ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે 15 ઑગસ્ટ, 2026ના રોજ દેશની આઝાદીના 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા ઉપસ્થિત મહાનુભાવોમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને દેશ પ્રત્યેની જવાબદારીની ભાવના જોવા મળી હતી. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે N.C.C. અધિકારી શ્રી હવાલદાર રાજીવ દ્વિવેદી, શ્રી ધ્રુવિલ ધોરાજિયા (સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, GST વિભાગ), શ્રી વિપુલભાઈ કથીરીયા (સિવિલ ડિફેન્સ વોર્ડન, સરથાણા ડિવિઝનલ), શ્રી પરેશભાઈ ગેલાણી (ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ) અને શ્રી મહેન્દ્રભાઈ માલવિયા (સિવિલ ડિફેન્સ વોર્ડન) ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તથા શાળાના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં વિદ્યાર્થીઓને દેશના બંધારણ પ્રત્યે નિષ્ઠાવાન રહેવા, સમાજ માટે ઉપયોગી કાર્યો કરવા તથા જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજો નિભાવવાની પ્રેરણા આપી હતી.
કાર્યક્રમનો પ્રારંભ દેશભક્તિપૂર્ણ વાતાવરણમાં સ્વાગત સાથે થયો હતો. ત્યારબાદ રાષ્ટ્રધ્વજ વંદન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણ બાદ સૌએ એકસાથે રાષ્ટ્રગાન ગાઈને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા શિસ્તબદ્ધ પરેડ અને પિરામિડ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું, જેના દ્વારા શિસ્ત, એકતા, સાહસ અને ટીમવર્કનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મહેમાનશ્રીઓએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને દેશપ્રેમ, શિસ્ત, પ્રામાણિકતા, જવાબદારી અને સારા નાગરિક બનવા માટે પ્રેરિત કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા અને જ્ઞાનનો સકારાત્મક ઉપયોગ કરી દેશની પ્રગતિમાં યોગદાન આપવા તથા રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
શાળાના આ ગૌરવપૂર્ણ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય એકતા, બંધુત્વ અને જવાબદાર નાગરિકત્વના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. અંતે દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને શ્રદ્ધાપૂર્વક યાદ કરી તેમના અમૂલ્ય યોગદાનને નમન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રપ્રેમ, એકતા અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
