“વિદ્યાર્થી જ્યારે પોતાના પ્રયત્નોથી જ્ઞાન મેળવે છે, ત્યારે શિક્ષણ સાચા અર્થમાં જીવન સાથે જોડાય છે.”
વિદ્યાર્થીઓમાં તાર્કિક વિચારશક્તિ, આત્મવિશ્વાસ, નેતૃત્વ, સંવાદ કૌશલ્ય અને લોકશાહી મૂલ્યો પ્રત્યે જાગૃતિ વિકસે તે હેતુથી અમારી શાળામાં ધોરણ–9 અને 10ના વિદ્યાર્થીઓ માટે “રાજકારણ (Politics)” વિષય પર ગ્રુપ ડિસ્કશનનું સફળ આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમની સૌથી વિશિષ્ટ બાબત એ હતી કે સમગ્ર આયોજન અને તૈયારી વિદ્યાર્થીઓએ સંપૂર્ણપણે સ્વયં કરી હતી. કોઈપણ શિક્ષક, વાલી કે અન્ય વ્યક્તિની મદદ લીધા વગર વિદ્યાર્થીઓએ વિવિધ પુસ્તકો, સમાચારપત્રો, સામયિકો અને વિશ્વસનીય ડિજિટલ માધ્યમોમાંથી માહિતી મેળવી, તેનું વિશ્લેષણ કર્યું અને પોતાના ગ્રુપની રજૂઆત તૈયાર કરી.
ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓએ લોકશાહી, ભારતીય બંધારણ, ચૂંટણી પ્રક્રિયા, મતાધિકારનું મહત્વ, સારા નેતૃત્વના ગુણો, યુવાનોની રાજકીય જવાબદારી તથા જવાબદાર નાગરિક તરીકેની ભૂમિકા જેવા અગત્યના મુદ્દાઓ પર આત્મવિશ્વાસ સાથે પોતાના વિચારો રજૂ કર્યા. વિવિધ દૃષ્ટિકોણોને સમજવાની અને તર્કસંગત રીતે પોતાના વિચારો વ્યક્ત કરવાની તેમની ક્ષમતા સૌના માટે પ્રેરણાદાયી રહી.
