્મન્સ રહ્યું હતું. કરતાલના સુમેળભર્યા તાલ, ભક્તિરસથી ભરપૂર પ્રસ્તુતિ અને વિદ્યાર્થીઓના ઉત્સાહે સૌના હૃદય જીતી લીધા હતા.
આ પ્રસંગે શાળાના માનનીય ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા સાહેબ,કેમ્પસ ડિરેક્ટર નીશાબેન ખુમાણ,એકેડેમીક ડિરેક્ટર શ્રીમતી પ્રતિમાબેન સોની,આચાર્યશ્રીઓ , શિક્ષકમિત્રો, વિદ્યાર્થીમિત્રો, વાલીમિત્રો તેમજ મોટી સંખ્યામાં દાદા-દાદીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વડીલોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના આશીર્વાદથી સમગ્ર કાર્યક્રમ ગૌરવપૂર્ણ બન્યો હતો.
સ્થાપના દિવસના અવસરે શાળાની શૈક્ષણિક યાત્રા, સંસ્કારલક્ષી કાર્ય અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાને યાદ કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ શાળાના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી અને સંસ્થા દ્વારા સંસ્કાર, સેવા અને શ્રેષ્ઠ શિક્ષણના મૂલ્યોને આગળ વધારવાના પ્રયત્નોની પ્રશંસા કરી હતી.
કાર્યક્રમના અંતે પૂજ્ય હરિબાપાના આશીર્વાદરૂપ જીવનમૂલ્યોને જીવનમાં આત્મસાત્ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. ભક્તિ, સંસ્કાર અને પારિવારિક એકતાનો સુંદર સમન્વય રજૂ કરતો આ કાર્યક્રમ સૌ માટે યાદગાર અને પ્રેરણાદાયી બની રહ્યો હતો.
